ભુજમાં સમાજસેવી મહિલા મંડળ દ્વારા સમાજથી તીરસ્કૃત મહિલાઓ માટે સંવેદના વ્યક્ત કરી

ભુજમાં સમાજસેવી મહિલા મંડળ દ્વારા સમાજથી તીરસ્કૃત મહિલાઓ માટે સંવેદના વ્યક્ત કરી

આજના પિતૃપ્રધાન સમાજમાં ધીરે ધીરે મહિલાઓને સ્થાન મળે એ માટેના પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ આજે પણ એવી અનેક મહિલાઓ છે જે સમાજનો હિસ્સો નથી બની શકતી ! શહેરમાં દેહ વિક્રયના વ્યવસાય સાથે જોડાયેલી આવી મહિલાઓ પ્રત્યે સહાનુભુતિ દાખવવા ભુજના ઇન્નરવ્હીલ ક્લબ દ્વારા તાજેતરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઝાદીના ૭૫ વર્ષ પછી પણ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ સામાજિક રૂઢીઓનો સામનો કરી રહી છે પણ વિકાસની વાટે દોડી રહેલા શહેરી વિસ્તારોમાં પણ કેટલીક મહિલાઓને અણછાજતી નજરે જોવામાં આવે છે. આ એ મહિલાઓ છે જેમણે મજબુરીનો ભોગ બની પોતાના પરિવારના પાલન પોષણ માટે દેહવિક્રયને આવકના સાધન તરીકે સ્વીકાર્યું છે. અલબત્ત, આપણા કહેવાતા સભ્ય સમાજમાં દેહ વિક્રયના વ્યવસાયને નીચાં કામ તરીકે મુલવવામાં આવ્યું છે, પરંતુ હકીકતમાં આપણા સભ્ય સમાજના પુરૂષો જ આવી મહિલાઓ પાસે ગ્રાહક બનીને જતા હોય છે તો એ પુરૂષોનો બહિષ્કાર શા માટે કરવામાં નથી આવતો એ ખરેખર એક આશ્ચર્યકારક પ્રશ્ન બની રહ્યો છે ! ભુજ શહેરના વંચિત વિસ્તારોમાં રહીને દેહ વિક્રયના આ વ્યવસાય સાથે જોડાયેલી બહેનોની સામાજિક અને આરોગ્ય સુરક્ષાને કેન્દ્રમાં રાખીને કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા સંવેદનામંડળની રચના કરવામાં આવી છે ત્યારે સમાજથી તીરસ્કૃત આવી બહેનો સાથે સંવેદનના સબંધો સ્થાપિત કરવા માટે ઇન્નરવ્હીલ ક્લબની મહિલાઓ દ્વારા મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇન્નરવ્હીલ ક્લબના પ્રમુખ પલ્લવીબેન ઠક્કરે સમાજના જ ભાગરૂપી આવી બહેનોના સંરક્ષણ માટેની કામગીરી બદલ કચ્છ મહિલા વિકાસ સંગઠનને અભિનંદન પાઠવ્યા હતા. ભુજના મહિલા તબીબ ડો. હેમાલીબેન ચંદેએ પણ આ પ્રસંગે હેલ્થ અને હાઇજીન વિશે ઉપયોગી માહિતી પુરી પાડી હતી. ક્લબના સેક્રેટરી સંધ્યાબેન વોરા અને પ્રોજેક્ટ ચેરમેન કમળાબેન વ્યાસે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યાં હતાં. કેએમવીએસના જીજ્ઞાબેન ગોરે સંસ્થા વિશે માહિતી આપવાની સાથે કઇ રીતે સંવેદનામંડળની રચના થઇ અને આ બહેનોના સંરક્ષણ માટે રાષ્ટ્રિય સ્તરના સંગઠનો સાથે કેવી રીતે કામગીરી ચાલી રહી છે તેની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. જીજ્ઞાબેને જણાવ્યું હતું કે, ઇન્નરવ્હીલ ક્લબના પ્રમુખ પલ્લવીબહેન સમાજની તીરસ્કૃત મહિલાઓ માટે ખૂબ જ સંવેદનશીલ છે તેમજ દેહવિક્રય સાથે જોડાયેલી બહેનો સાથે કામ કરવું ખૂબ જ પડકારજનક હોવા છતાં તેમણે હિંમદ દર્શાવી અને આજે આ બહેનો આ મંચ પર એકત્ર થઇ છે ત્યારે પલ્લવીબહેનના પ્રયાસોને સલામ કરીએ છીએ. કચ્છમિત્ર અખબારના કટાર લેખિકા પુજાબેન કશ્યપે શીવપાર્વતિનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડી ખૂબ જ સંવેદનશીલ વક્તવ્ય આપ્યું હતું. સંવેદના સંગઠન વતી કૌશલ્યાબેન પટેલ, ભાવનાબેન નિમાવત, ફાતમાબેન ધણત, પૂનમબેન શર્મા અને ચેતનભાઇ ગજ્જરે સ્વાનુભવ રજૂ કરી સંવેદના સંગઠન સાથે જોડાવાના ફાયદાઓ વર્ણવ્યા હતા. “હોમ્સ ઇન ધ સીટિપ્રકલ્પના જય અંજારિયાએ ભુજમાં પાંચ સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી ચાલી રહેલા પ્રક્લ્પની માહિતી આપી હતી. આ પ્રસંગે દેહ વિક્રયના વ્યવસાય સાથે જોડાયેલી ૫૦થી વધારે બહેનો જોડાઇ હતી. ઇન્નરવ્હીલ ક્લબના અન્ય હોદ્દેદારો અને સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત બહેનોને નાસ્તો, ભેટ અને સેનેટરી નેપકીનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ક્લબના સભ્ય વંદનાબેન મજેઠીયાએ કર્યું હતું.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati