ભુજના ‘અર્બન એજ્યુકેશન એન્વાયરોનમેન્ટ’ પ્રોજેક્ટને મળ્યો ‘ક્લાઇમેટ ચેન્જ’ એવોર્ડ

ભુજના ‘અર્બન એજ્યુકેશન એન્વાયરોનમેન્ટ’ પ્રોજેક્ટને મળ્યો ‘ક્લાઇમેટ ચેન્જ’ એવોર્ડ

ક્લાઇમેટ ચેન્જની વિશ્વ પર થઈ રહેલી અસરો અને એ અસરોને ઓછી કરવા માટે સક્રિય વ્યક્તિઓ, સંસ્થાઓ, શૈક્ષણિક એકમો તેમજ વિવિધ સંગઠનોની પ્રવૃત્તિની સરાહના કરી; પ્રોત્સાહન પૂરું પાડવા માટે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ‘ક્લાઇમેટ ચેન્જ’ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. ક્લાઇમેટ ચેન્જના વિષય પર શૈક્ષણિક સંસ્થાનોની કેટેગરીમાં ભુજમાં સામાજિક સંસ્થાઓના પ્રકલ્પ ‘હોમ્સ ઇન ધ સિટી’ પ્રેરિત ‘અર્બન એજ્યુકેશન એન્વાયરોનમેન્ટ’ પ્રોજેક્ટને ત્રીજું સ્થાન પ્રાપ્ત થતાં સચિવાલય ગાંધીનગર ખાતે રાષ્ટ્ર અને રાજ્યના પર્યાવરણના મંત્રીઓના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ માટે ગુજરાતમાંથી કુલ્લ ૧૨૦ અરજીઓ કરવામાં આવી હતી.

નવી પેઢી પર્યાવરણ વિષે વધુ સંવેદનશીલ બને એવા આશય સાથે સ્થાનિક પર્યાવરણની સ્થિતિ, સમસ્યાઓ અને ઉકેલોને સાંકળીને ભુજની સરકારી શાળાના બાળકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલો પ્રકલ્પ એટલે ‘અર્બન એન્વાયરોનમેન્ટ એજ્યુકેશન’. ભુજની કચ્છ મહિલા વિકાસ સંગઠન સહિત સામાજીક સંસ્થાઓના સંયુક્ત પ્રકલ્પ ‘હોમ્સ ઇન ધ સિટી’ અંતર્ગત UEE પ્રોજેક્ટ દ્વારા છેલ્લા ૨ વર્ષોથી ૧૨ સરકારી શાળાના ૩ હજાર બાળકોને નવીનતમ માધ્યમો દ્વારા પર્યાવરણ સાથે પરિચિત કરાવવામાં આવી રહ્યા છે. પર્યાવરણના જતન માટે રીડયૂઝ, રીયુઝ અને રિસાઈકલના ઉદ્દેશ્યો કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓને એક સજાગ નાગરિક તરીકે એમની ફરજો વિષે પણ અવગત કરવામાં આવે છે. આ પ્રકલ્પને અલ્કાબેન જાની, ડો. પંકજભાઈ જોશી તેમજ શૈલેષભાઈ વ્યાસ મેંટરીંગ કરી રહ્યા છે જ્યારે સંદીપભાઇ વીરમાની, સંજયભાઇ ઠાકર તેમજ ઋત્વિજભાઈ ધોળકિયા એડવાઇઝરી તરીકે માર્ગદર્શન પૂરું પડી રહ્યા છે.

ક્લાઇમેટ ચેન્જના એવોર્ડની જાહેરાત થતાં ‘અર્બન એન્વાયરોનમેન્ટ એજ્યુકેશન’ની ટીમ દિપાલી પંચોલી, નયના ચારણિયા, કરિશ્મા ફજવાની અને પલ્લવી પરમારે સવિસ્તાર અરજી કરી હતી. આ અરજીના પ્રત્યુતર રૂપે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી તરફથી શૈક્ષણિક કેટેગરીમાં એવોર્ડ સ્વીકારવા માટે ગાંધીનગર સચિવાલય ખાતે ટીમને આમંત્રિત કરાઇ હતી. સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં આયોજિત એવોર્ડ વિતરણ સમારોહમાં વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના મંત્રીશ્રી મુળુભાઈ બેરા તેમજ વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના હસ્તે યુઈઇ ટીમના દિપાલી પંચોલી અને નયના ચારણિયા તેમજ એચઆઇસીના જય અંજારિયાએ એવોર્ડ સ્વીકાર્યો હતો. એવોર્ડમાં શિલ્ડ સાથે ૫૦ હજાર રૂપિયાનો પુરસ્કાર પણ એનાયત થયો હતો.

આ પ્રસંગે માનનીય મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જ સમારોહનો નહીં પણ ઘરના ડાઈનિંગ ટેબલ પર ચર્ચાય એવો મુદ્દો બની ગયો છે ત્યારે વિજેતાઓની પ્રવૃતિઓ સન્માનનીય છે. રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઇ પટેલે ટૂંક સમયમાં ક્લાઇમેટ ચેન્જ યુનિવર્સિટીનો પ્રારંભ થશે જેમાં ઘ્યાન કચરો, વોટર મેનેજમેન્ટ જેવા વિષયો ભણાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેમજ ક્લાઇમેટ ચેન્જના નિયામક અજયભાઈ પ્રકાશ તેમજ ઉપસચિવ શ્રી ગુપ્તાએ વિજેતાઓને અભિનદન પાઠવી આગામી સમયમાં હજી વધુ લોકો, સંસ્થાઓ ક્લાઇમેટ ચેન્જના મુદ્દા સાથે જોડાય એવું આહવાન કર્યું હતું.

Last updated on:

guGujarati