આપણે સૌ ભુજ શહેરમાં પીવાના પાણી પરિસ્થિતિથી વાકેફ છીએ ! શહેરના પોશ વિસ્તારોમાં પણ જ્યારે પાણીની સમસ્યાઓ સર્જાઇ રહી છે ત્યારે શહેરના વંચિત વિસ્તારોની પરિસ્થિતિનો ચિતાર આપણે વિચારી શકીએ છીએ ! આવા જ એક વિસ્તાર સંજયનગરીની પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે ભુજમાં ચાલતા “હોમ્સ ઇન ધ સીટિ” પ્રકલ્પના સીટિ ફેલો દયારામભાઇ પરમાર દ્વારા અર્બન સેતુ, ‘એરિડ કોમ્યુનિટીસ એન્ડ ટેકનોલોજી” સંસ્થા, ‘જલસાથી‘, SOS સંસ્થા તેમજ દાતાઓ અને લોકફાળાના સહયોગથી પાણી માટે બોર, ૫ હજાર લીટરની ક્ષમતા ધરાવતો પાણીનો ટાંકો તેમજ ‘ફાટલ તળાવ‘ તરીકે ઓળખાતાં તળાવના ખાણેત્રાં સહિતના કાર્યો કરવામાં આવ્યાં છે. પેયજળની ઉભી થયેલી આ સુવિધાનું લોકાર્પણ કરતો કાર્યક્રમ તાજેતરમાં ભુજ નગરપાલિકાના પ્રમુખની અધ્યક્ષતામાં યોજાઇ ગયો.
મહેમાનોના હસ્તે લોકાર્પણ સાથે વૃક્ષારોપણ કરી ‘જળ આહુતિ‘ સાથે કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો. સ્વ. હિતેન ધોળકિયા શાળાની બાલિકાઓએ ‘દીકરી‘ વિષય પર અભિનય ગીત રજૂ કરી દીકરીની મહેચ્છાઓ વ્યક્ત કરી હતી. પાણીના કાર્યો કરવામાં મહત્વની ભુમિકા ભજવનાર દયારામભાઇએ સમગ્ર કામગીરીની તવારીખ જણાવી હજુ પણ નાગરિકોનો સહકાર મળે તો પાણીના પ્રશ્નો ઉકેલાઇ શકે એવી આશા વ્યક્ત કરી હતી. નીર સમીતિના પ્રમુખ રાનીબેન જાદવ, માધવરાય પાણી સમીતિના પ્રમુખ ખીમજીભાઇએ પાણીની સુવિધા ઉભી થતાં વિસ્તારના લોકોને ખૂબ જ રાહત મળી હોવાનું જણાવ્યું હતું. હુન્નરશાળાના સંદીપભાઇ વીરમાણીએ દયારામભાઇને કામગીરી બદલ અભિનંદન પાઠવવા સાથે અન્ય નાગરિકો પણ આવી જવાબદારીઓ ઉઠાવવા આગળ આવે એવું આહવાન કર્યું હતું તો સેતુ અભિયાનના ટ્રસ્ટી ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાયે કામગીરીને બિરદાવવા સાથે તંત્ર અને નાગરિકો એકજુથ બને તો અનેક સમસ્યાઓ ઉકેલાઇ જાય તેવી આશા વ્યક્ત કરી હતી.
નગરપાલિકાના કારોબારી ચેરમેન ભરતભાઇ રાણાએ આવા કાર્યોમાં સંસ્થાઓના સહયોગને નોંધપાત્ર ગણાવતાં પાણીનો વેડફાટ ન થાય તેની તકેદારી લેવા અનુરોધ કર્યો હતો. અધ્યક્ષીય ઉદ્બોધનમાં ભુજ નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકીએ પાણી ભરવા માટેનો સમય નિયત કરી પાણીનો દુરુપયોગ ન થાય તેની ચિંતા સેવતાં સ્થાનિક લોકોને પાણીના કરકસર માટે ભલામણ કરી હતી તેમજ આવાં કાર્યોમાં નગરપાલિકા સહયોગી રહેશે તેવી ખાતરી આપી હતી.
આ પ્રસંગે ‘નીર પાણી સમીતિ‘ દ્વારા સંજયનગરીમાં સી સી રોડ, ગટરલાઇન અને તળાવના વિકાસ માટે નગરપાલિકાને આવેદનપત્ર પાઠવ્યું હતું. એચઆઇસીની સાથી સંસ્થાઓ એક્ટ, કચ્છ મહિલા વિકાસ સંગઠન, હુન્નરશાળા, સેતુ અભિયાન તેમજ સહજિવનના કાર્યકરો હાજર રહ્યા હતા. સંચાલન જય અંજારિયાએ કર્યું હતું જ્યારે આભારવિધિ અર્બન સેતુના મામદ લાખાએ કરી હતી.
No Comment
Comments are closed here.