વેબ પોર્ટલનું લોકાર્પણ : કચ્છને શૈક્ષણિક અભ્યાસના કેન્દ્ર તરીકે જોવા કુલપતિની ટકોર
આપણું કચ્છ તો કુદરતી પ્રયોગશાળા છે જ્યાં મુંબઈ, ઓરિસ્સા, જાપાન સહિતના લોકો આવીને શોધખોળ કરી રહ્યા છે; તો આપણે કચ્છમાં જ રહીને કચ્છની જૈવવિવિધતાને પોતાના અભ્યાસનું કેન્દ્ર કેમ નથી બનાવતા; આવો અર્થસભર પ્રશ્ન ભુજ શહેરના વૃક્ષોની વિસ્તૃત માહિતીઓથી સભર પુસ્તિકા “ટ્રીઝ ઓફ ભુજ”ના વિમોચન પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઇ પટેલે પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં કર્યો હતો. ભુજના ‘હોમ્સ ઇન ધ સિટી’ પ્રકલ્પ દ્વારા આયોજિત સમારોહમાં વનવિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, પર્યાવરણ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓએ હાજર રહીને વૃક્ષોના મહત્વ પર ચર્ચા કરી હતી.
ભુજની સરકારી શાળા નંબર ૧૦ની દિકરીઓના સુંદર સ્વાગત બાદ મંચસ્થ મહેમાનોને તુલસી રોપા આપીને અભિવાદીત કરવામાં આવ્યા હતા. હોમ્સ ઇન ધ સિટીના ડાયરેક્ટર અસીમ મિશ્રએ પ્રકલ્પ વિષે વિસ્તૃત માહિતી આપી; શહેરના વિવિધ મુદ્દાઓ પર ચાલતી ફેલોશીપના કોન્સેપ્ટને સ્પષ્ટ કર્યો હતો અને ક્લાઇમેટ ચેન્જના મુદ્દે સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સંયુક્ત રીતે કાર્ય કરે એવો આશય વ્યક્ત કર્યો હતો. ‘ટ્રીઝ ઓફ ભુજ’ પુસ્તક બનાવવા માટેની ફેલોશિપ પર કાર્યરત ડો. પંકજ જોશી અને મનોજ સોલંકીએ પ્રેઝ્ન્ટેશનના માધ્યમથી વૃક્ષો વિશેના આ અભ્યાસ વિષે સંક્ષિપ્ત માહિતી આપી હતી. ડો. પંકજ જોશીએ જણાવ્યું હતું કે વાતાવરણમાં આવી રહેલા બદલાવને ધ્યાનમાં રાખીને કચ્છના અન્ય શહેરોમાં પણ વૃક્ષોના ડેટા બેઝ ઊભા થાય એ અનિવાર્ય છે. મહેમાનોએ વૃક્ષોની ડિજિટલ માહિતી પૂરી પાડતા વેબ પોર્ટલનું લોકાર્પણ કર્યું હતું; જેના વિષે તકનીકી સમજ મનોજ સોલંકીએ પૂરી પાડી હતી.
લાલન કોલેજના ઝૂઑલૉજી વિભાગના પ્રાધ્યાપક ડો. પ્રણવભાઈ પંડયાએ પર્યાવરણ વિષે ટકોર કરી હતી કે આપણે એટલા આગળ નીકળી ગયા છીએ જ્યાંથી પાછું આવવું શક્ય નથી; પરંતુ આપણી ગતિ ધીમી કરવી પડશે ! ડાયટના પૂર્વ અધિકારી અને વિજયરાજજી લાયબ્રેરીના ઉપપ્રમુખ સંજયભાઇ ઠાકરે ભુજના વર્ષો જૂના વૃક્ષો હવે આ પુસ્તકના માધ્યમે સાચવાઈ જશે એવી ખુશી વ્યક્ત કરી હતી. નાયબ વનસંરક્ષક હરેશભાઈ મકવાણાએ વૃક્ષોને પાણી જેટલું જ મહત્વનું હોવાનું જણાવી શહેરી વિસ્તારોમાં આજે પણ પર્યાવરણ સંદર્ભે નિરસતા વર્તાઇ રહી છે તેને દૂર કરવા જણાવી વનવિભાગના
સતત સહયોગની ખાતરી આપી હતી. અધ્યક્ષીય ઉદ્બોધનમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઇ પટેલે માર્મિક રીતે વાત મૂકી હતી કે, પુસ્તકમાં ૧૨૭ પ્રજાતિના ૪૦ હજાર વૃક્ષોની માહિતી છે; પણ જો ભુજની જનસંખ્યા અંદાજે ૨ લાખ પણ હોય; અને આપણે ‘એક પેડ મા કે નામ’ સૂત્રો ઉચ્ચારતા હોઈએ તો લાગે છે કે ક્યાંક આપણે વૃક્ષો વાવવામાં કાચા પડ્યા છીએ. એમને કચ્છની ખેતીલાયક જમીન પર જો ઉદ્યોગો આવી બેશસે તો પર્યાવરનું શું થશે એવી ચિંતા વ્યક્ત કરવા સાથે ભુજની એક્ટ, ગાઈડ જેવી સંસ્થાઓ સાથે મળીને પર્યાવરણના સંદર્ભમાં આગામી દિશામાં કામ થવું જોઈએ એવો સૂર વ્ય
ક્ત કર્યો હતો. મંચસ્થ મહેમાનો ડો. એકતાબેન જોશી, નવીનભાઈ બાપટે પણ ચર્ચામાં ભાગ લીધો હતો.
આ સમારોહમાં ડો. મૃગેશ ત્રિવેદી સહિત યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, વૈદ્ય સાલેમામદભાઈ, શબિરભાઈ રાયમા, સંસ્થાઓના પ્રતિનિધિઓ, સહયોગનગર, જયનગર, વાલદાસનગર સહિત વિસ્તારોના નાગરિકો, દાતાઑ, વિદ્યાર્થીઓ તેમજ પીએચડી સ્કૉલર્સ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે દરેક ઉપસ્થિતોને તુલસી રોપા વિતરીત કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ એચઆઇસીના જય અંજારિયાએ સંભાળ્યું હતું.