છેલ્લા કેટલાક દિવસોથી ઉન્નાવ, કથુઆ અને સુરતની બળાત્કારની જઘન્ય ઘટનાઓ સપાટી પર આવી રહી છે જેનાથી આખા દેશના સભ્ય સમાજના નાગરિકો આહત છે અને શર્મસાર છે. જે રીતે આરોપીને બચાવવાના વિવિધ સ્તરે પ્રયન્તો થઇ રહ્યા છે એ અત્યંત શરમજનક છે. આવી ઘટનાઓ છાસવારે દેશના દરેક ખુણામાં થતી રહે છે. નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડા મુજબ ૧૯૭૧થી ૨૦૧૬ વચ્ચે ૪૫ વર્ષમાં દેશની ૬,૩૪,૧૨૩ દિકરીઓ સાથે આવું અપમાનજનક કૃત્ય આચરાયું છે. અને આ આંકડા દિવસોદિવસ વધી રહ્યા છે.
વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૬ દરમ્યાન માત્ર કચ્છમાં ૨૩૪ બળાત્કારની ઘટનાઓ નોંધાઇ છે. આવી શરમજનક ઘટનાઓનો વિરોધ અને પીડીતાને ત્વરિત ન્યાય મળે એ માટે ‘કચ્છ મહિલા વિકાસ સંગઠન‘ અને ‘કચ્છ નવનિર્માણ અભિયાન‘ સહિતની કચ્છની સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સભ્ય નાગરિકોએ મોઢા પર કાળી પટ્ટી બાંધીને શાંતિપુર્વક વિરોધ દર્શાવ્યો હતો. કોઇપણ ધર્મ, જાતિ કે રાજનીતિથી ઉપર ઉઠીને આ ફોરમ નિષ્પક્ષ રીતે આવનારા સમયમાં આવી ઘટનાઓ રોકાય એ માટે નીચે દર્શાવેલી માંગો સાથેનું આવેદનપત્ર કચ્છ જિલ્લા કલેક્ટરને પાઠવવા સાથે ભારતના વડાપ્રધાનને ૫૦૦ થી વધુ સમર્થકોની સહી વાળું આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે. આવેદનપત્રમાં સમાવિષ્ટ માંગોમાં ૬ મહિનાના સમયગાળામાં પીડિતાને ન્યાય અને આરોપીને સજા થાય, આવી ઘટનાઓ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની તાત્કાલિક વ્યવસ્થા, પોલીસ તંત્ર તેમજ ન્યાયિક તંત્ર તટસ્થતાથી સમગ્ર ઘટનાની તપાસ કરે, ન્યાયિક પ્રક્રિયામાં રાજકીય કે ધાર્મિક દખલગીરી પર રોક, “નિર્ભયા ફંડ“નો પીડિતાઓ માટે ઉપયોગ થાય તેમજ ગુમશુદા બાળકીઓ અને મહિલાઓ વિશે તાત્કાલીક ફરીયાદ લઇ કાર્યવાહી થાય નો સમાવેશ થાય છે.
No Comment
Comments are closed here.