વિકેન્દ્રિત શાસન વ્યવસ્થાની પહેલ સ્વરુપે ભુજ નગરપાલિકા દ્વારા ભુજના ચાર વોર્ડ ૭, ૮, ૧૦ અને ૧૧માં વોર્ડ ઓફિસના લોકાર્પણનો કાર્યક્રમ ભુજના ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજાઇ ગયો.
પ્રમુખસ્વામીનગર ખાતે વોર્ડ નં. ૧૧ની વોર્ડ ઓફિસનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુક્યા બાદ સેતુ અભિયાનના વિશ્રામ વાઘેલાએ ઉદ્દેશ્ય જણાવતાં કહ્યું હતું કે, નગરપાલિકા દ્વારા શાસન પ્રક્રિયામાં નાગરિકોની સહભાગીતા વધારવા માટે વોર્ડ ઓફિસ ખુબ જ અનોખી પહેલ છે. વોર્ડ ઓફિસ પર નાગરિકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે, નગરસેવકો વોર્ડસભા કરી શકશે તેમજ સરકારી યોજનાઓની માહિતી અહિંથી ઉપલબ્ધ થશે.
વોર્ડ કમીટિના સભ્ય તરીકે સહદેવસિંહ જાડેજાએ ગત સમયમાં વોર્ડ નંબર ૧૧ માં થયેલાં વિકાસકાર્યોની ઝલક આપી હતી. જ્યારે કાઉન્સીલર અશોકભાઇ પટેલે આગામી વિકાસકાર્યો વર્ણવ્યા હતા. ઉપસ્થિત અન્ય કાઉન્સીલરો બિંદિયાબેન ઠક્કર, રીટાબેન મોતા, ધીરેનભાઇ ઠક્કર તેમજ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભરતભાઇ રાણાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યાં હતા. ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીએ વોર્ડના નાગરિકોને વધુને વધુ વોર્ડ ઓફિસનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ અધ્યક્ષા ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ વોર્ડ ઓફિસના લોકાર્પણને મહત્વનું પગલું લેખાવતાં વોર્ડના વિકાસ માટે નગરપાલિકા અને નાગરિકોએ સહભાગીતાને મહત્વનું ગણાવ્યું હતું. તેમણે આગામી ૧૫મી સપ્ટેમ્બરથી ૨જી ઓક્ટોબર દરમ્યાન સમગ્ર દેશમાં “સ્વચ્છતા મિશન” ઉજવવામાં આવશે જેમાં દરેક નાગરિકોને જોડાવા આહવાન કર્યું હતું.
વોર્ડ નં. ૧૧ની વોર્ડ ઓફિસમાં પ્રતીકભાઇ તેમજ ૮માં વોર્ડની ઓફિસમાં નીતાબેન વોર્ડ ઓપરેટરની સેવા આપશે તેવું જણાવાયું હતું. કાર્યક્રમમાં વોર્ડ કમીટિના સભ્યો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ ઓફિસના લોકાર્પણમાં સહભાગી ભુજ અર્બન સેતુ, સેતુ અભિયાનના કાર્યકરો ભાવસિંહ ખેર, વિશ્રામ વાઘેલા, આશા મહેશ્વરી, મયુર રાઠોડ, જય અંજારિયા સહિતે વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન સેતુના મામદ લાખાએ તેમજ આભારવિધિ સહદેવસિંહ જાડેજાએ કરી હતી.
No Comment
Comments are closed here.