ગુજરાત ઉપરાંત બેંગલોર, પોંડિચેરી, નાગપુરથી વિવિધ વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા
આપણું ભુજ શહેર સૌ નાગરિકો માટે સર્વ સમાવેશક અને ન્યાયિક શહેર બની રહે એ માટે ભુજની સામાજિક સંસ્થાઑ અને જાણ સંગઠનોના સંયુક્ત પ્રયાસો દ્વારા “હોમ્સ ઇન ધ સિટી”( HIC) પ્રકલ્પ ૨૦૦૮ થી ભુજ શહેરમાં કાર્યરત છે. HIC પ્રોગ્રામ દર ત્રણથી પાંચ વર્ષે શહેર સ્તરના બે-દિવસીય કાર્યક્રમનું આયોજન કરે છે; જેમાં શહેરના પ્રશ્નો માટે નાગરિકોના સૂચનો મેળવવા સાથે પોતાની કામગીરીનું આદાન-પ્રદાન કરી શકે. આ વિચારધારા સાથે ૨૮ અને ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ HIC ભુજ ખાતે “સિટી ફોર ઓલ; એન ઇન્કલુસીવ એન્ડ જસ્ટ સિટી વિથ નેચર” એટલે કે “સૌ માટેનું શહેર: પ્રકૃતિ સાથે સર્વસમાવેશક અને ન્યાયિક શહેર” નામી બે-દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓ અને કૃતિઓ દર્શાવતા સ્ટોલ ઉપરાંત અનુભવી નિષ્ણાતોની ઉપસ્થિતિમાં વિષયાભિમુખ ચર્ચાઑ દ્વારા HIC પ્રકલ્પની આગામી દિશાઓ સુનિશ્ચિત કરવામાં આવી.
ભુજના નાગરિક સમાજ સંગઠનો (CSOs) કચ્છ મહિલા વિકાસ સંગઠન, હુન્નરશાળા ફાઉન્ડેશન, સહજીવન, એરીડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસ અને સેતુ અભિયાન દ્વારા શરૂ થયેલા HIC પ્રકલ્પનો મુખ્ય હેતુ શહેરના વિકાસમાં વંચિતોની સાર્થક ભાગીદારી મેળવી; ભુજની સુધારણા માટે તેમને સકારાત્મક બળ તરીકે સામેલ કરવા; તદુપરાંત પર્યાવરણ-સંવેદનશીલ તકનીકો અને પ્રથાઓ દ્વારા પાણીની વ્યવસ્થા અને જૈવવિવિધતા જેવા કુદરતી વારસાનું સંરક્ષણ કરવાનો રહ્યો છે. ગત વર્ષ ૨૦૬માં “શહેર પાડે સાદ” કાર્યક્રમ દ્વારા HIC પ્રકલ્પની પ્રવૃત્તિઓ જાહેરમાં ચર્ચાઇ હતી; ત્યાર થી વર્તમાન સમય સુધીમાં HIC પ્રકલ્પ સાથે જોડાયેલી સંસ્થાઑના પ્રયાસોના પરિણામે જે જનસંગઠનો ઊભાં થયાં છે તેમણે આ કાર્યશાળામાં પોતાની પ્રવૃત્તિઓનું નિદર્શન કર્યું હતું.
શહેરની સરકારી પ્રાથમિક શાળાની બાળાઓના સ્વાગત નૃત્ય સાથે આરંભાયેલા કાર્યક્રમના આરંભે HIC પ્રકલ્પના મેન્ટર સંદીપભાઈ વિરમાણી અને HICના ડાયરેક્ટર અસીમ મિશ્રએ અત્યાર સુધી HIC પ્રકલ્પ અંતર્ગત થયેલી કામગીરીથી મહેમાનોને અવગત કર્યા હતા. સેતુ અભિયાનના બોર્ડ મેમ્બર અરુણભાઈ વચ્છરાજાનીએ HICની પ્રવૃત્તિઓ લોકલક્ષી હોવાનું જણાવી તંત્ર, નાગરિકો અને સંસ્થાઓનો ત્રિવેણી સંગમ ભુજ શહેરને સાચી દિશામાં દોરી જશે એવો ભાવ વ્યક્ત કર્યો હતો. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન્સ (FOKIA)ના મેનેજિંગ ડાયરેક્ટર નિમિષભાઈ ફડકેએ સંસ્થાઑના સહિયારા પ્રયાસોના કારણે ઊભાં થયેલા સંગઠનોની શક્તિને વિકાસની પરિભાષા બદલી શકનારા તરીકે ગણાવી કચ્છની ઇન્ડસ્ટ્રીઝ વતી સહયોગી બનવાની ખાતરી આપી હતી.
આ કાર્યશાળામાં અર્બન એન્વાયર્મેન્ટ એજ્યુકેશન, વિકેન્દ્રિત સહભાગી સાશન, કચરો વીણતા પરિવારોની પરિસ્થિતિ, ગરીબો માટે જમીન અને આવાસ, પ્રવાસી મજૂરોની સ્થિતિ બચતમંડળો દ્વારા સ્તર સશક્તિકરણ, ક્લાઇમેટ ચેન્જ તેમજ ગ્રીનબેલ્ટ વધારવા અને જળવ્યવસ્થાપન અને જળસ્રોતોનું સંરક્ષણ સહિત વિષયો પર કાર્યકરોએ રજૂઆત કરી હતી.
વિવિધ મુદ્દાઓને દિશાસૂચન અને માર્ગદર્શન આપવા માટે ગુજરાત ઉપરાંત બેંગલોર, પોંડિચેરી, નાગપુરથી વિવિધ વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા; જેમાં પાર્થા સારથી (HIC સ્ટીયરીંગ મેમ્બર) રોહિત પ્રજાપતિ, પર્યાવરણ સુરક્ષા સમિતિ – વડોદરા, સંજય ઠાકર (DIET-ભુજ ખાતે ભૂતપૂર્વ પ્રિન્સિપાલ), સમીર શેખ (શિક્ષણ નિષ્ણાત), અવિનાશ મહાડે (CEE-પોંડિચેરી), કાસમ સમા – વિપક્ષ અગ્રણી – ભુજ નગરપાલિકા, મનુભા જાડેજા – કાઉન્સેલર – વોર્ડ 8, ભૂમિબેન – વોર્ડ કોમ. સભ્ય -વોર્ડ 8, શરીફભાઈ – સેન્ટર ફોર ડેવલપમેન્ટ – અમદાવાદ, નિખિલ ધામાણી -SBM – ભુજ નગરપાલિકા, બિંદિયા ઠક્કર (કાઉન્સેલર), જહાન ભુજવાલા (સક્રિય નાગરિક), બિઆંકા ફર્નાન્ડીસ તથા ઈન્દુમતીબેન (હાસીરુદલા, બેંગ્લોર), અનિલ વાસનિક તથા શૈલેન્દ્ર વાસનિક (શહેર વિકાસ મંચ, નાગપુર), અનુપ્રધા સિંઘ એડવોકેટ, (દિલ્હી સુપ્રીમ અને હાઇકોર્ટ), ધર્મિષ્ઠાબેન (PMAY cell – ભુજ નગરપાલિકા), મહેશ ગજેરા (અજીવિકા બ્યૂરો), વિપુલ પંડ્યા, બંધકામ મજદુર સંગઠન – અમદાવાદ, પ્રીતિબેન ઓઝા, સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન, ભટ્ટભાઈ (BOCW), કિશોર શેખા (NULM – ભુજ નગરપાલિકા), ભગવાનભાઇ (અજીવિકા બ્યૂરો, સુરત), અમીબેન શ્રોફ, (શ્રુજન ખાતે ટ્રસ્ટી), અવની દવે (મહિલા અને બાળ વિકાસ અધિકારી, ભુજ), લોકેન્દ્ર બાલાસરિયા, ટ્રી વોક-અમદાવાદ, ભાવના માહેરીયા (મહિલા હાઉસીંગ ટ્રસ્ટ – અમદાવાદ) સહિત ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત HIC સાથે જોડાયેલી દરેક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ ભુજના મેયર રશ્મિબેન સોલંકીએ ખાસ હાજરી આપી કાર્યક્રમના આયોજન બદલ તંત્રના સહકારની ખાતરી આપી હતી.
બે દિવસની કાર્યશાળાના નિચોડ સ્વરૂપે અંતિમ સત્રમાં દરેક સત્રના મોડરેટરે પોતાના તારણો રજૂ કર્યા હતાં; જેના પરથી સંદીપભાઈ વિરમાણી અને પાર્થા સારથી સાહેબે સારાંશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, HIC પ્રકલ્પ અંતર્ગત જે પણ પ્રવૃત્તિઑ થઈ રહી છે એ દરેક પ્રવૃત્તિને જો વોર્ડ કમિટી સાથે જોડવામાં આવે તો દરેક કાર્યોને માન્યતા મળશે; તેમજ દરેક પ્રવૃત્તિઓનું વિવિધ માધ્યમો દ્વારા દસ્તાવેજીકરણ કરી વધુને વધુ પ્રચાર પ્રસાર કરવાની જરૂર છે, વધુમાં દેશ-દુનિયામાં જે અન્ય પ્રકલ્પો ચાલી રહ્યા છે તેની સાથે પીઅર લર્નીગ મળી રહે એવા એક્સપોઝર અને અપસકેલિંગ કરવાથી HIC પ્રકલ્પનો વ્યાપ વિસ્તારી શકાશે. ભુજના રેઆણ રિસોર્ટ ખાતે આયોજિત કાર્યશાળામાં દરેક સંસ્થાના કાર્યકરોએ સફળતાપૂર્વકનું આયોજન કર્યું હતું.