સ્વૈચ્છિક સંસ્થાઓ, નાગરિકો અને સંગઠનોના સંયુક્ત પ્રયાસોથી ભુજ મધ્યે “હોમ્સ ઇન ધ સીટિ” પ્રલક્પ ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષના સમયગાળામાં ભુજ શહેરમાં કરેલી કામગીરી દ્વારા જે અનુભવો રહ્યા છે તેના આધારે સામાજિક, આર્થિક તેમજ પર્યાવરણ સબંધિત તારવવામાં આવેલા કેટલાક ટુંકાગાળાના મુદ્દાઓ નગરપાલિકા સમક્ષ મુકવા માટે નાગરિકોના પોતિકા મંચ “ભુજ બોલે છે” દ્વારા ૫મી જાન્યુઆરીના “લોક સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજારથી પણ વધારે નાગરિકો હાજર રહ્યા હતા.
નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીની ઉપસ્થિતિમાં ભુજ શહેરના નાગરિકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. રજૂઆતો અંતર્ગત શહેરના સુશાસન માં લોક ભાગીદારી, ભુજના દરેક વોર્ડમાં વોર્ડ ઓફિસ તેમજ વોર્ડ સમિતિઓનું નિર્માણ કરવું, શહેરી શેરી ફેરિયાઓ માટે અધિનિયમ મુજબ વ્યવસાયિક વિસ્તાર(વેન્ડીંગ ઝોન) નકકી કરવા, ઐતિહાસિક દેસલસર તળાવને ગટરના પાણી થી મુક્ત કરવા આયોજન કરવું, ભુજના તળાવોનું રજિસ્ટ્રેશન, ઘર વિહોણા પરિવારો માટે આવાસ યોજના અંતર્ગત આગામી પ્રક્રિયા આગળ વધારવી, શહેરના વિકાસમાં જેઓ શ્રમ કરીને રોજગાર મેળવી રહ્યા છે તેવા પ્રવાસી શ્રમિકો માટે રૈન બસેરા જેવા આશ્રય સ્થાનો ઉપલબ્ધ કરવા, શહેરમાં બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમીટિની રચના કરવી, નગરપાલિકામાં “ફરિયાદ નિવારણ ફોરમ“ની સુવિધા ઉભી કરવી જેવા અનેક મુદ્દા નગરપાલિકા સમક્ષ મુકાયા હતા.
નાગરિકોની રજૂઆત સાથે અરુણભાઇ વચ્છરાજાની, સંદિપભાઇ વીરમાણી, ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય, શશીકાંતભાઇ ઠક્કર, રસિલાબેન પંડ્યા, દિવ્યાબેન વૈદ્ય, કે. ડી. ગોર સહિત ભુજના વરિષ્ઠ નાગરિકોએ પોતાના અનુભવો વ્યક્ત કરતાં નાગરિકોના પ્રશ્નોને વધુ સ્પષ્ટ અને સચોટ સહયોગ આપ્યો હતો. નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરતભાઇ રાણા, સેનીટેશન ચેરમેન અશોકભાઇ પટેલે દરેક મુદ્દાઓના પ્રત્ત્યુત્તરમાં નગરપાલિકા તરફથી શક્ય એટલા પ્રયાસો કરી દરેક મુદ્દાને નાગરિકોના હિતમાં પુરા કરવાની ખાતરી આપવામાં આવી હતી તેમજ લોક સંવાદના આયોજનને ઉપયોગી લેખાવ્યું હતું. તેમની સાથે નગરસેવકો જલધિ વ્યાસ, કાસમભાઇ, માલશીભાઇ માતંગ, આયસુબેન સમા, મુસ્તાકભાઇ હિંગોરજા, ગનીભાઇ કુંભાર, ફકીરમામદ કુંભાર, ગોદાવરીબેન ઠક્કર વગેરે મંચ પર જોડાયા હતા.
નગરના અન્ય મુદ્દાઓ માટે ટૂંક સમયમાં બીજા લોક સંવાદના આયોજનની વાત સાથે સંપન્ન થયેલા કાર્યક્રમને સાર્થક બનાવવા માટે હોમ્સ ઇન ધ સીટિના દરેક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સંવાદનું સંચાલન ‘ભુજ બોલે છે‘ના જય અંજારિયાએ સંભાળ્યું હતું જ્યારે દિવ્યાબેન વૈદ્યએ આભાર વ્યક્ત કર્યો હતો.
No Comment
Comments are closed here.