ભુજના નિરાધાર મહિલાને મળી રોજગાર શરૂ કરવાની તક !

ભુજના નિરાધાર મહિલાને મળી રોજગાર શરૂ કરવાની તક !

કોરોનાના અતિશય વિપરીત સમયમાં લોકો સપડાયા અને આ મહામારીનો ભોગ બન્યા, એ તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આપણી આંખો જેમને જોઇ નથી શકતી એવા કેટલાય પરિવારોએ આ પરિસ્થિતિના પગલે પોતાનો રોજગાર ગુમાવ્યો છે અને દયનિય જીવન વ્યતીત કરી રહ્યા છે. આવી જ પરિસ્થિતિમાં પાંચ બાળકોની જવાબદારી સાથે કોરોનાને કારણે પોતાનો રોજગાર ગુમાવનાર મીનાબેનને સંસ્થાઓના સહયોગથી ફરી પોતાનો રોજગાર શરૂ કરવાની તક મળી !

અમદાવાદની ગણતરસંસ્થા સાથે જોડાયેલા સંજયભાઇ દવેએ ભુજ બોલે છેનો સંપર્ક કરી ભુજમાં જે અતિ જરૂરતમંદ પરિવાર હોય તેને ગણતરસંસ્થાના માધ્યમથી કંઇપણ રોજગાર શરૂ કરવા માટે આર્થિક સહયોગ આપવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી. ભુજ બોલે છે ટીમે ભુજના અર્બન સેતુના કાર્યકરો સાથે સંકલન કરી ભુજમાં ૫ બાળકો સાથે વિધવાનું જીવન વ્યતીત કરતાં મીનાબેનનો સંપર્ક કર્યો. પતિ ગુમાવ્યા બાદ ઘરની જવાબદારી ઉઠાવનાર મીનાબેનનો વ્યવસાય કોરોનાના સમયમાં છીનવાઇ ગયો ! એટલું જ નહિં, અકસ્માતે તેમની હાથલારી પણ સળગી જવા પામી જે તેમના રોજગાર માટેનો આધાર સમી હતી.

અર્બન સેતુના આશાબેન મહેશ્વરીએ મીનાબેન સાથે સતત સંકલન કરી પુરતી માહિતી ભુજ બોલે છે ટીમને પુરી પાડી. એ દરેક માહિતી સંજયભાઇ દવેને પહોંચાડવામાં આવી. સંપુર્ણ રીતે ચકાસણી બાદ મીનાબેનને શાકભાજીનો વેપાર કરવા માટે હાથલારી અને શાકભાજી ખરીદીને આપવામાં આવ્યાં જેનો કુલ્લ ખર્ચ ૧૦,૨૫૫ રૂપિયા ગણતરસંસ્થા દ્વારા પુરો પાડવામાં આવ્યો ! આજે મીનાબેન સ્વમાન સાથે રોજગાર મેળવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા સક્ષમ બન્યાં છે.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati