ભુજના વિસરાતાં તળાવોને બચાવી લેવા નાગરિકોને આહવાન

ભુજના વિસરાતાં તળાવોને બચાવી લેવા નાગરિકોને આહવાન

ભુજમાં નાગરિકો સાથે આવો, આપણા તળાવોને ઓળખીએકાર્યક્રમ યોજાયો

આપણી જળસંસ્કૃતિના પર્યાય સમા તળાવોના જતન અને સંરક્ષણના મુખ્ય ઉદ્દેશ્ય સાથે જલ સ્રોત સ્નેહ સંવર્ધન સમિતી, એરિડ કોમ્યુનીટિસ એન્ડ ટેકનોલોજી તેમજ હોમ્સ ઇન ધ સીટિ પ્રકલ્પના સંયુક્ત ઉપક્રમે આવો, આપણા તળાવોને ઓળખીએકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું; જેમાં શહેરના નાગરિકો ભુજના ૪૩ તળાવોથી અવગત થયા હતા. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર પ્રવિણાબેન ડી. કે. ને લેખિત રજૂઆત કરાતાં તેમણે ટૂંક સમયમાં આ અંગે જરૂરી પ્રક્રિયા કરવાની બાંહેધરી આપી હતી.

૪૫૦ વર્ષનો અદકેરો ઇતિહાસ ધરાવતું આપણું ભુજ ઇતિહાસની તવારીખો જેવાં સ્મારકો ધરાવતું ઐતિહાસિક શહેર તો છે જ; પરંતુ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પણ આપણું ભુજ ગૌરવવંતો ઇતિહાસ ધરાવે છે. રાજાશાહીના સમયમાં આપણાં ભુજ શહેરમાં બેત્રણ નહિં પણ કુલ્લ ૬૫ તળાવો બાંધવામાં આવ્યાં હતાં ! આજે પણ ભુજમાં ૪૩ જેટલાં તળાવોનું અસ્તિત્વ હોવાના પુરાવા ઉપલબ્ધ છે. ભુજ શહેરના આવાં નામશેષ બની રહેલાં તળાવો ક્યાં અને કેવી પરિસ્થિતિમાં છે તેની રજૂઆત એક્ટસંસ્થાના ગૌરવભાઇ પરમારે કરી તળાવોની ઓળખ કરાવી હતી. જેએસએસએસના નવનિયુક્ત કન્વીનર પરેશભાઇ ગુજરાતીએ ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, જે થઇ ગયું છે એ ન વિચારીને હવે શું થઇ શકે એવા આશય સાથે કાર્યક્રમ યોજાયો છે ત્યારે નાગરિકો સ્વેચ્છાએ પોતાના વિસ્તારના તળાવોના સંરક્ષણ માટે આગેવાની લે એવો અનુરોધ કર્યો હતો. આ સંદર્ભે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, રાજેશભાઇ ગોહિત તેમજ કાંતિભાઇ પટેલની પેનલ દ્વારા ઉપસ્થિત નાગરિકો સાથે અત્યારે તળાવોની પરિસ્થિતિ શું છે અને આપણે એક નાગરિક તરીકે કેવી રીતે જવાબદાર બની શકીએ તેના પર ચર્ચા કરી હતી. ભુજના મેયર ઘનશ્યામભાઇએ તળાવોની નોંધણી સંદર્ભે નગરપાલિકાના સહકારની ખાતરી આપવા સાથે હમીરસર જેવાં તળાવોમાં ગંદકી અને દેવીદેવતાની મુર્તિનું વિસર્જન કરીને તળાવને દુષિત ન બનાવવા માટે નાગરિકોનો સહયોગ માગ્યો હતો. એડવોકેટ અને નોટરી ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાયે તંત્રની સાથે સાથે નાગરિકો સજાગ બનશે અને હમીરસરમાં આવતું ગંદુ પાણી અટકાવવા માટે સત્વરે કામગીરી થાય એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. રાજેશભાઇ ગોહિલે જળસ્રોતોની આસપાસના બાંધકામના નિયમોને સુદ્રઢ કરવાની વાત સાથે ૨૪ કૂવાની આવનું મહત્વ સમજાવ્યું હતું. એક્ટના મનીષાબા જાડેજાએ ૩૩ તળાવો માટેની અરજી સામે ૧૧ તળાવોનું મેપીંગ થયું છે; પરંતુ રજીસ્ટ્રેશન બાકી છે તેમ જણાવી તળાવોના રજીસ્ટ્રેશન પર ભાર મુક્યો હતો. શેખ ફળિયાના ફાતમાબેન જત સહિત નાગરિકોએ પોતાના વિસ્તારના તળાવો પર ઝળુંબતાં દબાણ સામે રક્ષણ મેળવવા રજૂઆત કરી હતી.

ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય અને જેએસએસએસની ટીમે જિલ્લા કલેક્ટર પ્રવિણાબેન ડી. કે. ને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી ભુજના ૩૩ તળાવોના રજીસ્ટ્રેશન માટે વિનંતી કરતાં; કલેકટર સાહેબે ટૂંક સમયમાં તળાવો અંગે દરેક સરકારી વિભાગોને સાંકળીને બેઠક બોલાવી; જરૂરી પગલાં લેવાશે એવી બાંહેધરી આપી છે.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati