૨૩ યુવાનોએ ‘હોમ્સ ઇન ધ સીટી’ આયોજિત ઇવેન્ટમાં સુરસભર રજુઆતો કરી
કચ્છી-ગુજરાતી કાવ્યો, ગઝલો, કિશોર કુમાર અને મહોમદ રફીના એવરગ્રીન હિન્દી ગીતોની આકર્ષક રજુઆતો દ્વારા યુવાનોએ ભુજના દાદા-દાદી પાર્ક ખાતે ભુજના ‘હોમ્સ ઇન ધ સીટી’ પ્રકલ્પ આયોજિત ‘ઓપન માઈક’ ઇવેન્ટમાં જમાવટ કરી હતી. સાંધ્યદીપ અને હાસ્ય ક્લબ જેવી સંસ્થાઓના સહકારથી આયોજિત ઓપન માઈક ઇવેન્ટમાં ભુજના કલારસિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સંતીગની મોજ માણી હતી.
આજનો યુવાન એક તરફ ભણતર અને બીજી તરફ રોજગારીની દોટમાં ક્યાંક ને ક્યાંક પોતાની આવડતો, પોતાના શોખથી દૂર થઇ રહ્યો હોય એવું વાતાવરણ બની રહ્યું છે. અને જો સમય મળે તો મોબાઈલ તેનો અમુલ્ય સમય લઇ લેતો હોય છે. આવી પરિસ્થિતિમાં યુવાનો પોતાના શોખને જીવે, એકબીજા સાથે હળવી ક્ષણો માણે; એવા આશય સાથે ભુજની સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રકલ્પ ‘હોમ્સ ઇન ધ સીટી’ દ્વારા ભુજના દાદા-દાદી પાર્ક ખાતે ‘ઓપન માઈક’ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં યુવાનોને ગીત, ગઝલ, કાવ્યપઠન, હાસ્ય કવિતા જેવા વિવિધ માધ્યમો દ્વારા પોતાના શોખને ઉજાગર કરવાનો મંચ પૂરો પાડવામાં આવ્યો હતો. માંડવીના શિરાઝ નોડે, ભારત જોગુ, ભુજના ડો. સિમી કંસારા, ધર્મેશ અંતાણી, પ્રતિક જોશી, ભાવિકા બોસમીયા, આયુષી બારોટ, સમીર સોલંકી, સોનલ ભાટિયા, સાલેહા મેમણ, કેવળ મકવાણા, વેદાંત વિશાલ, હંસિકા ફફલ, પ્રહલાદસિંહ સોઢા, આર.કે. જાડેજા, મનીષ રાજગોર તેમજ મૌલિક જાની સહીત ૨૩ જેટલા યુવાનો સહભાગી થયા અને એક સે બઢકર એક રજુઆતો દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. રફી-કિશોરનાં ગીતો, સ્વ-રચિત કાવ્યો, કચ્છી-ગુજરાતી રચનાઓ રજુ કરીને યુવાનોએ ઉપસ્થીતોની દાદ મેળવી હતી. એટલું જ નહિ પાર્કની બહાર વટેમાર્ગુઓ અને વાહન ચાલકો પણ થોભી ગયા હતા અને સુરસંગીતણો લ્હાવો લઇ રહ્યા હતા. આ દરેક યુવા કલાકારોનું એક જૂથ બનાવવામાં આવ્યું છે જે ભવિષ્યમાં પણ આવા સુરીલા કાર્યક્રમોનું આયોજન કરશે.
કાર્યક્રમનું સંચાલન એચઆઈસીના જય અંજારિયાએ સંભાળ્યું હતું. સંસ્થાના સૌરવ રોય, નયના ચારણીયા, દિપાલી પંચોલી, કરિશ્મા ફજવાણી તેમજ પલ્લવી પરમાર આયોજનમાં સહયોગી બન્યા હતા. સાંધ્યદીપ ગ્રુપના કૃષ્ણકાંત ભાટિયા, હાસ્ય કલબના જગદીશ ગોરનો સહયોગ સાંપડ્યો હતો.