ભુજમાં શહેરી શાસનના મુદ્દે કાર્યરત સંસ્થાઓને એકમંચ લાવવા પ્રયાસ !

ભુજમાં શહેરી શાસનના મુદ્દે કાર્યરત સંસ્થાઓને એકમંચ લાવવા પ્રયાસ !

શહેરી શાસન અને ૭૪માં બંધારણીય સુધારા તેમજ નગરરાજ બીલના મુદ્દાઓ પર સદ્ભાવના સંઘમુંબઇ તેમજ સેતુ અભિયાન ભુજ દ્વારા ભુજ ખાતે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

રાજ્ય સ્તરે શહેરી શાસન મુદ્દા પર કાર્યરત સંસ્થાઓ એકમંચ બની સરકાર સાથેના સંકલન મારફત શહેરી શાસનમાં બદલાવ લાવે એવા ઉદ્દેશ્ય સાથે સદભાવના સંઘ તેમજ અર્બન સેતુ ભુજ દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે ગુજરાતની ૨૨ સંસ્થાઓ સાથે બેઠક કરી સૌ સંસ્થાને આ પ્રકલ્પમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું. આ જ સંદર્ભે ભુજની સ્થાનિક સંસ્થાઓના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવા સાથે કાર્યકરો સાથે સદભાવના સંઘે પોતાની કામગીરીનું આદાન પ્રદાન કર્યું હતું.

ભુજના લોહાણા ભવન ખાતે આયોજિત આ શિબિરના પ્રથમ સત્રમાં ભુજ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી લતાબેન સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે શહેરી શાસનના કોઇ પણ મુદ્દે નગરપાલિકાના સહકારની ખાતરી આપી સમગ્ર પ્રકલ્પને આવકારદાયક ગણાવ્યો હતો. સેતુ અભિયાનના બોર્ડ મેમ્બર અને એક સમયે ભુજ નગરપાલિકાના પ્રમુખ રહી ચુકેલા શ્રી અરુણભાઇ વચ્છાજાનીએ શહેરી શાસનના મુદ્દાને મહેનત માગી લેતો મુદ્દો લેખાવતાં બધી સંસ્થાઓનો સહિયારા પ્રયાસ અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. સેતુ અભિયાનના ટ્રસ્ટી શ્રી ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાયે આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી. અત્રે વોર્ડ નંબર ૨ના નગરસેવક કાસમભાઇ કુંભાર ઉપસ્થિત રહ્યા હતા. ભુજના જાગૃત નાગરિક માવજી મહેશ્વરીએ પોતાના વિવિધ અનુભવો વ્યક્ત કરી ચર્ચામાં નોંધપાત્ર ભાગ લીધો હતો. કાર્યકરોએ પણ પોતાના પ્રશ્નોની ચર્ચા કરી હતી.

છેલ્લા ૬ વર્ષથી મુંબઇ મહાનગરપાલિકા સાથે સંકલન કરી મુંબઇમાં ૨૨ મહોલ્લા સભાઓ શરુ કરાવનાર સદભાવના સંઘના વર્ષાતાઇએ ભુજની હોમ્સ ઇન ધ સીટિપ્રકલ્પ સાથે જોડાયેલી પાંચ સંસ્થાઓના કાર્યકરોને સંઘની કામગીરીથી વાકેફ કર્યા હતા. સંઘના ક્રિષ્નાજીએ વીડિયો ક્લીપ દર્શાવી મહોલ્લા સભાની પ્રક્રિયા જણાવી હતી. તેમજ શેખ હુસેનજી એ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. બીજા સત્રમાં સદભાવના સંઘ અને એચઆઇસીની પાંચેય સંસ્થાના પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરી લીગલ સંદર્ભે એડવોકસી, સંસ્થાઓનું નેટવર્ક ઉભું કરવા તેમજ રાજ્ય સ્તરે સંકલન કરવા એક સમિતીના ગઠનના નિર્ણયો લેવાયા હતા. ઉપરાંતમાં ભુજના નગરસેવકો સાથે બેઠક કરી તેમની સાથે સમગ્ર હેતુ સમજાવી પ્રક્રિયામાં જોડાવા અપીલ કરાઇ હતી. સમગ્ર આયોજનમાં સેતુ અભિયાનના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati