ભુજમાં વોર્ડ આયોજન માટે માહિતી અને માર્ગદર્શન કાર્યશાળા યોજાઇ

ભુજમાં વોર્ડ આયોજન માટે માહિતી અને માર્ગદર્શન કાર્યશાળા યોજાઇ

ભુજમાં લોકભાગીદારી દ્વારા સુશાસનની પ્રક્રિયા થાય એવા આશય સાથે વોર્ડ સમીતિના સભ્યો માટે વોર્ડનું વિસ્તાર વિકાસ આયોજન કેવી રીતે બનાવવું અને નગરપાલિકા સાથે કેવા પ્રકારના સંકલન કરવા એ અંગેની એક દિવસીય કાર્યશાળાનું આયોજન ભુજ અર્બન સેતુ અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાઇ ગઇ.

દ્વિતીય ચરણની આ કાર્યશાળાનો પરિચય આપતાં અર્બન સેતુના વિશ્રામ વાઘેલાએ જણાવ્યું હતું કે પ્રથમ ચરણની કાર્યશાળાના આધારે જે વોર્ડના વિકાસ આયોજન બન્યા છે તેમાં રહેલી અધુરાશો કે તૃટીઓને સુધારી ક્ષતિરહિત આયોજન નગરપાલિકામાં સોંપી શકાય એ માટે આ કાર્યશાળાનું આયોજન કરાયું છે.

કાર્યશાળામાં ઉપસ્થિત વિષય નિષ્ણાત શ્રી વર્ધમાનભાઇ વૈદ્યે જણાવ્યું હતું કે વોર્ડનું આયોજન માત્ર તૈયાર થઇ જવાથી કંઇ નથી થતું પરંતુ નગરપાલિકા એ આયોજનને પોતાના આયોજનમાં સ્થાન આપે અને તેના આધારે જે બજેટ ફાળવવામાં આવે તેમાં વોર્ડ આયોજનમાં સુચવેલા મુદ્દાઓ સમાવિષ્ટ કરવામાં આવે ત્યારે સાચી સફળતા મળી કહેવાય. ઉપરાંતમાં ૧૪માં નાણાપંચમાંથી મળતાં ભંડોળ માટે પણ નગરપાલિકા જે આયોજન બનાવે તેમાં વોર્ડ આયોજન સામેલ થાય અને વોર્ડના મુદ્દાઓ માટે નાણા ફાળવવામાં આવે તેવા પ્રયાસો વોર્ડ કમીટિના સભ્યોએ કરવા જોઇએ. વોર્ડ નંબર ૨, ૩, ૪ અને ૧૧ ના વોર્ડ કમીટિના સભ્યોએ વિવિધ પ્રક્રિયાઓના અંતે અગાઉની કાર્યશાળાના આધારે જે વિકાસ આયોજન તૈયાર કર્યું હતું તેની રજૂઆત કરી હતી. રજુઆત બાદ કેવી પ્રક્રિયા કરવામાં આવી, શું પડકારો રહ્યા, કોઇ નવીન પ્રક્રિયા અપનાવમાં આવી હોય તેની ચર્ચા કરવામાં આવી.

કાર્યશાળાના નિચોડ સ્વરુપે વર્ધમાનજીએ સુચનો આપ્યાં હતા. વિકાસ માટે માત્ર નગરપાલિકા જ સંસાધન પુરાં પાડે એ જરુરી નથી તેના માટે વિસ્તારોમાં કાર્યરત કંપનીઓના CSR તેમજ સ્થાનિક દાતાઓ જેવા માધ્યમો મારફતે ભંડોળ મેળવીને પણ વિકાસકાર્યો કરી શકાય, જે માટે વોર્ડ કમિટી જવાબદાર બને. ખાસ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ કે વોર્ડ પ્લાનમાં જો કોઇ મુદ્દો રહી ગયો હોય તો તેનું પરિશિષ્ટ બનાવીને પ્લાનમાં સમાવવા માટે નગરપાલિકાને આપી શકાય છે. સરકાર, વ્યાપારી સંઘો, સેતુ અને નાગરિકો સંગઠિત બને ત્યારે જ સુશાસન આવી શકે. વોર્ડ નંબર ૨,૩,૪ અને ૧૧ના વિસ્તારો માટે નગરપાલિકા સાથે સામુહિક ચર્ચા કરીએ પાણી અને ગટર જેવી માળખાગત સુવિધાઓ વિશે સંયુક્ત આયોજન બનાવવું જોઇએ.

 

કાર્યશાળામાં વોર્ડના કાઉન્સીલર, સમિતીના સભ્યો, સીટિ ફેલો હાજર રહ્યા હતા. અર્બન સેતુના ભાવસિંહ ખેર, મયુર રાઠોડ, આશા મહેશ્વરી, અનિલ ધેડા સહિત કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી. આભારવિધિ મામદ લાખાએ કરી હતી.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati