શહેરી શાસનમાં નાગરિકોની સહભાગિતા અંગે ભુજમાં કાર્યશાળા યોજાઇ

શહેરી શાસનમાં નાગરિકોની સહભાગિતા અંગે ભુજમાં કાર્યશાળા યોજાઇ

પંચાયત અને નગરપાલિકા લોકતંત્રના સાચા માધ્યમ છે જેમાં નાગરિકો પોતાની સહભાગિતા અનુભવી શકે છે; આવી વાત ભુજમાં યોજાઇ ગયેલી શહેરી શાસનમાં નાગરિકોની સહભાગિતા અંગેની કાર્યશાળામાં વ્યક્ત કરવામાં આવી હતી. શહેરની સેતુ અભિયાન, હોમ્સ ઇન ધ સિટી દ્વારા ભુજ નગરપાલિકાના સહયોગથી આ કાર્યશાળાનું આયોજન કરાયું હતું, જેમાં મેયર, ઉપપ્રમુખ, કાઉન્સિલર અને ચિંતિત નાગરિકો જોડાયા હતા.

કાર્યશાળાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં સેતુ અભિયાન સંસ્થાના બોર્ડ મેમ્બર અરુણભાઈ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે ૭૪મા બંધારણીય સુધારા પછી નગરપાલિકાને સ્થાન મળ્યું ત્યાર બાદ વોર્ડ કમિટીની કલ્પના કરવામાં આવી હતી. ભુજમાં વોર્ડ કમિટીની રચના અપવાદરૂપ છે; જેના માધ્યમે નાગરિકોની સહભાગિતા વધી છે. અલબત્ત વોર્ડ કમિટીને માન્યતા આપવી નીતિ વિષયક મુદ્દો છે પરંતુ જો રાજકીય ઇચ્છાશક્તિ હોય તો આ બાબત અશક્ય નથી. જો ભુજની વોર્ડ કમિટીને માન્યતા મળશે તો આ કિસ્સામાં ભુજ અગ્રેસર બની રહેશે. ભુજના વોર્ડ ૧,૨,૩,૪, ૮ અને ૧૧માં સંસ્થા દ્વારા રચાયેલી વોર્ડ કમિટી અંતર્ગત થયેલી કામગીરીની રજૂઆત અર્બન સેતુના વિશ્રામ વાઘેલાએ કરી હતી. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે જો દર વર્ષે નગરપાલિકા દ્વારા વૉર્ડસભાનું આયોજન થાય તો સાચા અર્થમાં નાગરિકોની સહભાગિતા વધી શકે. સાથે સાથે તેમણે નગરપાલિકા સમક્ષ અપેક્ષાઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વોર્ડ કમિટીને માન્યતા મળે, જાગૃત નાગરિકોની સમિતિ બને, વોર્ડ કમિટી દ્વારા બનેલા આયોજનને નગરપાલિકાના આયોજનમાં સ્થાન મળે તેમજ સમયાંતરે નગરસેવકો માટે માહિતી પૂરક કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવે. આ અપેક્ષાઓના પ્રત્યુત્તર આપતાં નગરપાલિકાના ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરીએ જણાવ્યું કે, વોર્ડ કમિટીને માન્યતા આપવી એ નીતિ વિષયક મુદ્દો છે તેથી નગરપાલિકા સ્થાનીક સ્તરે નિર્ણય લઈ શકે તેમ નથી. નગરપાલિકા આપના દ્વારે, આ પ્રકારે પાલિકા દ્વારા નાગરિકો સાથે સંવાદ થઇ જ રહ્યો છે. તેમણે એવું જણાવ્યું હતું કે હવે જ્યારે વસ્તી ગણતરી થશે અને ભુજ ૩ લાખને પાર કરશે તો બંધારણીય ધોરણે જ વોર્ડ કમિટીને માન્યતા મળી જ જશે. તેમણે નાગરિકો સમક્ષ નગરસેવકો અને પાલિકા તરફ સહકારના વલણની અપેક્ષા વ્યક્ત કરી હતી. ભુજના મેયર ઘનશ્યામભાઈ ઠક્કરે પાલિકા હમેશાં નાગરિકોની સહભાગિતા ઈચ્છે છે અને પાલિકા પણ સહયોગી બની રહેશે તેવું જણાવતાં પાલિકાના વિકાસકાર્યોમાં નાગરિકો પણ સહયોગી બને એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

સેતુ અભિયાનના બોર્ડ મેમ્બર ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે પણ વોર્ડ કમિટીની ઉપયોગીતાને સાર્થક ગણાવી નાગરિકોની સહભાગિતાને પ્રાધાન્ય આપ્યું હતું. વિવિધ વોર્ડના જાગૃત નાગરિકોએ વોર્ડ કમિટીની ઉપયોગિતા વિષે સંતોષ વ્યક્ત કર્યો હતો. ભુજની ઇલાર્ક હોટેલમાં આયોજિત આ કાર્યશાળામાં ભુજ શહેર સંગઠનના પ્રમુખ બાળકૃષ્ણ મોટા, એચઆઈસિના ડાયરેકટર અસીમ મિશ્ર તેમજ ભુજના દરેક વોર્ડના નગરસેવકોએ પ્રતિનિધિત્વ કર્યું હતું. અર્બન સેતુ ટીમના સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી જ્યારે સેતુ અભિયાનના ડાયરેક્ટર મનીષ આચાર્યએ નગરપાલિકાના સહયોગની અપેક્ષા સેવતાં આભારવિધિ કરી હતી.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati