ભુજમાં વિકેન્દ્રિત જળ વ્યવસ્થાપન સંદર્ભે “વોટર ફોર ચેન્જ” વીઝનિંગ વર્કશોપ યોજાયો

ભુજમાં વિકેન્દ્રિત જળ વ્યવસ્થાપન સંદર્ભે “વોટર ફોર ચેન્જ” વીઝનિંગ વર્કશોપ યોજાયો

પાણીના મુદ્દે સંવેદનશીલ શહેરોમાં જળ પરિવર્તનના પડકારોનો સામનો કરવા અને ટકાઉ અભિગમ અપનાવવાના આશય સાથે ભુજ ખાતે CEPT યુનિવર્સિટી, IIT ગાંધીનગર અને ભુજની ACT સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વોટર ફોર ચેન્જકાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં પીએચડી સંશોધકો દ્વારા સ્થાનિક હિતધારકો સાથે પરામર્શ કરીને તૈયાર કરાયેલા પડકારોની રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય ૧૧ નિષ્ણાત સંસ્થાઓના તજજ્ઞો દ્વારા ચકાસણી કરી એ પડાકારોને કેવી રીતે પહોંચી વળવું એ અંગેનું વિઝન તૈયાર કરવા માટે ભુજની કચ્છ યુનિવર્સિટી ખાતે આ કાર્યશાળાનું આયોજન કરાયું હતું.

સેપ્ટ યુનિવર્સિટીના પ્રો. મોના ઐયરે જણાવ્યું હતું કે, ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોસ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને નેધરલેન્ડ ઓર્ગેનાઇઝેશન ફોર સાઇન્ટીફિક રીસર્ચના સંયુક્ત પ્રયાસો દ્વારા શહેરી જળ વ્યવસ્થાપન પ્રણાલી પર લાંબાગાળાના સંશોધનોને પ્રોત્સાહિત કરવા માટે ૨૦૧૯માં વોટર ફોર ચેન્જપ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. IIT રૂરકીના પ્રો. કંસલે કોઇપણ શહેરને સસ્ટેઇનેબલ બનાવવા માટે પાણી મુદ્દે સ્વાવલંબી બનવું અનિવાર્ય છે તેવું જણાવી આ અભ્યાસ ભુજ, ભોપાલ અને કોઝીકોડે સહિત શહેરોમાં હાથ ધરાયો હોવાની માહિતી આપી હતી. એસડીએમ અતિરાગ ચપલોદે કચ્છમાં રેવેન્યુ અને અર્બન ઓથોરીટી સાથે મળીને કામ કરી રહી છે ત્યારે શહેર માટે હોલીસ્ટિક પ્લાન સાથે કામ થશે એવી વાત કરી હતી. ભુજના મેયર ઘનશ્યામભાઇ ઠક્કરે ભુજને અભ્યાસ માટે પસંદ કરાયું છે ત્યારે નગરપાલિકાનો સંપુર્ણ સહયોગ મળશે એવી ખાતરી આપી હતી. ગાઇડ સંસ્થાના ડો. વિજયકુમારે વાતાવરણમાં આવી રહેલા બદલાવો વિશે વાત કરી હતી. ACTના યોગેશભાઇ જાડેજાએ કાર્યશાળાનો આશય સ્પષ્ટ કર્યો હતો.

કાર્યશાળામાં સ્થાનિક હિતધારકો, સંશોધકો, સંસ્થાકિય પ્રતિનિધિઓ સાથે જુથચર્ચા કરાવવામાં આવી હતી જેમાં મુખ્ય મુદ્દો બહાર આવ્યો હતો કે, ભુજ શહેરને પાણી માટે કોઇપણ બાહ્ય સ્રોતોની જરૂર ન પડે અને ભુજ પાણી મુદ્દે સ્વયં સંચાલિત બને એ માટે ઘર, સમુદાય અને શહેર સ્તરે પ્રયાસો અનિવાર્ય છે. તેમજ દરેક નાગરીકે પાણી સંદર્ભે પોતાની ફરજો નિભાવી વિકેન્દ્રિત જળ વ્યવસ્થાપનમાં યોગદાન આપવું જોઇએ એવો સૂર વ્યક્ત કરાયો હતો. આ કાર્યશાળાના નિચોડ સ્વરૂપે યોગ્ય નીતિવિષયક ગાઇડલાઇન બનાવી સામુહિક ધોરણે જળ વ્યવસ્થાપન અંગે સક્રિયપણે કાર્યરત થવાની ચર્ચા કરાઇ હતી.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati