બિહારના મજૂરો ઠેકેદારની ચુંગાલમાંથી માંડ માંડ મુક્ત થયા !  કચ્છને સત્વરે ‘એમ્પલોઇ સ્ટેટ ઈન્શ્યુરન્સ’ એક્ટમાં સમાવિષ્ટ કરવું ખૂબજ અનિવાર્ય

બિહારના મજૂરો ઠેકેદારની ચુંગાલમાંથી માંડ માંડ મુક્ત થયા ! કચ્છને સત્વરે ‘એમ્પલોઇ સ્ટેટ ઈન્શ્યુરન્સ’ એક્ટમાં સમાવિષ્ટ કરવું ખૂબજ અનિવાર્ય

કચ્છ જિલ્લાના મજદૂરોને ‘એમ્પલોઇ સ્ટેટ ઈન્શ્યુરન્સ’ એક્ટ ૧૯૪૮નો લાભ મળે એવા આશય સાથે પ્રયાસો ચાલી રહ્યા છે; ત્યારે બીજી તરફ ગાંધીધામ ખાતે એક કોન્ટ્રાકટર દ્વારા બિહારના પરપ્રાંતીય મજૂરોને બળજબરી પૂર્વક રોકી રાખી તેમજ તેમનો મોબાઈલ અને ઓળખકાર્ડ છીનવી લઈને કંપનીમાં કામ કરવા ફરજ પાડી હતી. સદનસીબે ભુજની સામાજિક સંસ્થાના સંપર્કને કારણે મજૂરો પોતાના વતન પરત ફર્યા હતા.

ખાનગી કોન્ટ્રાકટરની જોહુકમીનો ભોગ બનેલા બિહાર રાજ્યના છ મજૂરો તરફથી જાણવા મળેલી માહિતી મુજબ ઠેકેદારે કંપનીમાં કામ અપાવવાનું કહી એક નાનકડા ઓરડામાં થોડું રાશન ભરીને છ મજૂરોને રાખ્યા હતા. અસહ્ય ગરમી અને મશીનરી સાથે કામ કરવામાં મજૂરોએ અસમર્થતા દર્શાવતાં ઠેકેદારે ફરજિયાત કામ કરાવ્યું હતું. એક સમયે મજૂરો રેલવે સ્ટેશન ગયા ત્યારે ઠેકેદારે પોતાના માણસો મોકલી; ધાકધમકી આપી મજૂરોના મોબાઈલ અને આધારકાર્ડ છીનવી લીધા હતા. આ પરેશાનીમાંથી પીછો છોડાવવા માટે મજૂરો ટ્રેનમાં ભુજ આવી પહોંચ્યા હતા. ભુજમાં નેશનલ હોકર્સ ફેડરેશનના મહમદભાઈ લાખા અને અર્બન સેતુની ટીમના ભાવસિંહભાઈ અને કરમણ મારવાડાએ મજૂરોની આપવીતી સાંભળી ઠેકેદાર સાથે સંપર્ક કર્યો હતો. ઠેકેદારે પોતાના રૂપિયા લેવાના નીકળતા હોઇ મજૂરોને કામ પર મોકલવા અને પછી જ તેના મોબાઈલ અને આધારકાર્ડ પરત આપશુ એવું જણાવ્યું હતું. આ પ્રક્રિયા દરમ્યાન મજૂરોને લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ અને ભુજ નગરપાલિકા સંચાલિત રેનબસેરામાં આશરો આપવામાં આવ્યો હતો.

આ મુદ્દે ગાંધીધામની ઈન્ડિયા લેબર લાઇનના સહયોગ સાથે પોલીસ ફરિયાદની ગતિવિધિ કરાતાં ડરી ગયેલા ઠેકેદારે ફરિયાદ ના કરવાનું કહી; મજૂરો પાસેથી પોતાને થયેલો ખર્ચ લઈ, મોબાઈલ અને આધારકાર્ડ પરત આપી દીધા હતા. ત્યારબાદ મજૂરો સ્વેચ્છાએ વતન પરત ફર્યા હતા. અલબત્ત, સંસ્થાઑ અને જાગૃત નાગરિકોના સહયોગના કારણે બિહારી મજૂરો વતન જઇ શક્યા; પરંતુ આવા અનેક કિસ્સાઓ અનેક મજૂરો સાથે બનતા હશે; તેવામાં કચ્છ જિલ્લાને સત્વરે ‘એમ્પલોઇ સ્ટેટ ઈન્શ્યુરન્સ’ એક્ટમાં સમાવિષ્ટ કરવામાં આવે એ ખૂબજ અનિવાર્ય બની ગયું છે.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati