ભુજના વિક્રેતાઓને પાણીના પાઉચનું વેંચાણ બંધ કરવા બાળકોએ કરી અપીલ !

ભુજના વિક્રેતાઓને પાણીના પાઉચનું વેંચાણ બંધ કરવા બાળકોએ કરી અપીલ !

અંકલ જો તમે આ પ્લાસ્ટિકની વસ્તુઓ વેંચવાનું બંધ કરશો ને તો આપણી ધરતી બચી જશે !!” શાળાના બાળકોએ ખૂબ જ નિર્દોશ ભાવ સાથે આવી વાત ભુજમાં સીંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ થાય એ માટે દુકાનધારકોને કહી !

ભુજમાં પાણીનાં પાઉચ, સ્ટ્રો, ડિસ્પોઝલ વસ્તુઓનું વેંચાણ અને વપરાશ બંધ થાય આશય સાથે સ્વમાન, ભુજ બોલે છે, હેપ્પી ફેસીસ સ્કૂલ અને પર્યાવરણીય હિમાયતી જુથ દ્વારા એક અવેરનેસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના સ્વચ્છ ભારત મિશનઅંતર્ગત ૫૦ માઇક્રોનથી પાતળા દરેક પ્લાસ્ટિક બેગ, ઝબલા, ડિસ્પોઝલ (થર્મોકોલ/પોલીસ્ટીરિન)ની બનાવટો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેમજ પાણીના પાઉચ પર તો સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે તેમ છતાં ભુજ શહેરમાં ઠેક ઠેકાણે વેંચાણ અને વપરાશ થઇ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ભુજની સંસ્થાઓ, શાળા અને પર્યાવરણ ચિંતીત જુથોએ એક જનજાગૃતિનું બિડું ઝડપ્યું છે. આજે ભુજના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં સંસ્થાના પ્રતિનિધિઓ અને હેપ્પી ફેસીસ સ્કૂલના બાળકોએ સ્વચ્છ ભારત મિશનના નિયમો અને પ્લાસ્ટિકથી થતાં નુકસાનના પોસ્ટર્સ સાથે ખાસ કરીને પાણીના પાઉચનું વેંચાણ કરતા દુકાનલારીગલ્લા ધારકોને પાઉચ બંધ કરવા અનુરોધ કર્યો હતો. વિસ્તારના દુકાનધારકોની અનુમતિ સાથે દિવાલો પર વિવિધ પોસ્ટર્સ ચોંટાડીને વધુ ને વધુ લોકો સુધી આ સંદેશ પહોંચતો કરવાનો પ્રયાસ કરાયો હતો. પાણીના પાઉચના વિક્રેતાઓએ બાળકોને શાંતિથી સાંભળી જો પાઉચનું ઉત્પાદન બંધ થશે તો પોતે પાઉચનું વેંચાણ બંધ કરશે એવી ખાતરી આપી હતી.

ભુજ નગરપાલિકા પણ આ કામગીરીને સહયોગ પુરો પાડી રહી છે. આગામી સમયમાં ભુજના નાગરિકોને બહોળી સંખ્યામાં જોડી સાઇનીંગ કેમ્પેઇન પણ યોજાશે એવું સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. તેમજ ભુજના નાગરિકોને સીંગલ યુઝ પ્લાસ્ટિકઅંતર્ગત આવતાં કોઇપણ પ્લાસ્ટિકના ઉત્પાદનનો વપરાશ ન કરવા જાહેર અપીલ પણ કરાઇ છે.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati