ભુજના વંચિત વિસ્તારોમાં નાટિકા દ્વારા રસીકરણ અંગે જાગૃતિ ફેલાવાઇ

ભુજના વંચિત વિસ્તારોમાં નાટિકા દ્વારા રસીકરણ અંગે જાગૃતિ ફેલાવાઇ

વિશ્વભરમાં કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે ત્યારે સરકારી અને સંસ્થાકીય ધોરણે રસીકરણની ઝુંબેશને સફળ બનાવવાના અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે જેના ભાગરૂપે ભુજની સ્વૈચ્છિક સંસ્થા સેતુ અભિયાન દ્વારા અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી ભુજના બે વંચિત વિસ્તારોમાં શેરી નાટકના નવતર પ્રયાસ દ્વારા રસીકરણ માટે જનજાગૃતિ ફેલાવવાના પ્રયાસ કર્યા હતા

કોરોનાની મહામારીને નાથવા અને નાગરિકોને આવી બિમારીથી રક્ષણ પુરૂં પાડવા માટે દેશમાં મોટા પાયે રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ આજે પણ એવા અનેક વિસ્તારો છે જ્યાં નાગરિકો રસી લેવામાં નિરસતા દાખવી રહ્યા છે. એ જ રીતે ભુજમાં પણ અમુક વિસ્તારો છે જ્યાં રસીને લઇને ઘેરમાન્યતાઓ પ્રવર્તેલી છે અને પરિણામે લોકો રસી નથી લઇ રહ્યા. આ પરિસ્થિતિમાં કોરોનાની પ્રથમ લહેરથી જ નાગરિકો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરનારી સેતુ અભિયાન સંસ્થા દ્વારા અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી ભુજના ગાંધીનગરી અને સિતારા ચોક બે વિસ્તારોમાં રસી અંગે જાગૃતિ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં ભગવતી કલાવૃંદના નરેશ ખુબચંદાણી, જગદીશ ગોર, કિશોર વ્યાસ, સંદીપ ખીયરા, ચેતન પટેલ અને નીશાબેન પરમારે ખમતીધર કચ્છમાં આવ્યો કોરોનાગીત સાથે નાટિકા રજૂ કરી રસી શા માટે લેવી જોઇએ અને આ રસી કેટલી સુરક્ષિત છે એ અંગે સ્થાનિકોને માહિતી આપી જાગૃતિના પ્રયાસો કર્યા હતા.

જનજાગૃતિના આ કાર્યક્રમમાં ગાંધીનગરીમાં નગરસેવક હમીદભાઇ સમા, અકરમ ગગડા અને માજી નગરસેવક હારૂનભાઇ ત્રાયા તેમજ અર્બન સેતુના ભાવસિંહભાઇ ખેર મંચસ્થ થયા હતા. હારૂનભાઇએ સ્થાનિકોને રસી લેવા માટે અનુરોધ કરી આયોજન બદલ સેતુ અભિયાન સંસ્થા અને ભગવતી કલાવૃંદનો આભાર માન્યો હતો. જ્યારે સીતારા ચોકમાં નગરસેવકો કાસમભાઇ કુંભાર, કિરણભાઇ ગોરી અને કુરસાંબેન ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ મામદ લાખાએ કરી હતી. અર્બન સેતુ ટીમના વિશ્રામ વાઘેલા, આશા મહેશ્વરી, રૂકિયા જત વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati