ભુજમાં “હોમ્સ ઇન ધ સિટી” અને સ્કૂલ ઓફ હેબીટાટ સ્ટડીઝ, ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશીયલ સાયન્સ, મુંબઇના સંયુક્ત ઉપક્રમે કાર્યશાળા યોજાઇ

ભુજમાં “હોમ્સ ઇન ધ સિટી” અને સ્કૂલ ઓફ હેબીટાટ સ્ટડીઝ, ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશીયલ સાયન્સ, મુંબઇના સંયુક્ત ઉપક્રમે કાર્યશાળા યોજાઇ

શહેરી ગરીબોના જમીન અધિકાર માટે ગુજરાતની સંસ્થાઓ એકજુથ બને અને જમીન અધિકારો માટેનો મુસદ્દો તૈયાર કરી તેની એડવોકસી કરવામાં આવે એવો નિર્ણય ભુજ ખાતે આયોજિત રાષ્ટ્ર સ્તરની કાર્યશાળામાં સામુહિક રીતે લેવામાં આવ્યો ! ઝુંપડપટ્ટીવાસીઓ માટે જમીનની લાંબાગાળાની સુરક્ષાના સંદર્ભમાં વિવિધ રાજ્યોના અનુભવો અને ગુજરાતના ભુજ જેવાં નાના અને મધ્યમ કદના શહેરોમાં આ વિષય સંદર્ભે શક્યતાઓ તપાસવા માટે એક દિવસીય કાર્યશાળાનું આયોજન ભુજમાં ચાલી રહેલા પ્રકલ્પ હોમ્સ ઇન ધ સિટી” (એચઆઇસી) અને સ્કૂલ ઓફ હેબીટાટ સ્ટડીઝ, ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશીયલ સાયન્સ, મુંબઇના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં ગુજરાતની સંસ્થાઓ ઉપરાંત પંજાબ, ઓડિશા અને નાગપુરની સંસ્થાઓ ખાસ ઉપસ્થિત રહી હતી અને અનુભવો વ્યક્ત કર્યા હતા.

કાર્યશાળાના પ્રથમ સત્રના પ્રારંભમાં એચઆઇસીના ડાયરેક્ટર અસીમ મિશ્રએ હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, ભુજમાં રાજીવ ગાંધી આવાસ યોજનામાં ૩૧૪ મકાનો બન્યા બાદ છેલ્લા ચારપાંચ વર્ષોમાં શહેરી ગરીબોના જમીન અધિકાર સંદર્ભે દુર્લક્ષ દાખવવામાં આવી રહ્યું છે; આ સંદર્ભમાં રાજ્ય સરકારની નીતિમાં બદલાવ લાવવા માટે આ પ્રકારની કાર્યશાળા ઉપયોગી બની રહેશે. ટાટા ટ્રસ્ટ ઓડિશાના અર્બન હેબીટાટ પ્રોગ્રામમાં લાંબા સમયથી જોડાયેલા શિષિર દાસે સ્લમ ટૂ લીવેબલ હેબીટાટની પરિવર્તનકારી કામગીરીનો અનુભવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઓડિશામાં થયેલા સરવે પરથી ખબર પડી કે રાજ્યમાં ૨ લાખ ૧૭ હજાર પરિવારો ઘરવિહોણા છે. ટ્રસ્ટની એડવોકસીના પગલે ૨૦૨૧૭ના વર્ષમાં ઓડિશા લેન્ડ રાઇટ્સ ટુ સ્લમ ડ્વેલર્સ એક્ટ રાજ્ય સરકારે બહાર પાડ્યો ! ડ્રોન અને ડોર ટુ ડોર સરવે કરીને ૧ લાખ ૭૨ હજાર પરિવારોની માહિતી લેવામાં આવી જેમાંથી ૭૫ હજાર પરિવારોને જમીન પટ્ટો આપવામાં આવ્યો અને અન્ય ૧ લાખથી વધુ પરિવારોને જમીન પટ્ટો મળે એ માટે સર્ટિફિકેટ આપવામાં આવ્યાં. હાલ સુધીમાં ૨૦૧૯ સ્લમ વિસ્તારોમાંથી ૫૫૦ સ્લમ વિસ્તારોને અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં રાજ્ય સરકારે પણ પરિણામલક્ષી ભુમિકા નિભાવી છે. માત્ર જમીન અધિકાર જ નહિં પરંતુ એક સમાજની દરેક જરૂરીયાતો પુરી પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. પારદર્શિતાની વાત જણાવતાં તેમણે કહ્યું કે ચીફ સેક્રેટરીથી લઇને ફિલ્ડમાં કાર્યરત કાર્યકર્તા સૌને સમાવિષ્ટ કરી જમીન અધિકારના મુદ્દા પર વોટ્સપ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં દરેક સભ્યને દરેક સ્તરની માહિતી પુરી પાડવામાં આવે છે.

પંજાબ મ્યુનિસીપલ ઇન્ફ્રાર્સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની, ચંદીગઢના અર્બન પ્લાનર અનુપ કૌરે પંજાબ સ્લમ ડ્વેલર્સ પ્રોપરાઇટરી એક્ટ ૨૦૨૦ અને તેના અમલીકરણની માહિતી આપી હતી. તેમણે જણાયું હતું કે પંજાબમાં અધિકારીઓ અને ઝુંપડપટ્ટીના રહેવાસીઓને સાથે રાખીને સ્લમ એરિયા ડેવલપમેન્ટ એન્ડ રિહેબીલીટેશન કમીટિનું ગઠન કરવામાં આવ્યું છે જે એકમત બનીને કામ કરી રહી છે. પ્રથમ તબક્કે રાજ્ય સરકારની જમીન પર રહેતા લોકોને જમીન પટ્ટો આપવાની પ્રક્રિયા થઇ રહી છે જેમાં ૪૦ સ્લમના ૭,૭૫૦ પરિવારોને જમીન અધિકાર આપવામાં આવ્યો છે. “સ્લમ ફ્રી પંજાબના મિશન સાથે આગામી સમયમાં રાજ્યની દરેક સ્લમને આવરી લેવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.

ફ્લેટ નહિં પટ્ટા ચાહીએ, જમીન કા અધિકાર ચાહીએઆવી સંકલ્પના સાથે મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં કાર્યરત યુવા સંસ્થાના નીતિનભાઇ મેશરામ, પીઢ પત્રકાર અનિલભાઇ વાસનિક અને શહેર વિકાસ મંચના રાજકુમાર વણજારીએ નાગપુરની લક્ષ્મીનગર સ્લમમાં કેવા સંઘર્ષ સાથે રહેવાસીઓને જમીન પટ્ટો અપાવવામાં સફળતા મેળવી છે તેની વાત એક ડોક્યુમેન્ટ્રી દ્વારા પ્રસ્તુત કરી હતી. ૨૦૦૪થી જમીન અધિકારના મુદ્દે શહેર વિકાસ મંચ વ્યાપક સ્વરૂપે કાર્યરત છે અને ૨૦૦૭માં જમીન અધિકારને રાજનૈતિક મુદ્દો બનાવી શહેરી ગરીબો માટે લડત ચલાવવામાં આવી. ૨૦૧૭માં રાજ્ય સરકાર તરફથી જીઆર બહાર પાડવામાં આવ્યો અને ગરીબોને જમીન પટ્ટો આપવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો. વર્તમાન સુધીમાં ૪૨૬ સ્લમના ૫ હજાર પરિવારોને જમીન પટ્ટો મળી ગયો છે. ૨૦૧૯માં બહાર પડેલા નવા જીઆર મુજબ ખાનગી જમીન પર રહેતા ગરીબોને પણ જમીન પટ્ટો આપવાનું સુચવવામાં આવ્યું છે.

બીજા સત્રમાં મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટના સોનલબેન બ્રહ્મભટ્ટ, સાથ સંસ્થાના પરેશભાઇ સાકરીયા, એચડીઆરસીના શહેનાઝબેન ખાન, એસએક્ષએસએસએસના સુનિલભાઇ રાજ અને નવસર્જન ટ્રસ્ટના શેરોન ચૌધરીએ ગુજરાતમાં પોતાના કાર્યક્ષેત્રોમાં જમીન અધિકાર સંદર્ભે થયેલી કામગીરી અને પડકારો વિશે રજૂઆત કરી હતી. હુન્નરશાળા ફાઉન્ડેશનના આદિત્ય સિંઘે કચ્છમાં રાપર અને ભુજમાં રાજીવ ગાંધી આવાસ યોજનામાં થયેલી કામગીરી જણાવી હતી. ભુજમાં બનેલા જમીન અને આવાસ અધિકાર મંચના ફાતમાબેન જત, સલીમભાઇ અને મીનાક્ષીબેન ચૌહાણે મંચની પ્રવૃત્તિઓ વર્ણવી હતી. ભુજની હુન્નરશાળા, સેતુ અભિયાન અને એક્ટ સંસ્થાના પ્રતિનિધિઓ અને સ્લમ વિસ્તારના પ્રતિનિધિઓએ કાર્યશાળામાં જોડાઇ પ્રશ્નોત્તરી કરી હતી.

કાર્યશાળાના સમાપનમાં ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશીયલ સાયન્સ, મુંબઇના અમિતાબેન ભીડે અને એચઆઇસીના સંદીપભાઇ વીરમાણીએ આગામી સમયમાં ગુજરાતના શહેરી ગરીબોને પણ જમીનનો અધિકાર મળે એ માટે કેવા પ્રયાસો કરવાની જરૂરીયાત છે એ વિશે સુચનો કર્યાં હતાં. અમીતાબહેને જણાવ્યું હતું કે, જમીન અને આવાસ વચ્ચેના તફાવતને સમજી આપણી સંસ્કૃતિ અને મુલ્યોનું સંવર્ધન થાય એ રીતે જમીન અને આવાસ અધિકાર માટે પ્રક્રિયા કરવી જોઇએ. મકાન ભલે હોય પણ જમીનનો અધિકાર દરેક પરિવાર માટે સુરક્ષા કવચ છે. માત્ર આપણા માટે નહિં પણ આવનારી પેઢી માટે દરેક નાગરિક પાસે જમીનનો અધિકાર હોય એ અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું હતું કે સરકારી યોજનાઓમાં સમાવિષ્ટ મર્યાદાઓને માની લેવાને બદલે રહેવાસીને કેવા અધિકાર મળવા જોઇએ એ મુદ્દે એડવોકસી કરવાની અનિવાર્યતા છે. ગુજરાતમાં સંસ્થાઓનું નેટવર્ક ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે ત્યારે જમીન અધિકારના મુદ્દામાં પરિવારગત અધિકાર મળે, સંયુક્તતાનું પ્રાવધાન હોય, એલીજીબીલીટી નોન કન્ડિશનલ હોય તેમજ યોજનાઓની મર્યાદાઓમાં જરૂરી છુટછાટ મળે એ માટે એડવોકસી કરવા આહવાન કર્યું હતું. પંજાબ, ઓડિશા અને નાગપુરમાં થયેલા પ્રયાસોને ક્રાંતિકારી ગણાવતાં સંદિપભાઇએ ગુજરાતની દરેક સંસ્થાઓ એકજુથ બની જમીન અધિકારની યોજનાઓના મુદ્દે સમયાંતરે ચર્ચા વિચારણા કરે, એડવોકસી કરે અને એક મંચ પર આવી ગુજરાત રાજ્ય માટે જમીન અધિકાર માટે કેવો કાયદો હોવો જોઇએ તેનો મુસદ્દો તૈયાર કરે તેવું સુચન કર્યું હતું. કચ્છના ધારાસભ્ય અને સાંસદ બન્ને સહકાર પુરો પાડવા તૈયાર છે ત્યારે ગુજરાત સ્તરનું હિમાયત જુથ બને એ અનિવાર્ય છે જેના માટે TISS મુંબઇ સહયોગી બનશે તેવું તેમણે જણાવ્યું હતું.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati