પ્રાગસર તળાવ પર બાંધકામ નહિં તેનું સંવર્ધન કરવા અપીલ કરાઇ

પ્રાગસર તળાવ પર બાંધકામ નહિં તેનું સંવર્ધન કરવા અપીલ કરાઇ

ભુજના ઐતિહાસિક પ્રાગસર તળાવ પર થનારા બાંધકામ અટકાવવાના આશય સાથે ભુજના જાગૃત નાગરિકોએ ભુજ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવી પ્રાગસર તળાવની જમીન પર કોઇ પણ પ્રકારનું બાંધકામ ન કરવામાં આવે એવી અપિલ કરી હતી, જ્યારે નગરપાલિકા તરફથી ટુંક સમયમાં બાંધકામ શરૂ થશે તેવો પ્રત્ત્યુત્તર મળ્યો હતો.

હમીરસરના ઓગન બાદ પાણી પ્રાગસર તળાવમાં ભરાય તેવી સુયોગ્ય પ્રક્રિયા તો કેટલાય સમયથી નિષ્ક્રિય બની છે પરંતુ ખુદ નગરપાલિકા દ્વારા જ્યારે પ્રાગસર તળાવની જમીન પર રેન બસેરા અને મટન માર્કેટનું બાંધકામ કરવા માટે ખાતમુહુર્ત પણ કરી દેવામાં આવ્યું છે ત્યારે ભુજના જાગૃત નાગરિકોમાં ચિંતા પ્રસરી છે. આ બાબતે ભુજ નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકી અને ચીફ ઓફિસર નીતિનભાઇ બોડાત સાથે નાગરિકોએ મીટિંગ કરી સમગ્ર બાબતની ચર્ચા કરી હતી. એક તરફ આ આવેદનના પ્રત્યુત્તર સ્વરૂપે કલેક્ટર તરફથી જો પ્રાગસર તળાવ પર કોઇપણ પ્રકારનું બાંધકામ થતું હશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું લેખિતમાં જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ નગરપાલિકાને રેન બસેરા અને મટન માર્કેટ બાંધવા માટે પ્રાગસર તળાવની જમીન કચ્છ કલેક્ટર દ્વારા જ ફાળવવામાં આવી હોવાનું નગરપાલિકાના સીઓ અને પ્રમુખનું કહેવું છે. નાગરિકોએ હાઇકોર્ટના ચુકાદા સહિતના દસ્તાવેજો રજૂ કરી જો આ બાંધકામ રોકવામાં ન આવે તો પીઆઇએલ દાખલ કરવાની વાત મુકી હતી.

નગરપાલિકા પ્રમુખે આ બાબતે જણાવ્યું હતું કે આ બાંધકામ માટે વર્ક ઓર્ડર અપાઇ ગયો છે અને આગામી સમયમાં વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવી જાય ત્યાર બાદ બાંધકામ શરૂ કરી દેવામાં આવશે. આવેદનપત્રના પ્રત્ત્યુત્તરમાં તેમણે કલેક્ટરને જાણ કરી આગળ વધવામાં આવશે તેવું જણાવ્યું હતું. નાગરિકોએ નગરપાલિકાને સંસ્કૃતિ સમા પ્રાગસર પર બાંધકામ અટકાવી તેને પુન:જીવિત કરવાની પ્રક્રિયા જો નગરપાલિકા કરે તો નાગરિકોનો સંપુર્ણ ટેકો રહેશે તેવી ખાતરી આપી હતી.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati