ભુજના શેરી ફેરીયાઓને નિયંત્રિત રીતે પણ રોજગાર મેળવવા અનુમતિ મળે !

ભુજના શેરી ફેરીયાઓને નિયંત્રિત રીતે પણ રોજગાર મેળવવા અનુમતિ મળે !

આજે આપણો દેશ ખૂબ જ વિકટ પરિસ્થિતિઓ સામે ઝઝૂમી રહ્યો છે ! કોરોના વાઇરસની અસરે કમજોર પડી રહેલી આપણી અર્થ વ્યવસ્થાને વધુ નબળી બનાવી છે. જેની સીધી અસર આપણા અનૌપચારિક ક્ષેત્રો પર ખરાબ રીતે પડી રહી છે, અને સામાન્ય નાગરિકે તેની ભરપાઇ કરવી પડી રહી છે. આ વૈશ્વિક મહામારીને રોકવા માટે ૨૧ દિવસનું આ લોકડાઉન ખૂબ જ જરૂરી છે, પરંતુ આપણા સમાજના કેટલાક વંચિત પરિવારો પુરતી સહાયતા વિના નહીં જીવી શકે. આવા વંચિતોને યોગ્ય અને પુરતી સેવા મળે એ માટે ભુજ શહેર શેરી ફેરીયા સંગઠનદ્વારા ચીફ સેક્રેટરી, એડીશનલ ચીફ સેક્રેટરી, અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસીંગ ડીપાર્ટમેન્ટ તેમજ પ્રિન્સીપાલ સેક્રેટરી ડીપાર્ટમેન્ટ ઓફ સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, ગાંધીનગર ગુજરાતને પત્ર પાઠવવામાં આવ્યો છે.

આપણા શહેરના રસ્તા ઉપર વેંચાણ કરતા વેપારીઓ અને હાથલારી વાળા લોકો આ વંચિત વિસ્તારમાં આવે છે. એમનું ગુજરાન રોજે રોજની આવક ઉપર નિર્ભર છે. આ લોકડાઉનના કારણે તેમની રોજગારી સદંતર બંધ થઇ ગઇ છે અને આવનારા લાંબા સમય સુધી બંધ જ રહેશે. આ પરિવારોમાંથી મોટા ભાગના પરિવારો એવા છે જેની આર્થિક ક્ષમતા નથી કે રોજગારી વગર લાંબા સમય સુધી પોતાનું ગુજરાન ચલાવી શકે ! સરકાર દ્વારા ભુજ શહેરમાં અંદાજે ૧૨૦૦ હાથલારીવાળાઓનો સર્વે કરવામાં આવ્યો છે. આ સરવેની સૂચિ રાજ્ય સરકાર અને નગરપાલિકા પાસે ઉપસ્થિત છે. શહેરની બિન સરકારી સંસ્થાઓ અનુસાર અંદાજે ૮૦૦ એવા હાથલારી ધારકો છે જેની નોંધ કોઇ કારણોસર આ સરવેમાં થઇ નથી. તેમનામાંથી એવા વેપારીઓ પણ છે જે અન્યની લારી પર પગારદાર તરીકે કામ કરે છે. આ વિક્રેતાઓને પુરતી સહાય મળે એ માટે સંગઠને સરકારશ્રીને વિનંતી કરી કેટલીક માગણીઓ રજૂ કરી છે.

રજીસ્ટર્ડ હાથલારી ધારકોની સૂચિ પ્રમાણે તેમના માટે ૩ મહિનાના પુરતાં રાશનની વ્યવસ્થા કરવામાં આવે. તેમાં એ લોકોનો પણ સમાવેશ કરવામાં આવે જેમની પાસે રાશનકાર્ડ ના હોય અથવા કોઇ કારણોસર ચાલુ ના હોય, શહેરના શાકભાજી અને ફળના વિક્રેતાઓને નિયંત્રિત રૂપે અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવા સાથે તેમની પોતાની જગ્યાએ દરરોજ ચોક્કસ મર્યાદિત સમય માટે વેપાર કરવાની પરવાનગી આપવામાં આવે જેથી એમને રોજગારી મળતી રહે; તેમના રોજગારને અનિવાર્ય સેવાઓની સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવે, તેમને તેમનો સામાન ઘર સુધી પહોંચાડવાની પરવાનગી આપવામાં આવે અને આ વિક્રેતાઓના નામ, સ્થળ અને મોબાઇલ નંબર અખબાર, ટીવી અને સોશ્યલ મીડિયા જેવાં માધ્યમો દ્વારા શહેરના નાગરિકો સુધી પહોંચાડવા જોઇએ, સરકારશ્રી દ્વારા તેમના માટે સરળ ભાષામાં એક દિશાસુચન માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે અને આવા વિક્રેતાઓને પહોંચાડવામાં આવે, આવી વિકટ પરિસ્થિતિમાં પણ શહેરની જનતાને સેવાઓ પુરી પાડી રહેલા લારીધરકોને પોલીસ રક્ષણ પણ પૂરૂં પાડવામાં આવે, તેમના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખી WHO ના નિર્દેશો અનુસાર તેમને સુરક્ષા કીટ આપવી જોઇએ જેમાં માસ્ક, સાબુ, સેનીટાઇઝર, ડિસ્પોઝેબલ હાથ મોજા સમાવિષ્ટ હોય, તદુપરાંત લોકડાઉન પૂર્ણ થાય ત્યાં સુધી દરેક પરિવારને દર મહિને ૫૦૦૦ રૂપિયાની આર્થિક આર્થિક સહાય પુરી પાડવામાં આવે. આ સાથે એવા પણ કેટલાક લારીધારકો છે જેમનો ધંધો લોકડાઉનના કારણે માલ સપ્લાય બંધ થઇ જવાના કારણે સદંતર ઠપ્પ થઇ ગયા છે. આ આ વિક્રેતાઓને એકીસાથે કમ સે કમ ૫૦ હજાર રૂપિયાનું ચૂકવણું કરવામાં આવે જેથી લોકડાઉન પૂર્ણ થયા પછી તેઓ પોતાનો વ્યવસાય ફરીથી શરૂ કરી શકે, તેમજ લોકડાઉન દરમ્યાન પ્રતિ માસ ૧૫ હજારનું અનુદાન પૂરૂં પાડવામાં આવે. તેમનામાં કેટલાક લોકો એવા છે જે અન્ય રાજ્યોથી રોજગારી મેળવવા માટે અહિં આવ્યા છે, જો એ લોકો તેમના પરિવાર પાસે વતનમાં પરત જવા ઇચ્છતા હોય તો તેમની અપેક્ષા અનુસાર અનિવાર્ય પરવાનગી અને વાહનની વ્યવસ્થા કરવામાં આવે. આ હાથલારી ધારકોને સ્વાસ્થ્ય સબંધિત સહાય પણ પુરી પાડવામાં આવે જેના અંતર્ગત લોકડાઉન દરમ્યાન પોતાનો વિક્રેતા ઓળખપત્ર દર્શાવી તેઓ કોઇ પણ હોસ્પિટલમાં પોતાની અને પોતાના પરિવારના સભ્યોની નિ:શુલ્ક સારવાર કરાવી શકે. જે લારીધારકોના નામ સરવે દરમ્યાન બાકી રહી ગયા હોય તેમની લોક પ્રતિનિધિઓ અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા નોંધ કરવામાં આવે અને ઉપરોક્ત દરેક માગણીઓમાં તેમનો પણ સમાવેશ કરવામાં આવે.


No Comment

Comments are closed here.

Last updated on:

en_USEnglish