ભુજ પશુ ઉછેરક માલધારી સંગઠન, જલમંદિર અભિયાન અને હોમ્સ ઇન ધ સીટીના સહિયારા પ્રયાસોથી ધુનારા તળાવની ક્ષમતા વધારાઇ

ભુજ પશુ ઉછેરક માલધારી સંગઠન, જલમંદિર અભિયાન અને હોમ્સ ઇન ધ સીટીના સહિયારા પ્રયાસોથી ધુનારા તળાવની ક્ષમતા વધારાઇ

શહેરીકરણની દોડમાં એક તરફ પાણીના કુદરતી સ્રોતો નામશેષ બની રહ્યા છે ત્યારે ભુજ પશુ ઉછેરક માલધારી સંગઠન, જલમંદિર અભિયાન અને હોમ્સ ઇન ધ સીટીના સહિયારા પ્રયાસોના પરિણામે ભુજ સીમના ધુનારા તળાવની ક્ષમતા વધારવાનું સ્તુત્ય કામ કરવામાં આવ્યું છે.

ભુજની સીમમાં એરપોર્ટની સામેના વિસ્તારમાં રાજાશાહી સમયનું ધુનારા તળાવ ૬૫ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું તળાવ છે જે ૧૫ હજારથી ઢોર અને અન્ય પશુઓને પીવા માટે ઉપયોગી બની રહ્યું છે. કાળક્રમે માટી નખાવાના કારણે તળાવની પાણી સમાવવાની ક્ષમતા ઘટતાં ચિંતાતુર થયેલા પશુ ઉછેરક માલધારી સંગઠનના સભ્યોએ તળાવના ખાણેત્રાં માટે સંસ્થાઓ સહયોગી બને એવો અનુરોધ કર્યો હતો. માલધારીઓની આ માગણીને કચ્છમાં ચાલી રહેલાં જળમંદિરઅભિયાનના કર્તાહર્તા જયેશભાઇ લાલકા સમક્ષ મુકવામાં આવી. કચ્છના સ્વપ્નદ્રષ્ટા સદગત કાંતિસેન શ્રોફ કાકાની જન્મ શતાબ્દિ હેઠળ નિર્ધારીત વિકાસકાર્યો અંતર્ગત કચ્છના તળાવોને સુધારવાના પ્રકલ્પ જલમંદિર અભિયાન હેઠળ ધુનારા તળાવ માટે પણ ૧૦૦ કલાક માટે જેસીબીનું કામ કરી આપવાની મંજુરી મળી; અને ગત મહિનાની ૧૩મી તારીખે માલધારી સંગઠનના પ્રમુખ અલીભાઇ, ઉપપ્રમુખ ઉમરભાઇ રહેમતુલ્લા, મંત્રી ઉસ્માનભાઇ તેમજ જલમંદિર અભિયાનના જયેશભાઇ લાલકા, કેએમવીએસના અરૂણાબેન ધોળકીયા, એચઆઇસીના ડાયરેક્ટર અસિમ મિશ્ર, આમદભાઇ સમેજા, કાંતિલાલ પટેલ, નવીનભાઇ બાપટ સહિતની ઉપસ્થિતિમાં તળાવના ખાણેત્રાંના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. ટ્રેકટર માટે સંગઠન તરફથી ૧૦ હજાર અને બાકીના ૪ દિવસ માટેના ટ્રેકટર માટે હોમ્સ ઇન ધ સીટિનો સહયોગ મળતાં ધુનારા તળાવમાંથી કુલ્લ ૧૦૨૦ ટ્રોલી માટી ઉલેચવામાં આવી. તળાવમાંથી નીકળેલી માટીથી તળાવની પાળ મજબુત કરાવવાનું કામ કરવામાં આવ્યું છે.

માલધારી સંગઠનના પ્રમુખ અલીભાઇએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, “જલમંદિર અભિયાન અને હોમ્સ ઇન ધ સીટિના સહયોગથી અમારી બે વર્ષની માગણી સંતોષાઇ છે અને અમારૂં ધુનારા તળાવ ફરી જીવંત બન્યું છે. ખાણેત્રાં બાદ તરત જ વરસાદ આવતાં પાણી ભરાવા લાગ્યું છે. અન્ય દાતાનો સહયોગ મળશે તો તળાવની હદ બાંધી અન્ય કોઇ દબાણો ન થાય એ કામ કરવું છે !” ઉપપ્રમુખ ઉમરભાઇએ સક્રિય પણે તળાવમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું અને એમના કહેવા પ્રમાણે હજી થોડો વરસાદ પડે તો આવતા વર્ષ સુધી અબોલ પશુઓ માટે પીવાનું પાણી મળી રહેશે. જયેશભાઇ લાલકા તેમજ આમદભાઇ સમેજાએ પણ નિયમિત સ્થળ મુલાકાત લઇ સમયમર્યાદામાં કામ પુર્ણા થાય તેની તકેદારી લીધી હતી. ભુજમાં ધુનારા જેવાં અનેક એવાં તળાવો છે જેને ઉંડા કરી તેની ઓળખને જાળવવાની જરૂર છે ત્યારે નાગરિકો અને સંસ્થાઓ કુદરતી જળાસ્રોતોના સંરક્ષણ માટે પહેલ કરે એ અનિવાર્ય બન્યું છે.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati