બીબીસી દ્વારા નાગરિકો માટે “મ્યુકરમાયકોસીસ” સંદર્ભે વેબીનાર યોજાયો

બીબીસી દ્વારા નાગરિકો માટે “મ્યુકરમાયકોસીસ” સંદર્ભે વેબીનાર યોજાયો

આખું વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે એવી પરિસ્થિતિમાં મ્યુકરમાયકોસીસનામની નવી મહામારી જાહેર થતાં લોકોમાં અનેક તર્કવિતર્કો ફેલાઇ રહ્યા છે. આવી સ્થિતિમાં નાગરિકોને આ રોગ વિશે સચોટ માહિતી અને માર્ગદર્શન પુરૂં પાડવા માટે નાગરિકોના પોતિકા મંચ ભુજ બોલે છેઅને હોમ્સ ઇન ધ સીટિદ્વારા જામનગરના પ્રખ્યાત ઇએનટી સર્જન ડો. વિરલ છાયા સાથે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસ જેવા નામો સાથે વર્તમાનમાં મ્યુકરમાયકોસીસની બિમારી વિશે સોશ્યલ મીડિયામાં પણ અનેક માહિતીઓ ફરી રહી છે જે લોકોને માર્ગદર્શન પુરૂં પાડવાને બદલે અસમંજસમાં મુકી દે છે આ સ્થિતિમાં એશીયા ઓશીએન્યા એસોસિએશન ઓફ ઓટોલરીંગોલોજીના સેક્રેટરી જનરલ એવા ડો. વિરલ છાયાએ આ રોગ વિશે ખુબ જ સરળ સમજુતી આપી હતી. મ્યુકરમાયકોસીસ કોને અને કેવી રીતે થાય, તેના લક્ષણો અને પ્રકારો, રોગ કેવી રીતે મનુષ્યમાં ફેલાય છે જેવી દરેક પ્રકારની માહિતી પુરી પાડવામાં આવી. ડો. છાયાએ જણાવ્યું હતું કે જો કોઇને કોરોના થઇ ગયો હોય અને ડાયાબિટીસનું પ્રમાણ રહેતું હોય એવી વ્યક્તિને આંખ લાલ થાય, એક બાજુનું નાક સદંતર બંધ થઇ જાય, આંખના કિનારા પર ખુબ દુખાવો થાય, માથામાં દુખાવો થાય જેવાં કોઇપણ લક્ષણો દેખાય તો કાન, નાક, ગળાના ડોક્ટરની અનિવાર્યપણે સલાહ લેવી જ જોઇએ. નાકના માધ્યમે આખા શરીરમાં ઝડપભેર ફેલાઇ જતી આ બિમારીને તો જ રોકી શકાય જો તેનું સમયસર નિદાન કરવામાં આવે. તદુપરાંત માસ્ક બદલતા રહેવું, એસીનો ઓછો વપરાશ, હવાઉજાસ વાળી જગ્યામાં રહેવું, કસરત અને પ્રાણાયામ કરવું જેવી પ્રક્રિયાઓ આ રોગ સામે રક્ષણ આપશે તેવું ઉમેર્યું હતું. આ રોગ જરાય પણ ચેપી નથી તેમ જણાવતાં ડો. છાયાએ લોકોને મગજમાં ખોટા ડર ના લાવી તંદુરસ્ત જીવન જીવવા અનુરોધ કર્યો હતો.

ડો. છાયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ ૭ હજાર જેટલા મ્યુકરમાયકોસીસના કેસ છે જેમાંથી ૩૫ જેટલાં મૃત્યુ થયાં છે તેથી આ રોગ જેટલો દર્શાવવામાં આવે છે એટલો ઘાતક નથી પરંતુ જો તકેદારી લેવામાં ન આવે તો દરદીને શારીરિક રીતે અનેક શસ્ત્રક્રિયાઓમાંથી પણ પસાર થવું પડે તેમ હોય છે. વેબીનારમાં ભુજ, અમદાવાદ, જામનગર સહિત વિસ્તારોમાંથી નાગરિકો, સંસ્થાના કાર્યકરો જોડાયા હતા અને ડોક્ટર સાથે પ્રશ્નોત્તરી કરીને પોતાની સમસ્યાના સમાધાન મેળવ્યા હતા.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati