ભુજના પશુપાલકોની સ્થિતિ કફોડી, ચારાની એક ગુણી ૮૦૦ ને બદલે ૧૨૦૦માં મળે છે !

ભુજના પશુપાલકોની સ્થિતિ કફોડી, ચારાની એક ગુણી ૮૦૦ ને બદલે ૧૨૦૦માં મળે છે !

વર્તમાનની લોકડાઉન પરિસ્થિતિમાં ભુજ શહેરના પશુપાલકો માટે પોતાના પશુઓનું પાલન કરવામાં મુશ્કેલી ઉભી થવા પામી છે. એક તરફ દુધના વેંચાણમાં ઘટાડો નોંધાયો છે અને બીજી તરફ પશુઓ માટેના ચારાની કિંમતમાં અચાનક ભાવ વધારો કરવામાં આવતાં આ પશુપાલકો કફોડી સ્થિતિમાં મુકાયા છે. જે ચારાની એક ગુણી આઠ સો રૂપિયામાં મળતી હતી આજે એ જ ગુણી આજે બાર સો રૂપિયામાં વેંચાઇ રહી છે જેના પરિણામે પશુપાલકો ચારો ખરીદવામાં અસમર્થ બન્યા છે અને પશુઓને પણ પોષણક્ષમ આહાર મળી નથી રહ્યો !

આ પરિસ્થિતિમાં ભુજના પશુપાલકોના સંગઠન ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠનદ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ અરજી કરવામાં આવી છેછે. શહેરના પશુપાલકોને આ વિકટ પરિસ્થિતિમાં પરવડે એવા ભાવમાં પશુઓ માટેનો ચારો મળે એવી વ્યવસ્થા ઉભી કરવા તેમજ તંત્ર તરફથી શક્ય એવી સહાય કરવા માટે સંગઠન માગણી કરાઇ છે. તદુપરાંત, લોકડાઉનના નિયમોનુસાર જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના વેંચાણ માટે છૂટછાટ આપવામાં આવી છે. જેમાં દુધના વેંચાણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભુજના કેટલાક વિસ્તારોમાં પેક દુધનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ભુજના ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠનના પશુપાલકોને પણ લોકડાઉનના નિયમોના પાલન સાથે શહેરમાં ચોક્કસ સ્થળે દુધનું વેંચાણ કરવા માટે તંત્ર દ્વારા અનુમતિ આપવામાં આવે તેમજ આ વેંચાણ દરમ્યાન તેમની અટકાયત ન કરવામાં આવે એવી જોગવાઇ કરવા માટે પણ માગણી કરવામાં આવી છે. આ સંદર્ભમાં કોઇ પણ અન્ય માહિતી માટે સંગઠનના મંત્રી આમદભાઇ તુગાનો ૯૯૭૮૩૨૧૦૯૮ અને નિતાબેન ખુબચંદાણીનો ૮૧૪૧૪૭૭૩૬૧ પર સંપર્ક સાધવા મંત્રી આમદ તુગાની યાદીમાં જણાવાયું છે.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati