ભુજમાં ભીમ અગિયારસે પરંપરાગત જળપેડી ઉજવાઇ

ભુજમાં ભીમ અગિયારસે પરંપરાગત જળપેડી ઉજવાઇ

આપણા કચ્છ પ્રદેશની અનેક આગવી અને વિશિષ્ટ પ્રણાલીઓ છે; આવી જ એક પ્રણાલી ભીમ અગિયારસના દિવસે ઉજવવાની પરંપરા છે. ભીમ અગિયારસના આ દિવસે ઘર થી નગર સુધીના જળસ્રોતો જેમ કે, તળાવ, કૂવા, વાવની ચોમાસાની પૂર્વતૈયારી સ્વરૂપે સાફ સફાઇ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આપણી પરંપરા અને સંસ્કૃતિ સાથે સંકળાયેલી આ પ્રણાલીના ભાગરૂપે ભુજમાં ‘એરિડ કોમ્યુનિટીસ એન્ડ ટેકનોલોજીસ, ‘જળ સ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ અને ભારતીય જૈન સંગઠનના સંયુક્ત ઉપક્રમે શહેરના હામદરાઇ તળાવ ખાતે “જળપેડી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેએસેસએસના કન્વીનર પરેશભાઇ ગુજરાતીએ શાબ્દિક આવકાર આપ્યા બાદ એક્ટના ડો. યોગેશભાઈ જાડેજાએ હમીરસર જેવા જળસ્રોતો તળાવ નહીં પણ એક સભ્યતા હોવાનું જણાવી કોઈપણ પ્રણાલી રિવાજ બની જાય ત્યારે આપોઆપ લોકો તેને અનુસરે છે એવી વાત કરી હતી. તેમણે તળાવોને લીગલ સ્ટેટસ અપાવવું અનિવાર્ય હોવાની વાત પર ભાર મૂક્યો હતો. સરકારી આર્થિક સહયોગ વિના ની:સ્વાર્થ ભાવે હમીરસરની આવને સુદ્રઢ બનાવવાની નેમ સાથે કાર્યરત ભારતીય જૈન સંઘના હિતેશભાઈ ખંડોલે છેલ્લા એકવીસ દિવસોથી આવ સુધારણાનું કામ ચાલી રહ્યું છે ત્યારે જળ સંસ્કૃતિનું જતન કરવાની તક મળી હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. ‘ગાઈડ’ ના ડો. વિજયકુમારે પૃથ્વી પર માત્ર ૩ ટકા પાણી પીવાલાયક પાણી રહ્યું છે ત્યારે શહેર માટે વેટલેન્ડ્સ કિડની સમાન હોવાનું જણાવ્યું હતું. હરિપરના લખમાંભાઈ ભરવાડે સ્થાનિક તળાવોણી સુધારણા બદલ હરખની લાગણી અનુભવી હતી જ્યારે હરિપરના જ હરજીભાઈ પટેલે વૃક્ષારોપણ કરવામાં આવે તો ગામ આની પાવાની જવાબદારી લેશે એવી ખાતરી આપી હતી. કબીર મંદિરના કિશોરદાસજીએ આશીર્વચન આપ્યા હતા.

જળપેડીની સંકલ્પનાને કચ્છના ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચાડવાના આશય સાથે જીલાના કલેક્ટરશ્રીએ કચ્છની પંચાયતો સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી જેમાં એક્ટના યોગેશભાઈ જાડેજાએ જળ સંવર્ધનની કામગીરી અંગે રજૂઆત કરી હતી. જળપેડીના કાર્યક્રમમાં ભારતીય જૈન સંઘના ભરતભાઇ સંઘવી, ગાયત્રી પરિવારના પ્રતિનિધિઓ, હરિપરના રહેવાસીઓ, સાત્વિકના શૈલેશભાઈ વ્યાસ, એક્ટના સ્ટાફમીત્રો, જલસાથી મિત્રો, સેતુના ભાવસિંહ ખેર સહિત અનેક લોકો ઉપસ્થીત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં ગાયત્રી મંત્રના શ્લોકોચ્ચાર સાથે જળ આહુતિ આપવામાં આવી હતી. ઝુલાબેન છાયાએ સૌને જળસંવર્ધનની પ્રતિજ્ઞા લેવાડાવી હતી. કાર્યક્રમ બાદ સૌએ હામદરાઈ તળાવ અને કથરોલ ફોલ્ટની મુલાકાત લીધી હતી. કાર્યક્રમનું સંચાલન હોમ્સ ઇન ધ સિટીના જય અંજારિયાએ સંભાળ્યું હતું જ્યારે આભારવિધિ ભુપેન્દ્રભાઇએ કરી હતી.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati