ભુજમાં કેન્દ્રિય અંદાજપત્ર પર સેમીનારનું આયોજન કરાયું

ભુજમાં કેન્દ્રિય અંદાજપત્ર પર સેમીનારનું આયોજન કરાયું

તાજેતરમાં ભુજ ખાતે કેન્દ્રિય અંદાજપત્ર પર વિજયરાજજી લાયબ્રેરી, સેતુ અભિયાન અને કચ્છ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં સેતુ અભિયાનના ટ્રસ્ટી ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાયે સેમીનારનો પરિચય આપી વક્તાઓની ઓળખ આપી હતી.

જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રમેશભાઇ પિંડોરીયાએ બિનનિવાસી ભારતીયોને લગતી કાયદાકીય જોગવાઇઓ અંગે કેન્દ્રિય બજેટમાં થયેલા ફેરફારની માહિતી આપી હતી તેમજ ચેરિટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ માટે રજીસ્ટ્રેશનને લગતી જોગવાઇઓમાં કરવામાં આવેલા ફેરફાર અંગે પણ વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. જાણીતા કરવેરા સલાહાકાર તેમજ સેતુ અભિયાનના ટ્રસ્ટી અરૂણભાઇ વચ્છરાજાનીએ બજેટના વિવિધ પાસાઓને આવરી લેતાં સીધા કરવેરામાં કરવામાં આવેલા ફેરફારો વિશે બોલતાં જણાવ્યું હતું કે, આ બજેટમાં વૈકલ્પિક કર વસુલી પદ્ધતિ દાખલ કરવામાં આવી છે પણ નાના કરદાતાઓ માટે એ કેટલા અંશે ઉપયોગી નીવડશે એ વ્યક્તિગત અનુભવોના આધારે પુરવાર થશે. વધુમાં તેમણે જણાવ્યું કે, નાણામંત્રી પાસે જે અપેક્ષાઓ હતી એ મુજબ વર્તમાનમાં પ્રવર્તેલી આર્થિક મંદી અને બેરોજગારીની સમસ્યાના સમાધાન માટે કોઇ નક્કર યોજનાઓ આ બજેટમાં જોવા મળી નથી. તેમજ આ બજેટ સામાન્ય નાગરિકો માટે નિરાશાજનક હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

આ સેમીનારમાં પીઢ પત્રકાર કિર્તીભાઇ ખત્રી, સામાજિક કાર્યકર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રામજીભાઇ પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઇ જોષી, સેતુ અભિયાનના ડાયરેક્ટર મનીષભાઇ આચાર્ય સંસ્થાના પીયુશભાઇ પટ્ટણી મંચસ્થ રહ્યા હતા. ભુજ અર્બન સેતુના કાર્યકરો ભાવસિંહ ખેર, વિશ્રામ વાઘેલા, કરમણ મારવાડા, મયુર રાઠોડ, આશા મહેશ્વરી, સીટિ ફેલો મામદ લાખા ભુજ બોલે છેના જય અંજારિયા વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી. સમગ્ર સેમીનારનું સંચાલન નરેશભાઇ અંતાણીએ કર્યું હતું.


No Comment

Comments are closed here.

Last updated on:

en_USEnglish