કચ્છની મહિલાઓના સર્વાંગી વિકાસ અને તેમને હક્ક અને અધિકાર અપાવવાના સકારાત્મક અભિગમ સાથે કાર્યરત ‘કચ્છ મહિલા વિકાસ સંગઠન’ને ૩૫ વર્ષ પૂર્ણ થતાં ભુજમાં સંસ્થાના સ્થાપકો, આગેવાનો, કાર્યકરો, લાભાર્થીઓએ સાથે મળીને ઉલાસભેર ઉજવણી કરી હતી. સંસ્થાના સાડા ત્રણ દાયકામાં થયેલી કામગીરીઓને નાટિકા, ગીત, નૃત્ય જેવા વિવિધ માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવી હતી.
એક સમય એવો હતો કે જ્યારે ખવડાના અંતરિયાળ ગામોમાં સુષ્માબેન, અલકાબેન લતાબેન જેવાં માર્ગદર્શકો બહેનોને ઘરની બહાર લાવવા મહિલાના સવારમાં ગીતો ગાઈને વિશ્વાસ સંપાદનના પ્રયાસો કરતાં હતાં અને આજે આ ૩૫ વર્ષની સફરમાં કચ્છની હજારો મહિલાઓ સંસ્થા સાથે વિવિધ રીતે સંકળાઈ છે અને આજે આ સંસ્થા વટવૃક્ષ બની છે. સંસ્થાની પરંપરા અનુસાર નવી પેઢી આગળ આવી અને અરુણાબેન ધોળકિયા, માલશ્રીબેન ગઢવી તેમજ કૃતિબેન લહેરુ જેવા કર્મનિષ્ઠ કાર્યકરોએ મહિલા ઉત્કર્ષના ઉદેશ્યને આગળ ધપાવ્યો છે.
સંસ્થાના ૩૫ વર્ષની પૂર્ણાહૂતિએ ઉપસ્થિત સૌ કાર્યકરોએ પોતાની સંસ્થાની પ્રવૃતિઓને વિશેષ રીતે પ્રસ્તુત કરી હતી. પ્રારંભે મુમતાજબેન લાડકે ઢોલના ધબકારથી કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો. અરુણાબેન અને માલશ્રીબેને પ્રારંભે આવકારો આપી ઉજવણીનો આશય વ્યક્ત કર્યો હતો. સુષ્માબેન અને અલકાબેને સંસ્થાના વિકાસમાં દરેક પેઢીનો સહયોગ છે તેમ જણાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા. ભાગવતીબેન સથવારાએ સંસ્થાના નામ અને કામને વણી લેતાં ગીત રજૂ કર્યા હતા. કાર્યકરોએ સંસ્થાની કામગીરી અને તેનું વિસ્તરણ કેવી રીતે થયું; મહિલાઓ સાથે પુરુષોની વિચારસરણીમાં કેવી રીતે બદલાવો આવ્યા એ દર્શાવતી સુંદર નાટિકા રજૂ કરી હતી. રક્ષાબેન, અંજલિબેન સહિત બહેનોએ વક્તવ્ય દ્વારા પોતાના ભાવ વ્યક્ત કર્યા. વર્ષોથી સંસ્થાના સાક્ષી એવા હકીમામાસી, ફાતમાબેન જત, પૂનમબેન શર્મા સહિત સંગઠનોના પ્રતિનિધિઓએ સંસ્થા સાથે પોતાની સફર વર્ણવી હતી. કાર્યકરોએ ‘હેલ્લારો’ ગરબો રજૂ કરતા, ઉપસ્થિત સૌ ગરબે ગુમયાં હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં નીકીતા ગોર, રિંકલબેન, ખતીજાબેન, ચારુ યોગેશ ગરવા, ચંદાબેન, જિનલ, શિલાબેન, મિનાક્ષીબેન, ઇલાબેન, આમદભાઈ, પ્રશાંતભાઈ તેમજ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન હોમ્સ ઇન ધ સિટીના જય અંજારિયાએ સંભાળ્યું હતું.
No Comment
Comments are closed here.