ભુજ ખાતે તાજેતરમાં ખાસ કરીને યુવાનો માટે એક અનોખી ‘હેરિટેજ વોક’નું આયોજન સ્થાનિક સંસ્થાઑ દ્વારા કરવામાં આવ્યું હતું; જેમાં ભુજના ઐતિહાસિક સ્મારકોની મુલાકાત સાથે ભુજના પ્રાણસમાં પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. આ વોકમાં ૩૫ જેટલા યુવાનો જોડાયા હતા.
ભુજની સંસ્થા હુન્નરશાળા ફાઉન્ડેશન અને સંસ્થાઓના પ્રકલ્પ ‘હોમ્સ ઇન ધ સીટી’ ના સંયુક્ત ઉપક્રમે ભુજના ૧૮ થી ૩૦ વયના યુવાનો માટે ગત રવિવારે સવારે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકમાં હોમ્સ ઇન ધ સિટીના જય અંજારિયાએ ભુજની ઓળખસમી પંક્તિ “અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠી બારી, ત્રણ આરા, ચોથી પાવડી ને બજાર વચ્ચે કરી ચાવડી”નું મહત્વ સમજાવતાં ભુજના પાટવાડી ગેટ થી રામકુંડ વચ્ચે જમાદાર ફતેહ મહમ્મદનો ખોરડો-હજીરો, નાનીબા સંસ્કૃત પાઠશાળા, પંચહટડી ચોક, પાવડી, પ્રસાદીનું સ્વામિનારાયણ મંદિર, રઘુનાથજીનો આરો, હાટકેશ્વર મંદિર, જન્નત મસ્જિદ, પાંચ નળ, મહાદેવ ગેટ, દેડકાવાળી વાવ, રામરોટી છાશ કેન્દ્ર સહિત સ્મારકો આવરીને યુવાનોને માહિતગાર કર્યા હતા.
વોકના અંતે રામકુંડ ખાતે એકત્ર થયેલા યુવાનોને ભુજના પારંપારિક જળ વ્યવસ્થાપનથી માહિતગાર કરાયા હતા; તેમજ ભુજના હયાત ૩૮ તળાવોના સંરક્ષણ માટે ચર્ચા કરાઇ હતી. આ ચર્ચામાં યુવાનોએ ભુજના તળાવોને બચાવવા માટે સંગઠિત થવાની વાત પર ભાર મૂક્યો હતો. આગામી સમયમાં નવા યુવાનોને જોડીને ભુજના પાણી, ઘનકચરા, જૈવ વિવિધતા, અસંગઠીત ક્ષેત્રોના કામદારો, અનૌપચારીક બજાર વ્યવસ્થા સહિત મુદ્દાઓ પર મુલાકાતો સાથે ચર્ચા કરવામાં આવશે; અને ભુજ શહેરને જીવન જીવવા માટે કેવી રીતે સાનુકૂળ બનાવી શકાય એ મુદ્દે યુવાનોના મંતવ્યો લેવાશે. હુન્નરશાળા ફાઉન્ડેશનના કાર્યકરો ઐશ્વર્યા, સહજીવનથી રોહન તેમજ અન્ય કાર્યકરોએ સહયોગ આપ્યો હતો. અંતમાં યુવાનોને સહભાગી તરીકે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું.