ભુજમાં ઓર્ગેનિક પ્રોડક્ટ્સના પ્રદર્શન-વેચાણ સાથે “મેંગો ફેસ્ટીવલ” યોજાયો

ભુજમાં ઓર્ગેનિક પ્રોડક્ટ્સના પ્રદર્શન-વેચાણ સાથે “મેંગો ફેસ્ટીવલ” યોજાયો

હોમ્સ ઇન ધ સીટિ અને સાત્વિક દ્વારા સજીવખેતીની બજાર વ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા પ્રયાસ કરાયો

આપણે પેસ્ટીસાઇડ યુક્ત ખોરાકથી બચવું હોય તો જેમ આપણા ફેમિલી ડોક્ટર હોય છે એમ ફેમિલી ફાર્મરનો કોન્સેપ્ટ અપનાવવો પડશે; તો જ આપણે સાત્વિક ખોરાક મેળવી પોતાના સ્વાસ્થ્યને ગંભીર બિમારીઓ સામે રક્ષણ આપી શકીશું; આવી મહત્વની વાત ભુજમાં આયોજિત મેંગો ફેસ્ટીવલમાં ઉપસ્થિત સજીવ ખેતી કરતા ખેડૂત દ્વારા રજૂ કરાઇ હતી. કચ્છમાં સજીવ ખેતીને પ્રોત્સાહન મળે અને ઓર્ગેનિક ખેતપેદાશો માટેની બજાર વ્યવસ્થા સંદર્ભે ખેડૂતો અને નાગરિકો વચ્ચે સંવાદ થાય એવા આશય સાથે ભુજની સંસ્થાઓ અને સંગઠનોના સંયુક્ત પ્રકલ્પ હોમ્સ ઇન ધ સીટિઅને સજીવ ખેતી પર કાર્યરત સાત્વિકસંસ્થાના સંયુક્ત ઉપક્રમે ભુજમાં એક દિવસના મેંગો ફેસ્ટીવલનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટીવલમાં કચ્છના સજીવ ખેતી કરતા ૧૫ ખેડૂતો કેરી અને વિવિધ પ્રકારની ખેત પેદાશો સાથે જોડાયા હતા.

જેમ જેમ નાગરિકોમાં ઓર્ગેનિક પ્રોડક્ટ્સ પ્રત્યેની સભાનતા વધે છે તેમ તેમ તેની ડિમાન્ડ પણ વધવા લાગી છે ત્યારે ઓર્ગેનિક ખેત ઉત્પાદન કરતા ખેડૂતો અને નાગરિકો એક મંચ પર મળે અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સની બજાર વ્યવસ્થાને વચેટિયાવિહોણી બજાર મળે એવા આશયથી મેંગો ફેસ્ટીવલ આયોજિત કરાયો હોવાનું સાત્વિક સંસ્થાના પ્રવિણભાઇ મુછડીયાએ કહ્યું હતું. ‘સાત્વિકન શૈલેષભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, ૨૦૦૧ બાદ સજીવખેતીના ખેડૂતોને ચિંતા હતી કે, સજીવખેતી માટે માર્કેટ કેવી રીતે ઊભી કરવી ત્યારે જણાયું કે માત્ર કોમર્શીયલ બજારો ઉપર નિર્ભર રહેવું પુરતું નથી, પરંતુ સ્થાનિક સંસ્થાઓની જરૂરીયાત પણ રહેશે. આ જરૂરીયાતને ધ્યાને રાખતાં સાત્વિક દ્વારા ઓર્ગેનિક પ્રોડક્ટ્સ માટે માર્કેટ પ્લેટફોર્મ ઉભું કરી હોમ ડિલીવરીની સુવિધા પણ વિકસાવાઇ રહી છે. કચ્છમિત્રના આરોગ્ય કટાર લેખિકા નીશીતાબેન ઠક્કરે ઓર્ગેનિક ફુડ અને આરોગ્ય વિષય પર વક્તવ્ય આપતાં વાત મુકી હતી કે, ‘અન્ન અને બ્રહ્મસમાન છે કારણ કે બન્ને ટકાઉપણાનો સિદ્ધાંત ધરાવે છે. બજારમાં જે નોન સીજનલ ફળો અને શાકભાજી મળે છે એ માત્ર આપણા આરોગ્યને જ નહિં પણ પર્યાવરણ માટે પણ જોખમી છે. આવા પેસ્ટીસાઇડ યુક્ત ખોરાકના કારણે અલઝાઇમર, કેન્સર, પાર્કિન્સન જેવા રોગો લાગુ પડે છે. પાંચ વર્ષથી નાના બાળકો માટે તેમણે ઓર્ગેનિક ફુડનો ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો.

સહજિવન સહિતની સંસ્થાઓ સાથે જોડાયેલા સંદિપભાઇ વીરમાણીએ ઓર્ગેનિક ઉત્પાદનોને ગાંધીની વિચારધારા સાથે સરખાવી સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપવાની વાત કરી હતી. જો ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધી બજાર જળવાય તો કૃત્રિમ બીજોનો વેપાર કરતા વચેટીયાઓ દૂર થઇ શકે. તેમના માનવા પ્રમાણે ઇકો સીસ્ટમ દ્વારા જે ઉત્પાદનો મળે છે તેનો જ ઉપયોગ કરવો જોઇએ. કુંભારડીના ખેડૂત હિતેશભાઇ વોરાએ વર્તમાનમાં મોટા પાયે ખોરાકમાં લેવાતાં પ્રોસેસ ફુડના ઉપયોગ સામે લાલ બત્તી દર્શાવતાં જણાવ્યું હતું કે, ફિલ્ટર્ડ ફુડની લાયમાં આપણું સ્વાસ્થ્ય ખોઇ રહ્યા છીએ; તેથી શક્ય એટલી વધુ માત્રામાં નાગરિકોએ સજીવ ઉત્પાદનોને પોતાના આહાર વિહારમાં સમાવિષ્ટ કરવાં જોઇએ. અહિં ઉપસ્થિત એક જાગૃત નાગરિકે સરકારને કેમીકલ બનાવતી કંપનીઓ પર રોક લગાવવા અનુરોધ કરી કહ્યું હતું કે ઉત્પાદન જ નહિં થાય તો કોઇ ખેડૂત કેમીકલ વાપરશે જ નહિં. દવાખાનાના ખર્ચા ફરજીયાત ભરવા પડે છે ત્યારે સજીવ ઉત્પાદનો માટે વધારે પડતો ભાવતાલ કરવાને બદલે તેને પ્રોત્સાહન આપવું જોઇએ.

આ પ્રસંગે પ્રદર્શન અને વેચાણમાં કચ્છના ખેડૂતો હરિસિંહ જાડેજા(કોટડા રોહા), નરેન્દ્રસિંહ ઝાલા (રામાણીયા), સત્યજીતસિંહ જાડેજા(ખેડોઇ), રવજી ગોરસીયા(મીરઝાપર). મગનભાઇ આહિર(નિંગાળ), વલમજી સોરઠીયા(ચંદીયા), હરજીભાઇ હાલાઇ(મેઘપર), હિતેશભાઇ વોરા(કુંભારડી), મણીલાલ માવાણી (વરઝડી), રમેશગીરી ગોસ્વામી(દહિંસરા), હિતેન્દ્રસિંહ જાડેજા(ખેડોઇ), વીરમભાઇ સીજુ(ભુજોડી), ભુપેન્દ્ર ગોરશીયા(માધાપર), શાંતિલાલ પટેલ(વડવાકાંયા) અને સંજીવની ઓર્ગેનિક સ્ટોર(માધાપર) સહિત ખેડૂતો કેરી, ખારેક, જાંબુ, મેંગો જેલી, મસાલા તેમજ અનાજ સહિતની ખેત પેદાશો લાવ્યા હતા. ગ્રાહકો મોટી સંખ્યામાં જોડાય હતા અને ઓર્ગેનિક પેદાશોની ખરીદી કરી હતી. કાર્યક્રમના આયોજન માટે ઇન્દિરાબાઇ પાર્કનો ઉપયોગ કરવાની પરવાનગી બદલ ભુજ નગરપાલિકાનો આભાર વ્યક્ત કરાયો હતો. બાગાયત નાયબ અધિકારી પરસરીયા સાહેબ, ડો. વાઘેલા, રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજભાઇ સોલંકી, અભિયાનના જયેશભાઇ લાલકા, સુષ્માબેન આયંગર સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સાત્વિકના સુલેમાનભાઇ, વલીભાઇ, એચઆઇસીના અસિમભાઇ મિશ્ર, જય અંજારિયા, પ્રાચી પટેલે વ્યવસ્થા સંભાળી હતી.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati