વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડ (WMF) દ્વારા વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ ૨૦૨૫માં વિશ્વભરના ઐતિહાસિક સ્થળોની જાહેરાત કરવામાં આવી; જેમાં આપણાં ભુજ શહેરની ઐતિહાસિક જળ વ્યવસ્થા પસંદ કરાયેલા ૨૫ સ્થળોમાં સ્થાન પામી છે જે દરેક ભુજવાસીઓ માટે ગૌરવની ઘટના છે. આ વર્ષે સાંસ્કૃતિક વારસાની ધરોહર સમાન સ્થળોની પસંદગી કરવામાં આવી છે જેનું સંરક્ષણ નાગરિકો અને સમુદાયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પસંદગી પામેલાં ૨૫ સ્થળો પાંચ ખંડોના ૨૯ દેશો અને ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે.
વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ ૨૦૨૫ માટે ભુજ હિસ્ટોરિક વોટર સિસ્ટમ્સનું નોમિનેશન સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન (CHC), CEPT રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (CRDF) અમદાવાદ દ્વારા સબમિટ કરવામાં આવ્યું હતું. આ નોમિનેશનનું નેતૃત્વ CHCના પ્રો. જિજ્ઞા દેસાઈ અને CHC ખાતે પ્રોગ્રામ લીડ ફોર એસેસમેન્ટ એન્ડ ટ્રેનિંગ જયશ્રી વર્ધન દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૫ના ઓપન કોલના પરિણામે ૨૦૦ થી વધુ નોમિનેશન આવ્યા હતા. ઇન્ટરનેશનલ હેરિટેજ એક્સપર્ટની સ્વતંત્ર પેનલ દ્વારા વ્યાપક આંતરિક અને બાહ્ય સમીક્ષા કર્યા બાદ ૨૫ સ્થળોની અંતિમ પસંદગી કરવામાં આવી હતી. ધ્યાનમાં લેવામાં આવેલા માપદંડોમાં, સ્થળનું સાંસ્કૃતિક મહત્વ, સમયસર કાર્યવાહીની જરૂરિયાત અને પ્રસ્તાવિત અભિગમની શક્યતા સૌથી મહત્વપૂર્ણ હતી.
CHC એ આ નામાંકન માટે ભુજની સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત પ્રકલ્પ ‘હોમ્સ ઇન ધ સિટી’ (HIC) કાર્યક્રમ સાથે સંકલન કર્યું છે, જેમાં સ્થાનિક હિસ્સેદારો સાથે પરામર્શ પણ કરવામાં આવ્યું હતું. HIC એ ભુજમાં છ નાગરિક સમાજ સંગઠનો હુન્નરશાળા ફાઉન્ડેશન (AINA અને AABHAT), એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજી (ACT), સેતુ અભિયાન, સાત્વિક, કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) અને ખમીરની સામૂહિક પહેલ છે જે ભુજ શહેરને એક ટકાઉ શહેર તરીકે વિકસાવવામાં પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. વિશ્વભરના ૧૧૨ દેશોમાં ૭૦૦ થી વધુ પ્રોજેક્ટ્સ સાથે, WMF ઐતિહાસિક ધરોહરના સંરક્ષણમાં વૈશ્વિક સ્તરે અગ્રણી છે. ૧૯૯૬ માં, WMF એ વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ શરૂ કર્યું, જે એક દ્વિવાર્ષિક, નામાંકન-આધારિત કાર્યક્રમ છે, જેનો હેતુ કાર્યવાહીને ગતિશીલ બનાવવા, જાહેર જનજાગૃતિ લાવવા અને કેવી રીતે વારસો સમુદાયોને મહત્વપૂર્ણ મુદ્દાઓનો સામનો કરવામાં મદદ કરી શકે છે એ દર્શાવવા માટે છે.
ઐતિહાસિક શહેરના પ્રારંભિક વિકાસને ટકાવી શકે એવી રીતે ભુજના હ્રદયસમાં હમીરસર તળાવની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. વિતેલા ત્રણ સદીઓમાં આ તળાવની આસપાસ વાવ, કૂવા અને નહેરોનું સુવ્યવસ્થિત માળખું રચાયું હતું; જે વિષમ આબોહવામાં પણ જળાશયોના પાણીને સાચવી રાખવા માટે સક્ષમ હતું. પરંતુ સમય જતાં શહેરના આધુનિક માળખાકીય વિકાસમાં પરંપરાગત જળ વ્યવસ્થા અસરગ્રસ્ત બની ! અલબત્ત, ઐતિહાસિક જળ વ્યવસ્થા આજે પણ શહેરને પાણી પૂરું પાડવાની ક્ષમતા ધરાવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક માનવસહજ હસ્તક્ષેપો જળ વ્યવસ્થાની કાર્યક્ષમતા છીનવી રહ્યા છે. પરિણામે એક સમયે પાણી માટે સ્વાવલંબી ભુજ શહેર આજે પાણી માટે નિર્ભર બન્યું છે. આ ઐતિહાસિક પ્રણાલીઓને પુનર્જીવિત કરવાથી પરંપરાગત જ્ઞાનને સમકાલીન વ્યૂહરચનાઓ સાથે સંકલિત કરવાની તક મળી છે, જે ભુજ માટે ટકાઉ પાણીનું ભવિષ્ય સુનિશ્ચિત કરે છે.
CHC ના પ્રોગ્રામ લીડ ફોર એસેસમેન્ટ એન્ડ ટ્રેનિંગ તેમજ સહ-નોમિનેટર જયશ્રી બર્ધનએ જણાવ્યું હતું કે, “૨૦૨૫ વર્લ્ડ મોનયુમેન્ટ વોચની દેખરેખમાં સમાવેશ થવાથી હમીરસર તળાવ પ્રણાલીને પુનર્જીવિત કરવા અને સહયોગી હિસ્સેદારોની ભાગીદારી દ્વારા સંરક્ષણ વધારવાના પ્રયાસોને એકત્ર કરવાની આ એક ઉત્તમ તક છે.”
“નામાંકન પ્રાપ્ત ધરોહર માત્ર વારસાનું સંરક્ષણ જ સુનિશ્ચિત કરતું નથી પરંતુ તેનું સંરક્ષણ કરવાથી શહેરને સેવા આપતા પાણીને સુરક્ષિત કરવામાં સહયોગી બને છે,” તેવું સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન (CHC) ના ડૉ. જિજ્ઞા દેસાઈએ જણાવ્યું હતું.
હોમ્સ ઇન ધ સિટી-ભુજના જય અંજારિયા ગૌરવની લાગણી સાથે કહે છે કે, “ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થા જ્યારે વૈશિક સ્તરે ‘વર્લ્ડ મોનયુમેન્ટ વૉચ’ની યાદીમાં સ્થાન પામી છે ત્યારે ભુજવાસીઓ માટે ખરેખર ગૌરવપ્રદ ક્ષણ છે. આશા છે કે સ્થાનિક તંત્ર પણ હવે ભુજના જળસ્રોતોને ઝડપથી નોટિફાય તેમજ સંરક્ષિત કરવા માટે સક્રિય બનશે. સહિયારા પ્રયાસો ભુજને પાણી માટે ફરી સ્વાવલંબી બનાવશે એવી ખાતરી છે.”
વધુ માહિતી માટે https://www.wmf.org/world-monuments-watch/2025, Bhuj Historic Water Systems, India પર ક્લિક કરો અથવા જય અંજારિયાનો (99૭૮૨૧૯૭૨૧) સંપર્ક કરવો.