શેરી ફેરીયાઓ પાસેથી સફાઇ વેરો ઉઘરાવવાના સંદર્ભમાં તંત્ર સ્પષ્ટતા કરે

તાજેતરમાં ભુજ શહેરના સ્થાનિક અખબારોમાં શેરી ફેરીયાઓ પાસેથી નગરપાલિકા દ્વારા સફાઇ વેરો ઉઘરાવવામાં આવશે એવા સમાચારો પ્રસિદ્ધ થયા છે. પરિણામે, શહેરના શેરી ફેરીયાઓમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક સાથે મુંઝવણ ઊભી થવા પામી છે. બીજી તરફ બે વર્ષ અગાઉ સફાઇ વેરો ઉઘરાવવામાં ભ્રષ્ટાચાર થતો હોવાથી ભુજ નગરપાલિકા દ્વારા સફાઇ વેરો ઉઘરાવવાનું બંધ કરવામાં આવ્યું હતું, ત્યારે ફરી નવેસરથી શેરી ફેરીયાઓ પાસેથી સફાઇ વેરો ઉઘરાવવાની વાત ચર્ચાનો વિષય બની છે.

ભુજમાં નેશનલ હોકર્સ ફાઉન્ડેશન અને ટાઉન વેન્ડિંગ કમીટિના ચુંટાયેલા સભ્યોની આ સંદર્ભે બેઠક બોલાવવામાં આવી જેમાં એનએચએફ વતી મહમદભાઇ લાખાએ શેરી ફેરીયાઓ પર લાગુ થનારા સફાઇ વેરા વિશે માહિતી આપી હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ(પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ) સ્કીમ, ૨૦૧૮ના ચેપ્ટર ૫(૧૦)માં ઉલ્લેખ કરાયો છે કે, ટાઉન વેન્ડિંગ કમીટિના સુચન મેળવ્યા બાદ સ્થાનિક પ્રસાશન શેરી ફેરીયાઓ પાસેથી જાળવણી વેરો ઉઘરાવી શકે જે લઘુત્તમ ૧૫૦ રૂપિયા હોઇ શકે તેમજ, જે તે વિસ્તારમાં થતા વેપારના આધારે વેરાની રકમમાં ફેરફાર થઇ શકે છે. પરંતુ આ વખતે અખબારી અહેવાલ અનુસાર નગરપાલિકા દ્વારા શેરી ફેરીયાઓ પાસેથી સફાઇ વેરો ઉઘરાવવાની વાત સામે આવી છે ત્યારે ભુજ શહેરની ટાઉન વેન્ડિંગ કમીટિને કોઇ પ્રકારની જાણ કરવામાં આવી નથી કે કોઇ સુચનો માગવામાં આવ્યા નથી. આ બેઠકમાં ટીવીસીના સભ્યો રાજેશભાઈ દાવડા, મયુરભાઈ ગોર, ઈકબાલભાઈ લોહાર તેમજ ભુજના વિવિધ વિસ્તારોના શેરી ફેરીયાઓ જોડાયા હતા.

આ પરિસ્થિતિમાં અખબારી અહેવાલો અને હકિકતમાં તંત્ર દ્વારા શું પ્રક્રિયા કરવામાં આવી રહી છે તેની સ્પષ્ટતા કરવામાં આવે એવી અપેક્ષા સાથે ટાઉન વેન્ડિંગ કમીટિના ચુંટાયેલા ભુજના સભ્યો અને શેરી ફેરીયાઓ દ્વારા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર, રીજીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસીપાલીટીરાજકોટ અને મિશન ડાયરેક્ટરગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન, ગાંધીનગરને પત્ર પાઠવવામાં આવ્યો છે. તેમજ શેરી ફેરીયાઓ પર કોઇ પણ પ્રકારના વેરા લાદવા અંગે નગરપાલિકા દ્વારા ટાઉન વેન્ડિંગ કમીટિ સાથે બેઠક બોલાવવામાં આવે એવી તાકીદ પણ કરવામાં આવી છે.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati