ગાયના “A2” દુધની બ્રાન્ડ “ગો દેશી” સંદર્ભે ભુજમાં યોજાઇ પત્રકાર પરિષદ.

ગાયના “A2” દુધની બ્રાન્ડ “ગો દેશી” સંદર્ભે ભુજમાં યોજાઇ પત્રકાર પરિષદ.

ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ગાયના દુધના બ્રાન્ડિંગ “ગો દેશીસંદર્ભે ગત ૮મી એપ્રિલે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજની કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થા ખાતે મળેલી આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપરાંત માલધારીઓ, સીટી ફેલો, “ગો દેશીના બ્રાન્ડ એમ્બેસેડર્સ હાજર રહ્યા હતા.

એચઆઇસીના સીટિ ફેલો નીતાબેન ખુબચંદાણીએ ગો દેશીબ્રાન્ડ અને ગાયના દુધ વિશેની આ પ્રેસ કોન્ફરન્સનો હેતુ જણાવતાં કહ્યું હતું કે, સામાન્ય રીતે માર્કેટમાં આજે કોઇપણ ચીજ વસ્તુ બ્રાન્ડ જોઇને ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળે છે, એ પછી કોઇ ખાદ્ય ચીજવસ્તુ હોય કે અન્ય જીવન જરુરીયાતની ઘરવખરી ‌! એ જ રીતે આપણે સૌ જાણીએ છીએ તેમ ગાયનું દુધ પણ પ્લાસ્ટિક પેક થેલીઓમાં વિવિધ બ્રાન્ડ સાથે માર્કેટમાં વેંચાઇ રહ્યું છે. આ પરિસ્થિતિમાં ભુજ શહેરમાં જ દેશી ગાયનું ચોખ્ખું અને ગુણવત્તાયુક્ત દુધ ઉપલબ્ધ છે પરંતુ તેની કોઇ ઓળખ ન હોવાના કારણે લોકો હજી સુધી ચોખ્ખું અને તાજું દુધ મેળવી નથી રહ્યા. તેમજ બ્રાન્ડ ન હોવાના કારણે “A2” દુધ હોવા છતાં માલધારીઓને સારા ભાવ નથી મળતા.

આ બાબતને ધ્યાનમાં લઇ ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠનદ્વારા નવી પહેલ હાથ ધરાઇ અને દેશી ગાયના ચોખ્ખાં દુધને ગો દેશીનામની નવી ઓળખ આપવાનો પ્રયાસ થયો ! ભુજ બોલે છેના જય અંજારિયાએ કઇ રીતે ગો દેશીઅંતર્ગત ગાયોના દુધની “A2” દુધ તરીકેની તપાસ અને નિરીક્ષણ રાખવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી હતી. ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠનના મંત્રી આમદ તુગાજી સમાએ જણાવ્યું કે દુધ ઉત્પાદન તેમનો વારસાઇ વ્યવસાય છે. જો ગો દેશીને નાગરિકો સ્વીકારશે તો અમારી ડેરી પરની નિર્ભરતા ઓછી થશે અને અમને મહેનતનો રોટલો મળશે!”

ગો દેશીના બ્રાન્ડ એમ્બેસેડર વૈશાલીબેન સોલંકી(નૂપુર ડાન્સ એકેડમી)એ ગાયનું “A2” દુધ મહિલાઓ માટે કેટલું ઉપયોગી છે તેની વાત મુકતાં ગાયના ચોખ્ખાં દુધમાં રહેલું કેલ્શીયમ અને પ્રોટીન અનેક અસાધ્ય રોગોમાં પણ રામબાણ ઇલાજ છે તેવું ઉમેર્યું હતું. એ જ રીતે એશીયન ગેમ્સમાં ભુજનું નામ રોશન કરનાર ભુજના યુવાન તીર્થભાઇ મહેતાએ આજના ફાસ્ટ યુગમાં ગાયના દુધમાંથી મળતાં વિટામીન્સ ખૂબ જ એનર્જી પુરી પાડે છે તેમ જણાવી, જો ઘર આંગણે “A2” દુધ મળી રહ્યું છે તો તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

પત્રકાર મિત્રોએ દુધના ઉત્પાદન, ફેરી વ્યવસ્થા, દુધની સાચવણી, “ગો દેશીના કારણે માલધારીઓના આર્થિક જીવનમાં આવનાર પરિવર્તન સહિત મુદ્દાઓ વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી. સંગઠનના સભ્યો કાસમ જાકબ સમા, હનીફ સુમરા ઓસમાણ તેમજ હાજી નોડે હાજર રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સના અંતે નીતાબેન ખુબચંદાણીએ પત્રકાર મિત્રો તેમજ બ્રાન્ડ એમ્બેસેડર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

 


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati