૨૦૦૧માં કચ્છને ધમરોળનારા ધરતીકંપના બે દાયકા વીતી ગયા બાદ આવી કુદરતી હોનારતોમાંથી આપણને મળેલી શીખ અને આપણી જવાબદારીઓ સંદર્ભે નાગરિકોના પોતિકા મંચ “ભુજ બોલે છે” અને “હોમ્સ ઇન ધ સીટિ” પ્રકલ્પ દ્વારા કચ્છના નાગરિકો માટે ‘નિબંધ સ્પર્ધા–૨૦૨૧‘નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ નિબંધ સ્પર્ધા બે વયજૂથોમાં રાખવામાં આવી હતી જેમાં ૧૨ થી ૨૪ વયજૂથ માટે “કુદરતી હોનારતો સામે આપણી જવાબદારીઓ” અને ૨૫ થી ૫૦ વયજૂથ માટે “ભૂકંપ જેવી હોનારતમાંથી આપણે શું શીખ્યા?” આ બે વિષયો રાખવામાં આવ્યા હતા. સ્પર્ધાના નિયમોનુસાર કચ્છમાંથી કુલ્લ ૭૮ જેટલા સ્પર્ધકોએ નિબંધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમ વ્યજૂથમાં શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા અને માતૃછાયા કન્યા વિદ્યાલયના શિક્ષિકા જાગૃતિબેન વકીલ તેમજ લેખક અને વિચારક નિરૂપમભાઇ છાયાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. જ્યારે બીજા જૂથ માટે ‘કચ્છમિત્ર‘ના પુર્વ પુર્તિ સંપાદક, ઇતિહાસના જાણકાર લેખક નરેશભાઇ અંતાણી અને પુર્વ શિક્ષિકા અને લેખિકા દિવ્યાબેન વૈદ્યએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. બન્ને વયજૂથમાં પ્રથમ ત્રણ–ત્રણ વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇકોફ્રેન્ડલી ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ વયજૂથમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે અનુક્રમે શીવજીયાણી તૃપ્તિ મનોહરલાલ(મુન્દ્રા), ગોસ્વામી આશા મયુરપુરી(દેશલપર કંઠી) અને શમા ગુલામ અન્સારિ(અજરખપુર) વિજેતા થયા હતા, જ્યારે બીજા જૂથમાં અનુક્રમે ખત્રી મહંમદ અલ્તાફ જકરીયા(ભુજ), ભારવીબેન ઉત્કર્ષ વૈદ્ય (ભુજ) તેમજ શ્રીમતિ ઉષ્માબેન પ્રતિમ શુક્લ(ભુજ)ને ઝુમ મિટિંગ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
આ નિબંધસ્પર્ધામાં વિજેતા થનાર નિબંધો ભુજ બોલે છેની વેબસાઇટ પર મુકવામાં આવશે. તદુપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને “સેતુ અભિયાન” ભુજની ઓફિસેથી તેમના પ્રમાણપત્રો મેળવી લેવા માટે ભુજ બોલે છેના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જય અંજારિયાની યાદિમાં જણાવવામાં આવ્યું હતું. દરેક વિજેતાઓએ સ્પર્ધાના આયોજન બદલ ભુજ બોલે છે અને હોમ્સ ઇન ધ સીટિના પ્રયાસને બિરદાવ્યો હતો.
No Comment
Comments are closed here.