સ્થાનિક જળ સ્રોતો તરફનું દુર્લક્ષ લાલબત્તી સમાન છે ! વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભુજમાં સંવાદ યોજાયો

સ્થાનિક જળ સ્રોતો તરફનું દુર્લક્ષ લાલબત્તી સમાન છે ! વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભુજમાં સંવાદ યોજાયો

જો આપણે માત્ર આપણા ઘરના નળમાં પાણી આવે છે તેનાથી સંતોષ માણી લેશું અને ભૂગર્ભ જળની દશા તરફ ધ્યાન નહીં રાખીએ તો આવતી કાલ ખૂબ જ કઠિન હશે તેમાં બેમત નથી એવી ચિંતા ભુજમાં હોમ્સ ઇન ધ સિટી, ભુજ બોલે છે, જળ સ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ અને કે-લિન્ક દ્વારા આયોજિત પર્યાવરણ સંબધિત કાર્યક્રમમાં વ્યક્ત કરવામાં આવી હતી. વિશ્વ પર્યવારણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ક્લાઇમેટ ચેન્જ, જળ વ્યવસ્થાપન અને જૈવ વિવિધતા જેવા વિષયો પર નિષ્ણાતો અને નાગરિકો વચ્ચે સંવાદ કરાયો હતો.

ભુજના માકપટ જૈન સમાજ હોલમાં આયોજિત કાર્યક્રમના પ્રારંભમાં હોમ્સ ઇન ધ સિટીના ડાયરેક્ટર અસીમ મિશ્રએ પર્યાવરણમાં આવી રહેલા ગંભીર બદલાવો અંગે આપણે સૌ તેની અસર હેઠળ આવતા અસરગ્રસ્તો માટે શું કરી શકીએ એ વિષે ચર્ચા અને આગામી દિશાઓ નક્કી કરવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું. કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. મૃગેશ ત્રિવેદીએ એક નિષ્ણાત તરીકે ક્લાઇમેટ ચેન્જ કઇ રીતે થાય છે અને તેની કેવી વિપરીત અસરો થાય છે એ વિષય પર રજૂઆત કરી હતી. તેમણે પ્લાસ્ટિકની મહિલાઓના સ્વાસ્થ્ય પર થતી દૂરગામી અસરોથી સૌને વાકેફ કર્યા હતા. જૈવ વિવિધતાના નિષ્ણાત ડો. પંકજ જોશીએ ભુજના વોર્ડ નંબર ૮ અને ૧૧માં થઈ રહેલા વૃક્ષોના સરવેની માહિતી સાથે જો આપણે વધુને વધુ વૃક્ષો વાવીશું તો વાતાવરણમાં ઉદભવતા કાર્બનને ઘટાડવામાં યોગદાન આપી શકીશું એવી વાત કરી હતી. તેમની સાથે ટેકનિકલ હેન્ડ તરીકે જોડાયેલા કે-લિન્કના જીઆઈએસ નિષ્ણાત મનોજ સોલંકીએ વૃક્ષોની માહિતી પૂરી પાડતી એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે તેની રજૂઆત કરી હતી. આ એપ્લિકેશનનું ઉપસ્થીત મહેમાનો અને કિશોરીઓના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

હોમ્સ ઇન ધ સિટીના જય અંજારિયાએ હમીરસર તળાવની આવક્ષેત્ર પર તૈયાર કરાયેલી ‘જલગાથા’ ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ કરી; ભુજના ૩૮ તળાવોના સરવે અને નોંધણી માટેની પ્રક્રિયા વિષે નાગરિકોને માહિતગાર કર્યા હતા અને આશા સેવી હતી કે ટૂકં સમયમાં ભુજના તળાવો પોતાની ઓળખ મેળવી શકશે. દુનિયાની કોઈ સરકારે આજ સુધી પાણીની બેલેન્સ શીટ રજૂ કરી નથી એવી માર્મિક વાત સાથે ભૂગર્ભજલની પરિસ્થિતિ પર અંકુશ લાવવાની તાતી જરૂરિયાત હોવાની વાત સાથે પર્યાવરણ સુરક્ષા સમિતિ, વડોદરાના પર્યાવરણવિદ રોહિતભાઈ પ્રજાપતિએ તળાવો અને જળ સ્રોતો પ્રત્યે સેવાતા દુર્લક્ષ્યને લાલબતી સમાન ગણાવ્યા હતા. ભુજ પાસે ઉત્કૃષ્ટ જળ વ્યવસ્થા છે જેને પુન:જીવિત કરી નર્મદા પરની નિર્ભરતા પર રહેવાને બદલે સ્વનિર્ભર બનવાની વાત રોહિતભાઈએ રજૂ કરી હતી. નિષ્ણાતોની રજૂઆત બાદ નાગરિકોએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા જેના નિષ્ણાતો તરફથી તાર્કિક પ્રત્યુત્તરો આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભુજના વંચિત વિસ્તારોની કિશોરીઓ, સેતુ અભિયાન, અર્બન સેતુ સંસ્થાના પ્રતિનિધિઓ, ગોદાવરીબેન ઠક્કર, દિવ્યાબેન વૈદ્ય, દલપતભાઈ દાણીધારિયા સહિત અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati