વર્તમાન પરિસ્થિતિમાં કોવિડ મહામારીના કારણે અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે અને બીજી તરફ અનેક લોકો એવી માનસિકતાથી પિડાઇ રહ્યા છે કે હવે પોતાને તો કોરોના નહિં થાય ને ! આવી માનસિક તાણમાંથી ભુજના નાગરિકોને મુક્તિ અપાવવા માટે “વર્લ્ડ હાયપરટેન્શન ડે” નિમિત્તે “કોવિડ ભયસર્જિત ઉચ્ચ રક્ત દબાણના કારણો અને યોગા સાયકોથેરેપી દ્વારા નિવારણો” વિષય પર ભુજના જાણીતા મનોચિકિત્સક ડો. દેવજ્યોતિ શર્મા સાથે એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વભરમાં જ્યારે કોરોનાની મહામારીએ આતંક મચાવ્યો છે ત્યારે અનેક લોકો માનસિક બિમારીનો પણ ભોગ બની રહ્યા છે અને અમુક કિસ્સાઓમાં કેટલાક લોકો સંપુર્ણ રીતે માનસિકતા ગુમાવી બેસે છે અન્યથા અમુક કિસ્સામાં લોકો આપઘાતના પ્રયાસો પણ કરતા હોય છે. આ પરિસ્થિતિમાં નાગરિકોના માનસિક તાણની સમસ્યાને નિવારવા માટે નાગરિકોના પોતિકા મંચ “ભુજ બોલે છે” અને “હોમ્સ ઇન ધ સીટિ” પ્રકલ્પ દ્વારા આ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજમાં “આપઘાત નિવારણ કેન્દ્ર” ચલાવવા સાથે અનેક મનોરોગીઓની વિવિધ રીતે સારવાર કરતા અને અનેક સ્તરે સેમીનાર અને વેબીનાર માધ્યમે તાણમુક્ત જીવન માટેની સમજ પુરી પાડતા ડો. દેવજ્યોતિ શર્માએ વ્યક્તિના શરીરમાં કેવા સંજોગોમાં હાયપરટેન્શન ઉત્પન્ન થાય છે તેની સમજ પુરી પાડવા સાથે નકારાત્મક અને સકારાત્મક ટેન્શન વિશે સમજ આપી હતી. તેમજ ધ્યાન, યોગ, કસરત દ્વારા વ્યક્તિ પોતાના બ્લડ પ્રેશરને કેવી રીતે કાબુમાં રાખી શકે તેની થીયરીકલ અને પ્રેક્ટિકલ માહિતી પુરી પાડી હતી. વેબીનારમાં ૩૦ જેટલા નાગરિકો જોડાયા હતા જેમાંથી કેટલાક લોકો જાતે એન્ઝાઇટીનો શિકાર બન્યા હોવાનું જણાવી ડો. શર્મા પાસે સમાધાન માગ્યું હતું જેના પ્રત્ત્યુત્તરમાં ડોક્ટરે તેના કારણો અને ઉપાયો વર્ણાવ્યા હતા.
૧૭ મેના દિવસને જ્યારે વિશ્વમાં “વર્લ્ડ હાયપરટેન્શન ડે” તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ પ્રકારના વેબીનાર કોવિડ પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી હોવાનું નાગરિકોએ જણાવ્યું હતું. પોતાના પ્રશ્નોના સંતોષકારક પ્રત્યુત્તરો મેળવવા બદલ નાગરિકોએ ડો. શર્માનો આભાર વ્યક્ત કર્યો હતો. આયોજક સંસ્થા વતી બીબીસીના જય અંજારિયાએ વક્તા અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
No Comment
Comments are closed here.