ભુજમાં લાંબા સમયથી વિવિધ સેવાઓ પુરી પાડતા પ્રવાસી મજુરોના પ્રશ્નો, સમસ્યાઓ અને તેના સંદર્ભે શું કરી શકાય એવા ઉદેશ્ય સાથે ભુજ અર્બન સેતુ દ્વારા એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંકલન બેઠકમાં અર્બન સેતુએ ભુજમાં વિવિધ કારણોસર આવીને વસેલા પ્રવાસી મજુરો માટે કરવામાં આવેલા અભ્યાસના આધારે તેમની શું સમસ્યાઓ છે, તેમના બાળકોની પરિસ્થિતિ, મહિલાઓની પરિસ્થિતિ તેમજ આવાસ અને પાયાગત સુવિધાના અભાવ વિશે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. એડ્વોકેટ રસીલાબેને ભુજમાં સ્લમના બાળકો સાથે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે વાત કરતાં બાળકોમાં ક્યાંક ને ક્યાંક માદક દ્રવ્યોનો ઉપયોગ વધ્યો હોવાની ભીતિ સેવી હતી. શિવયોગ સેન્ટરના કિરણબેને ૬ બાળકોથી શરુ થયેલા તેમના સેન્ટરમાં આજે ૭૦ બાળકો સંસ્કારના પાઠ ભણી રહ્યા હોવાની વાત કરી હતી. સખી સેવા ગ્રુપના અમીષાબેને તેમનું ૮૦ સભ્યોનું ગ્રુપ ભુજના જરુરતમંદોને વિવિધ સહયોગ આપતું હોવાની માહિતી આપી. શિશુકુંજના નાઝીરભાઇએ સ્લમના બાળકો સાથે સંસ્કાર, શિક્ષણ અને આરોગ્યને લગતી કામગીરી વિશે જણાવ્યું. અર્બન સેતુના ભાવસિંહ ખેરે જણાવ્યું કે, ભુજના પ્રવાસી મજુરોના બાળકો વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે જેમના માટે ઉપસ્થિત સંસ્થાઓ સંયુક્ત પણે કંઇક વિચારે. આ સંકલન બેઠકના અંતે ઉપસ્થિતોએ એકબીજાના વિસ્તારોની મુલાકાત લઇ કેવી રીતે એકમેકના પુરક બનવું અને મજુર પરિવારના બાળકો અને મહિલાઓ સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરવાનો નિર્ણય લીધો હતો.
અર્બન સેતુના કાર્યલયમાં આયોજિત બેઠકમાં નઝીરભાઇ સાંયા (શિશુકુંજ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન), કિરણબેન સોની (શિવયોગ સેન્ટર), અમીષા ઠક્કર (સખી સેવા ગ્રુપ), એડવોકેટ રસીલાબેન પંડ્યા (તેજસ્વીની ગ્રુપ), આશા વર્કર તસ્મીનબેન ખાન, હુન્નરશાળાના દિનેશ ચારણ, ભુજ બોલે છેના જય અંજારિયા તેમજ આયોજક અર્બન સેતુના ભાવસિંહ ખેર, કરમણ મારવાડા, વિશ્રામ વાઘેલા, આશા મહેશ્વરી, રુકિયા જત, નંદિની ઠક્કર તેમજ લીલાબેન પટેલ જોડાયા હતા.
No Comment
Comments are closed here.