ભુજમાં કેન્દ્રિય બજેટની જોગવાઇઓ અને તેની અસરો સમજાવતો સેમીનાર યોજાયો

ભુજમાં કેન્દ્રિય બજેટની જોગવાઇઓ અને તેની અસરો સમજાવતો સેમીનાર યોજાયો

તાજેતરમાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમને વર્ષ ૨૦૧૯૨૦ માટે રજૂ કરેલા કેન્દ્રિય બજેટની જોગવાઇઓ અને તેની સામાન્ય નાગરિક પર થનારી અસરો વિશે મહારાઓશ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય, કચ્છ ટેક્સ ક્ન્સલટન્ટ એસોસીએશન તેમજ ભુજની સંસ્થા સેતુ અભિયાનના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેતુ અભિયાન સંસ્થા દ્વારા નાગારિકો સરકારી યોજનાઓથી અવગત થાય એ માટે સમયાંતરે લેક્ચર સીરિઝનું આયોજન કરવામાં આવે છે તેના ભાગરુપે આ સેમિનારનું આયોજન કરાયું. બજેટ રજૂ થાય ત્યારે સામાન્ય નાગરિકો માટે કેટલું ફાયદાકારક હશે એ માટે અપેક્ષાઓ સેવાતી હોય છે તેમજ દરેક લોકો પોતાની સમજ પ્રમાણે બજેટનું મુલ્યાંકન કરતા હોય છે. આવી પરિસ્થિતિમાં નાગરિકો બજેટ અંતર્ગત કરવામાં આવેલી જોગવાઇઓ અને તેની અસરોની માહિતી મેળવે એવા ઉદ્દેશ્ય સાથે સેમિનારનું આયોજન કરાયું હોવાની વાત વિજયરાજજી લાયબ્રેરીના પ્રમુખ ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાયે કરી હતી.

ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને આયોજિત સેમિનારના પ્રારંભે કચ્છ ટેક્સ કન્સલટન્ટ એસો.ના ઉપપ્રમુખ રમેશભાઇ પિંડોરીયા તેમજ પ્રમુખ ભરતભાઇ જોષીએ નાણાકિય જોગવાઇઓ, ઇન્કમ ટેક્સ રીટર્ન અંગેના નિયમો અંગે માહિતી આપી હતી. રોટરી ઇન્ટર ક્લબ કચ્છના આસીસ્ટન્ટ ગવર્નર અને સેતુ અભિયાન સંસ્થાના ટ્રસ્ટી અરુણભાઇ વચ્છરાજાનિએ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ, ડિસ ઇન્વેસ્ટમેન્ટ જેવા મુદ્દાઓને સાંકળી લઇ બજેટના વિવિધ પાસાંઓની વિસ્તૃતમાં માહિતી આપી હતી. બજેટના મુદ્દે સુક્ષ્મ વિગતો પુરી પાડવા બદલ કચ્છ ટેક્સ કન્સલટન્ટ એસો. દ્વારા અરુણભાઇ વચ્છરાજાનિનું મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ નિષ્ણતો સાથે મંચ પર નગરપાલિકા ઉપપ્રમુખ ડો. રામભાઇ ગઢવી, કારિબારી ચેરમેન ભરતભાઇ રાણા, વિપક્ષનેતા રાજેન્દ્રસિંહ જાડેજા, સેતુ અભિયાન સંસ્થાના ટ્રસ્ટી કૃપાબેન ધોળકિયા, ડાયરેક્ટર મનીષભાઇ આચાર્ય તેમજ લાયબ્રેરીના ઉપપ્રમુખ પિયુષભાઇ પટ્ટણી જોડાયા હતા.

સેમિનારના આયોજનમાં લાયબ્રેરી સ્ટાફ તેમજ સેતુ અભિયાનના ભાવસિંહ ખેર, વિશ્રામ વાઘેલા, મામદ લાખા, મયુર રાઠોડ, આશા મહેશ્વરીએ સહયોગ આપ્યો હતો. સંચાલન ભુજ બોલે છેના જય અંજારિયાએ અને આભારવિધિ કૃપાબેન ધોળકિયાએ કરી હતી.


No Comment

Comments are closed here.

Last updated on: