ભુજમાં આયોજિત ‘કિશોરી કલરવ-ભાગ ૨’ કાર્યક્રમમાં ૩૦૦ કિશોરીઓ જોડાઇ !

ભુજમાં આયોજિત ‘કિશોરી કલરવ-ભાગ ૨’ કાર્યક્રમમાં ૩૦૦ કિશોરીઓ જોડાઇ !

 

કિશોરીઓમાં પોતાના આરોગ્ય માટે જાગૃતિ આવે અને સ્વચ્છતાનું મહત્વ સમજે એ માટે કચ્છ મહિલા વિકાસ સંગઠન“, આઇસીડીએસ વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે કિશોરી કલરવ કાર્યક્રમના બીજા તબક્કાનું આયોજન ગત તારીખ ૨૪મી જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. ભુજના સરપટ ગેટ બહાર આવેલી રાજગોર સમાજવાડીમાં આયોજિત આ કાર્યક્રમમાં ૩૦૦થી વધુ કિશોરીઓએ માસિક ચક્ર અને આરોગ્ય સંબંધી સ્વચ્છતા વિશે સમજ કેળવી હતી.

સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં ફિલ્મ સ્ક્રીનિંગ, ચાર્ટ દ્વારા સમજુતિ, આંગણવાડીમાંથી મળતા ફુડ પેકેટમાંથી બનતી વાનગીઓનું પ્રદર્શન કરી તેમાંથી કિશોરીઓને મળતા પ્રોટીન, વિટામીન્સ, આયર્ન અને હિમોગ્લોબીન વિશે સમજ આપવામાં આવી હતી. અર્બન હેલ્થ સેન્ટરમાંથી આવેલા કાર્યકરોએ કિશોરીઓને ચાર્ટના માધ્યમથી આરોગ્ય અને સ્વચ્છતા સંબંધી માહિતી આપવામાં આવી હતી. આંગણવાડી સુપરવાઇઝર પ્રવિણાબેને કિશોરીઓને વિષય સંબંધિત રમત રમાડી સમજુતી આપી હતી

આ પ્રસંગે એક ઔપચારિક કાર્યક્રમમાં મિનાક્ષીબેન ચૌહાણે આવકાર આપ્યો હતો. કેએમવીએસના ડાયરેક્ટર અરુણાબેન જોષીએ ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે હાલમાં ૧૭ જુથોમાં ૩૦૦ જેટલી કિશોરીઓને જોડી તેમને લગતા પ્રશ્નોને એક મંચ મળી રહે એ માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેના મારફતે કિશોરીઓને પોતાની વાત મુકવા માટે મુક્ત વાતાવરણ મળે અને સમજ કેળવાય. ગાયનેક ડો. પ્રફુલ્લાબેન ભીંડે તેમજ અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીએ કિશોરીઓને મુંઝ્વતા પ્રશ્નોના ઉકેલ આપ્યા હતા. આંગણવાડી સુપરવાઇઝર મીનાબેન ઠક્કરે કિશોરીઓને આંગણવાડીમાંથી મળતા લાભો લેવા જણાવ્યું હતું.

કાર્યક્રમના અંતે કિશોરીઓએ આરોગ્ય વિશે જાગૃત થઇ અંધશ્રધ્ધા કે વહેમમાં ન આવી તેમજ વ્યસન ન કરવા માટેના શપથ લીધા હતા. સંચાલન સંગઠનની કિશોરીઓ રાજુ રબારી અને ફરીન પઠાણે કર્યું હતું. આભારવિધિ ક્રિષ્નાબેન તન્નાએ કરી હતી. કેએમવીએસના કાર્યકરોએ કાર્યક્રમની સફળતામાં સહયોગ આપ્યો હતો. 


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati