આપણે સૌ જાણીએ છીએ કે ૮૦ ટકા જેટલા રોગો પાણીજન્ય રોગો હોય છે તેથી આપણે જે પાણી પીએ છીએ એ કેટલું પીવા યોગ્ય છે કે કેમ તેની તપાસ કરવી ખૂબ જ અનિવાર્ય છે ખરૂં ને ?! અને જો પાણીની આ તપાસ તમે તમારા એન્ડરોઇડ ફોનથી જ કરી શકો તો ?! હા, બેંગ્લોરની “ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ મોનીટરીંગ” સંસ્થા દ્વારા મોબાઇલ આધારીત એવી એપ્લિકેશન બનાવી છે જે મીનિટોમાં તમારા પીવાના પાણીના એક-બે નહિં ૧૮ ટેસ્ટ કરી આપશે.
ભુજની “એક્ટ” સંસ્થા ખાતે ભુજલ જાણકારની તાલીમ લઇ રહેલા યુવાનોને બેંગ્લોરથી આવેલી એફએફઇએમના સેમ્યુઅલ રાજકુમાર અને ગુરૂપ્રસાદ મોબાઇલ બેઝ્ડ એપ્લિકેશનની તાલીમ આપવા ભુજ આવ્યા હતા. ભુજમાં ચાલતા પ્રકલ્પ “હોમ્સ ઇન ધ સીટિ”માં જોડાયેલી પાંચ સંસ્થાઓના કાર્યકરો આ એપ્લિકેશનથી વાકેફ થાય એવા આશય સાથે ભુજના અર્બન સેતુ ખાતે એક ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું. ભુજના વિવિધ વોર્ડમાંથી આવેલા કાર્યકરો બોર, બીસ્લેરી, આરઓ, નર્મદા સહિતના પાણીના નમૂના લાવ્યા હતા જેનું બેંગ્લોરની ટીમના બન્ને સભ્યોએ પોતાની કીટ દ્વારા ૧૮ માંથી ત્રણ ફ્લોરાઇડ, પીએચ અને આયર્નના ટેસ્ટ કરી બતાવ્યા હતા. સામાન્ય રીતે લેબોરેટરીમાં જે ટેસ્ટ કરવા માટે દિવસો લાગી જતા હોય છે એ ટેસ્ટ આ એપ્લિકેશનના માધ્યમથી મીનિટોમાં રીઝલ્ટ જણાવે છે. પ્રોગ્રામર તરીકેનો અનુભવ ધરાવતા સેમ્યુઅલજી કહે છે કે, ૨૦૧૨થી આ એપ્લિકેશન બનાવવાની કામગીરી થઇ રહી છે, અત્યારે એપ્લિકેશન ઉપયોગ માટે તૈયાર છે પરંતુ હજી તેની એક્યુરસી અને ટેસ્ટ કેવી રીતે સસ્તો બની શકે તેના પ્રયાસો ચાલી રહ્યા છે. હાલમાં આ કીટની કિંમત પંદર સો રૂપિયા છે જેમાંથી ૫૦ સેમ્પ્લના ટેસ્ટ કરી શકાય છે. આ કીટના માધ્યમથી થતા ટેસ્ટ અનેક લેબોરેટરીના ટેસ્ટ સાથે સરખાવવામાં આવ્યા હોવાનું જણાવતાં ટૂંક સમયમાં આ કીટના ટેસ્ટને સરકારી પ્રમાણન પણ મળે એવા પ્રયાસો સંસ્થા કરતી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
પાણીના વિવિધ નમૂનાઓના ટેસ્ટના તારણોમાં નર્મદાનું પાણી અન્ય નમૂનાની સરખામણીમાં વધુ પીવા યોગ્ય લાગ્યું હતું જ્યારે વોર્ડ ૨ના બોરવેલના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ સામાન્ય માત્રાથી બમણું જોવા મળ્યું હતું. ફ્લોરાઇડથી દાંત પીળા થવાની તકલીફ થાય છે એજ રીતે પાણીના અન્ય પદાર્થો એસીડીટી, પેટના રોગો વગેરે માટે જવાબદાર હોય છે. તેવામાં મોબાઇલના કેમેરા અને ફ્લેશ લાઇટના માધ્યમથી ઓપરેટ થતી આ એપ્લિકેશન પાણીની ગુણવત્તા ચકાસવા માટે ઉપયોગી બની શકે તેમ છે. અર્બન સેતુની ટીમ ઉપરાંત, કેએમવીએસ, એક્ટ તેમજ વોર્ડ ૧૧, ૧ અને ૨ના સભ્યો આ ડેમોન્સ્ટ્રેશનમાં જોડાયા હતા.
No Comment
Comments are closed here.