આપણી પ્રાચીન પરંપરા પ્રમાણે લોકસંસ્કૃતિની રૂઢી પ્રમાણે વરસાદનું આગમન થાય એ પહેલાં “ભીમ અગિયારસ“ના દિવસે વર્ષાજળના સંગ્રહ માટે ભુજના દરેક સ્થાનિક જલસ્રોતોનું નવિનીકરણ કરવામાં આવતું ! એ પરંપરાને જાળવી રાખતાં આજે “ભીમ અગિયારસ“ના દિવસે ‘જ્લ સ્રોત સ્નેહ સંવર્ધન સમિતી‘ અને ‘એરિડ કોમ્યુનીટિસ એન્ડ ટેકનોલોજીસ‘ સંસ્થાના ઉપક્રમે ‘જલપેડી‘નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વર્તમાનમાં આપણા હ્રદયસમા હમીરસર તળાવમાં પાંગરી રહેલી અતિક્રમણ કરતી વનસ્પતિના સંદર્ભમાં પણ ચર્ચા કરાઇ હતી.
હમીરસર તળાવ અને ભુજના નાગરિકો વચ્ચે કંઇક અનોખો સબંધ છે એવો જ સંબંધ ધરાવતા ઉપસ્થિતો વચ્ચે હમીરસર પ્રેમી ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાયે આ પ્રસંગે સારા વરસાદની આશા વ્યક્ત કરવા સાથે હમીરસર તળાવમાં અચાનક ફેલાઇ રહેલી ‘ફિલામેન્ટસ અલ્ગે‘ નામની વનસ્પતિ અંગે ચિંતા દર્શાવતાં સંસ્થા અને તંત્ર એકજુથ બની આ મુશ્કેલીનો ઉકેલ લાવે તેવો વિચાર મુક્યો હતો. સહજિવન સંસ્થાના પંકજભાઇ જોષીએ એક પર્યાવરણવિદ તરીકે આવી પ્રક્રિયાઓ કુદરતની સહજ પ્રક્રિયાનો ભાગ હોવાનું જણાવી આ વનસ્પતિ એક જંગલી બાવળ સમાન અતિક્રમણ કરનારી વનસ્પતિ હોવાથી તેને દૂર કરવી જોઇએ તેમ જણાવ્યું હતું. ‘એક્ટ‘ના યોગેશભાઇ જાડેજાએ પણ આ સમસ્યાને નાથવા માટે નગરપાલિકાને સંસ્થાનો પુરતો સહકાર મળી રહેશે એવું જણાવ્યું હતું. તેમજ ભુજના ૭ તળાવોના પાણીના સેમ્પલ લઇ તેમા જેએસ વોટર નાખી પાણીના બેક્ટેરીયા દુર કરવા માટેનો એક પ્રયોગ ચાલી રહ્યો હોવાનું જણાવી જો એ સફળ રહે અને નગરપાલિકા સમયાંતરે એ દવાનો ઉપયોગ કરે તો ભુજના જળાશયો તંદુરસ્ત બની શકે એવી વાત પણ યોગેશભાઇએ જણાવી હતી. ઉપરાંતમાં એક કેમિકલ આવે છે જે આ વનસ્પતિ દુર કરવામાં ઉપયોગી બને તેમ હોવાની વાત સાથે એ કેમિકલ પાણીની જીવસૃષ્ટિને હાનિ કરી શકે તેવો ભય પણ વ્યક્ત કરાયો હતો. જેએસએસએસના તરૂણકાંતભાઇ છાયા, સેતુ અભિયાનના ટ્રસ્ટી અરૂણભાઇ વચ્છરાજાનિ, જવેરીલાલભાઇ સોનેજી, પક્ષીવિદ નવિનભાઇ બાપટ સહિતે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ ટાકણે સૌ ઉપસ્થિતોએ સોશ્યલ ડિસટન્સનું પાલન કરવા સાથે જળકુંભમાં જળઅંજલિ આપી જલપેડીની ઉજવણી કરી હતી. ભુજ વિસ્તારના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ પણ દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજી આ કાર્યમાં સહયોગ આપશે તો ચોક્કસ સમસ્યા દૂર થશે તેમ જણાવ્યું હતું. ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી અને ચેરમેન ભરતભાઇ રાણાએ હમીરસર તળાવના જતનમાં નગરપાલિકા સંપૂર્ણ રીતે જવાબદારી ઉઠાવશે અને એ જ સમયે હમીરસરમાં બોટ ઉતારી સફાઇનો આરંભ કરાવ્યો હતો. આ સાથે તેમણે હમીરસર બ્યુટીફિકેશનનું કામ પણ ટૂંક સમયમાં હાથ ધરાશે તેવી માહિતી આપી હતી. ઉપરાંતમાં વણજોઇતી વનસ્પતિઓ ખાઇને પાણીને શુદ્ધ કરનારી રૂહૂ અને કટલા જેવી ૧૭ હજાર માછલીઓને હમીરસરમાં નાખવામાં આવી હતી. એચઆઇસીના અસીમ મિશ્રા, ભાવસિંહ ખેર, દિવ્યાબેન વૈદ્ય, એક્ટના મનીષાબેન જાડેજા, ગૌરવ પરમાર, કાઉન્સીલર્સ અને હમીરસર પ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
No Comment
Comments are closed here.