ભુજમાં આરટીઇ અંતર્ગત અર્બન સેતુ દ્વારા સ્લમના ૫૬ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ અપાવાયો

ભુજમાં આરટીઇ અંતર્ગત અર્બન સેતુ દ્વારા સ્લમના ૫૬ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ અપાવાયો

તાજેતરના એક કાર્યક્રમમાં કચ્છ અને મોરબી વિસ્તારના સાંસદશ્રીએ એક વાત મુકી હતી કે, “સંસ્થા હોય કે સરકાર, માનવતાના મુલ્યને કેન્દ્રમાં રાખીને કામ કરવું જોઇએ” ! આ વાક્યને સરકારી યોજનાની સચોટ અમલવારી દ્વારા ભુજના અર્બન સેતુ કેન્દ્રએ સાર્થક કરી બતાવ્યું છે. ભુજના ઝૂંપડપટ્ટી વિસ્તાર જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી ત્યાંના બાળકોએ ભુજની સારામાં સારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

રાઇટ ટૂ એજ્યુકેશનએક્ટ ૨૦૦૯ અન્વયે ૨૫ ટકા જેટલાં નબળા અને વંચિત પરિવારના બાળકોને વિનામુલ્યે ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ મળી શકે એવી યોજના અમલી છે. ભુજની સેતુ અભિયાન સંસ્થાના અર્બન સેતુ અંતર્ગત ચાલતા માહિતીમિત્ર કેન્દ્ર દ્વારા સ્લમ વિસ્તારોમાં આ યોજના બાબતે પ્રચારપ્રસાર કરવામાં આવ્યો અને એ સંકલનના ફળસ્વરુપે વિવિધ સ્લમ વિસ્તારના ૭૬ જેટલાં બાળકોના શાળા પ્રવેશ માટેના ઓનલાઇન અરજીપત્રકો ભરાયાં. આ ૭૬ બાળકો પૈકી અમુક બાળકો ખૂબ જ વંચિત પરિવારોમાંથી આવે છે તેમજ અમુક બાળકો એવા વિસ્તારમાં રહે છે જ્યાં સરકારી આંગણવાડીની સેવા પણ ઉપલબ્ધ નથી !

ખાનગી શાળાઓમાં પ્રવેશના બે દોરમાં ૭૬માંથી ૫૬ બાળકોને સફળતા સાથે એડમીશન મળ્યું છે. જે બાળકોના વાલીઓ પાસે પાટી પેન ખરીદવા માટેના પૈસા નથી એમના બાળકો સંસ્થાના પ્રયાસો થકી આજે એવી શાળાઓમાં પ્રવેશ મેળવી ચૂક્યાં છે જેની ફી દસ થી પંદર હજાર રુપિયા છે ! માહિતીમિત્રના સંચાલક મયુર રાઠોડની યાદીમાં જણાવ્યા અનુસાર ભુજની સંસ્કાર સ્કૂલ, માતૃછાયા, આશાપુરા, ચાણક્ય, સનરાઇઝ એકેડેમી, હોપ ફાઉન્ડેશન તેમજ મુસ્લિમ એજ્યુકેશન જેવી ખાનગી શાળાઓમાં ભુજના વંચિત પરિવારોના ૫૬ બાળકો અન્ય બાળકો સાથે ૮માં ધોરણ સુધીનું નિ:શુલ્ક શિક્ષણ મેળવશે. આ વંચિત બાળકોના યુનિફોર્મ અને અન્ય ખર્ચ માટે સરકારી સહાય રુપે દર વર્ષે દરેક બાળકને ત્રણ હજાર રૂપિયાની સહાય પણ મળશે.

અહિં સરકારનું શિક્ષણ માટેનું સૂત્ર ભાર વિનાનું ભણતરએક રીતે સાચું ઠરે છે કેમ કે, જો સામાન્ય રીતે ફી ભરીને આ વંચિત બાળકોને શાળામાં બેસાડવામાં આવે તો અંદાજે દોઢ લાખ રૂપિયાનો ખર્ચ તેના વાલીઓ પર આવે જે કોઇ પણ ભોગે તેઓ ભોગવી શકે તેમ નથી. હજી પણ ભુજમાં અનેક એવાં બાળકો છે જે પોતાના જીવનમાં શિક્ષણથી સદંતર દૂર રહે છે અને અંધકારમય ભવિષ્યમાં ધકેલાઇ જાય છે. વંચિત પરિવારોના આવાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા કે વધુ વિગતો જાણવા માટે ભુજમાં સરપટ ગેટ બહાર આવેલી અર્બન સેતુની ઓફિસનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati