હોમ્સ ઇન ધ સીટિ પ્રકલ્પ દ્વારા પર્યાવરણ જનતની અનોખી પહેલ !

હોમ્સ ઇન ધ સીટિ પ્રકલ્પ દ્વારા પર્યાવરણ જનતની અનોખી પહેલ !

ક્લાઇમેટ ચેન્જઆ શબ્દથી તો આપણે સૌ પરિચિત છીએ જ; ખરૂં ને?! પરંતુ હકીકતમાં ક્લામેટ ચેન્જની પરિભાષા અને તેની અસરોથી આપણે સૌ વાકેફ છીએ ખરા? ભુજની સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામુદાયિક સંગઠનોના સંયુક્ત પ્રકલ્પ હોમ્સ ઇન ધ સીટિ“(એચ.આઇ.સી)અંતર્ગત ક્લાઇમેટ ચેન્જનો અર્થ સમજવામાં આવ્યો, તેની અસરો કેટલી અને કોના પર થઇ રહી છે એ દરેક પાસાંઓનો અભ્યાસ કરવામાં આવ્યો અને પ્રકલ્પ અંતર્ગત થતી દરેક પ્રવૃત્તિઓ એક યા બીજી રીતે પર્યાવરણનું સંરક્ષણ થાય એ રીતે કરવામાં આવી રહી છે.

આજે વિશ્વ પર્યાવરણ દિવસનિમિત્તે સૌ પર્યાવરણ પ્રેમીઓને જય વૃક્ષદેવો ભવ‘. આપણે દર વર્ષે ૫મી જૂન આવે એટલે પર્યાવરણ વિશે અવનવા કાર્યક્રમો કરીને સંતોષ માની લેતા હોઇએ છીએ એક જાગૃત નાગરિક હોવાનો ! પણ ખરા અર્થમાં આપણા પર્યાવરણને તો આપણો સહયોગ કાયમ માટે અનિવાર્ય છે. પરંતુ કમનસીબે પર્યાવરણને આપણો સહયોગ નથી મળી રહ્યો અને તેનું પરિણામ આપણે ક્લાઇમેટ ચેન્જના સ્વરૂપમાં ભોગવી રહ્યા છીએ. ભુજમાં વિવિધ કાર્યક્ષેત્રોમાં કાર્યરત સંસ્થાઓના પ્રકલ્પ એચઆઇસી દ્વારા ક્લાઇમેટ ચેન્જની પરિભાષાને અનુસરવામાં આવી રહી છે. ખરા અર્થમાં મારા અને તમારા જેવા લોકો જે ગરમી થાય તો ઘર હોય કે કાર, એસી ઓન કરી લેતા હોઇએ; પ્રવાસે જવું હોય તો કમ્ફર્ટ માટે ફ્લાઇટ બુક કરતા હોઇએ; સમાજમાં એટીકેટ રહેવા માટે અવાર નવાર બિનજરૂરી ચીજવસ્તુઓ ખરીદી લેતા હોઇએ; આવા લોકોને પર્યાવરણમાં આવી રહેલા બદલાવો અસર નથી કરી રહ્યા ! પરંતુ વાહનોના ધુમાડા, એસીનો કાર્બન, અને આપણા મોજશોખના પરિણામે આવેલા તાપમાનના વધારાને એવા લોકો વગર વાંકે સહન કરે છે જે ન તો એસીમાં રહે છે અને ન તો ધુમાડા ઓકતાં મોંધાદાટ વાહનોનો ઉપયોગ કરે છે ! આવા લોકો અને સમુદાયો પર વાતાવરણમાં આવતા બદલાવોની અસરોને ઓછી કરવા એચઆઇસી પ્રકલ્પ હેઠળ સોલાર આધારિત વીજ ઉત્પાદન, બાંબુ રૂફ ટેકનોલોજી, એન્ટી હિટ પેઇન્ટ, બાયો ગેસ, સ્માર્ટ સ્ટવ અને કિચન ગાર્ડન જેવા વિવિધ પ્રયોગો હાથ ધરાયા છે.

આમ તો, આપણા શહેરોમાં લોકો પોતાના ઘરો પર સોલાર પેનલ લગાવી વીજળીનો બચાવ કરવા લાગ્યા છે પણ આપણી આસપાસ એવા સેંકડો પરિવારો રહે છે જે સોલાર પેનલનો ખર્ચ ઉઠાવી શકવામાં અક્ષમ છે ! આવા પરિવારો માટે એચઆઇસી દ્વારા નજીવા લોકફાળા દ્વારા સોલાર લાઇટ પુરી પાડવામાં આવી છે જે તેમની અંધારી ઓરડીમાં અજવાસ પાથરે છે. પ્રકલ્પ સાથે સંકળાયેલાં સંગઠનોનાં સંકલન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સોલાર લાઇટ પહોંચાડાઇ છે જે મોબાઇલ ચાર્જીંગ કરવામાં પણ ઉપયોગી છે. આરટીઓ સાઇટ પર રહેતા શંભુભાઇ કહે છે; “હમારે જીવનમે ઉજીયારા આ ગયા ! બીના લાઇટકે બહુત તકલીફ હોતી થી, રાત કો નીચે સોને ભી ડર લગતા થા. જબ સે યે સોલાર લાઇટ મીલી હૈ તબ સે કાફી તકલીફે દુર હો ગઇ હૈ. પુરા છે સે આઠ ઘંટા લાઇટ ચલતી હૈ, ખાના પકાતે હૈ, ખાતે હૈ ઔર રાત કો ભી લાઇટ ચાલુ રખકે સોતે હૈ. ઔર મોબાઇલ ભી લાઇટ સે હી ચાર્જ હો જાતા હૈ. સહી બતાઉં તો હમારે જીવનમે હી ઉજીયારા આ ગયા હૈ !

તદુપરાંત પ્રકલ્પ દ્વારા ખાસરા ગ્રાઉન્ડ અને લેવા પટેલ હોસ્પિટલ સામે સંચાલિત આંગણવાડીઓમાં પણ સોલાર સીસ્ટમ બેસાડી લાઇટ અને પંખા ચલાવવામાં આવી રહ્યા છે; જે આંગણવાડીના બાળકોને રાહત પુરી પાડે છે. સોલારના આવાં નાનાં ઉપકરણો પુરાં પાડીને શહેરના નબળા વર્ગને રાહત આપવા સાથે વીજળી બચાવના પ્રયાસો થઇ રહ્યા છે.

વર્તમાનમાં આપણે સૌ વૈશાખી વાયરામાં બળબળતા તાપનો સામનો કરી રહ્યા છીએ પરંતુ જે લોકોના માથે છતને બદલે પ્લાસ્ટીકના પંડાલ કે પતરાં છે એવા પરિવારો માટે તાપ અસહ્ય બન્યો છે. ભુજના સથવારા વાસ, ભુતેશ્વરનગર જેવા વિસ્તારોમાં રહેતા આવા પરિવારોને ગરમીની મારથી બચાવવા એચઆઇસી પ્રકલ્પ દ્વારા તેમના ઘરોના પતરાં પર હિટ રેઝીસટન્સ પેઇન્ટ લગાવી આપવાનો પ્રયાસ હાથ ધરાયો છે. જેમના ઘરમાં પેઇન્ટ લગાવાયો છે એવાં લાભાર્થી ભગવતીબેન કહે છે કે, “જ્યારથી છત પર પેઇન્ટ લાગ્યો છે ત્યારથી બપોરે શાંતીથી સુઇ શકીએ છીએ અને રાતે પણ પતરાં જલ્દીથી ઠરી જતાં રાહત મળે છે‌!”. સમાંતરે પ્રક્લ્પ અંતર્ગત બે વિસ્તારોમાં બાંબુ રૂફ ધરાવતાં મકાન પણ બાંધી અપાયાં છે જેના પરિણામ સ્વરૂપે પોતાના પરિવાર સાથે નવાં ઘરમાં રહેવા લાગેલા સથવારાવાસના જીણાભાઇ સથવારા કહે છે કે, “અમે તો ઝૂંપડાંમાં જીવન વીતાવ્યું પણ મારાં બાળકો હવે શાંતિથી રહેશે એ વાતની ખુશી છે.”

આજના આધુનિક સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા રાખવામાં સફળ નથી થઇ શકતા. ખાસ કરીને દરેક મનુષ્યની દરરોજની જરૂરીયાતમાં તેના ભોજનનો સમાવેશ થાય છે પણ સ્વાસ્થ્ય માટે પોષક ખોરાક દરેક માટે ઉપલબ્ધ નથી બનતો. અને બીજી તરફ એલપીજી જેવી ઉર્જાઓ દિવસોદિવસ મોંઘી બનતી જાય છે જે સામાન્ય લોકોને પરવડે તેમ નથી ! એચઆઇસી પ્રકલ્પ દ્વારા ક્લાઇમેટ ચેન્જની અસરો સામે શહેરને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે કુદરતી ઉર્જાથી ચાલતાં ઉપકરણો લોકો ઉપયોગ કરતા થાય એ માટેની પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત એચઆઇસીના સહયોગથી ભુજ ભુતેશ્વર વિસ્તાર રસોયા તરીકેનું કામ કરતા નરેશભાઇ પરમારે પોતાના ઘરે ગોબર ગેસ પ્લાન્ટ બેસાડ્યો છે. આ સંદર્ભે નરેશભાઇ કહે છે કે, “પહેલાં આપણે લાકડાં અને છાણાના બળતણ દ્વારા રસોઇ બનાવતા ત્યારે આપણું સ્વાસ્થ્ય જળવાઇ રહેતું, એ જ વિચાર સાથે મેં ગોબર ગેસ અને સુર્ય કૂકર દ્વારા બનતી રસોઇ સાથેની ટીફિન સર્વિસ ચાલુ કરી છે જે લોકોના આરોગ્ય માટે ખરેખર ઉપયોગી બની રહેશે. ‘સ્લો કુકીંગપદ્ધતિથી પાકતી આ રસોઇ વ્યક્તિની પાચન પ્રક્રિયા માટે પણ ખૂબ જ લાભકારી બની રહેશે. ”

ચુલામાં ફુંકી ફુંકીને રસોઇ કરવામાં પડતી મુશ્કેલી કદાચ ગેસ વાપરતી ગૃહિણીઓને નહિં સ્પર્શતી હોય પણ સ્લમ વિસ્તારોની ગૃહિણીઓ આ સમસ્યાને રોજ વેઠતી હોય છે. આ મહિલાઓની સમસ્યાને ઓછી કરવા માટે એચઆઇસી દ્વારા નજીવા લોકફાળા સાથે સ્માર્ટ સ્ટવઆપવામાં આવ્યા છે જે સ્ટવ એક પ્રકારની સગડી છે જેમાં લાકડાંની ખપત પણ ઓછી હોય છે અને તેમાંથી નીકળતો ધુમાડો પણ ૫૦ ટકા ઓછો નીકળે છે. ભુજમાં ભારતનગર, આશાપુરાનગર, બાપાદયાળુનગર જેવા વિસ્તારોમાં ૨૦૦થી વધુ પરિવારોને સ્માર્ટ સ્ટવ આપવામાં આવ્યા છે.

તદુપરાંત શહેરની જૈવ વિવિધતાનું સક્ષરણ કરવા માટે ફ્લોરા ફૌનાનો સરવે, મહત્વની સાઇટો સુનિશ્ચિત કરવી, બાયોડાયવર્સીટિ પ્લાન તૈયાર કરી શહેરના વિવિધ વિસ્તારોમાં સમુદાયો સાથે ટ્રી પ્લાન્ટેશન સહિતની પ્રવૃત્તિઓ પણ પ્રકલ્પ અંતર્ગત કરવામાં આવી રહી છે. ઉપરાંતમાં શહેરના અનેક વિસ્તારોમાં કિચન ગાર્ડનનો કોન્સેપ્ટ પણ વિકસાવાયો છે જેમાં નાગરિકો પોતાનું શાકભાજી જાતે ઉગાડતા થયા છે. સાથે સાથે શહેરમાં પડી રહેતા મકાનોના કાટમાળનો નિકાલ કરવા માટે કાટમાળમાંથી બિલ્ડિંગ બ્લોક્સ બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે.

આ પ્રકારે એચઆઇસી પ્રકલ્પ દ્વારા ચાલતી પ્રવૃત્તિઓમાં સ્થાનિક નાગરિકો, સંસ્થાઓ અને તંત્ર પણ જોડાય તો ક્લાઇમેટ ચેન્જઅને તેની અસરોને સામુહિક રીતે નાથી શકાય તેમાં બેમત નથી !


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati