સેતુ અભિયાન દ્વારા ૨૦ દિવસમાં ૧૭૦૦ નાગરિકોનું રસીકરણ કરાવાયું

સેતુ અભિયાન દ્વારા ૨૦ દિવસમાં ૧૭૦૦ નાગરિકોનું રસીકરણ કરાવાયું

કોરોનાકાળમાં રસીકરણ ખૂબ જ અગત્યની ભુમિકા ભજવી રહ્યું છે ત્યારે ભુજના કેટલાક વિસ્તારોમાં વિવિધ કારણોસર રસી ન લેનારા નાગરિકોને જાગૃત કરી માત્ર ૨૦ દિવસમાં ૧૭૦૦ જેટલા લોકોનું ભુજની સંસ્થા સેતુ અભિયાનદ્વારા અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી રસીકરણ કરવામાં આવ્યું.

સેતુ અભિયાનસંસ્થાના અર્બન સેતુ દ્વારા ભુજના એક, બે, ત્રણ, આઠ અને અગિયાર નંબરના વોર્ડમાં એક સરવે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં કેટલા લોકોનું રસીકરણ થયું અને કેટલા બાકી રહ્યા છે તેમજ જે લોકો રસી લેવા નથી ઇચ્છતા એમની અનિચ્છા પાછળના કારણોનું તારણ કાઢવામાં આવ્યું. આ તારણમાં ક્યાંક અંધશ્રદ્ધા તો ક્યાંક જાગૃતિનો અભાવ જોવા મળ્યો. આ તારણોના આધારે પોસ્ટર્સ, બેનર્સ, ઓડિયોવીડિયો ક્લીપ્સ અને ઓટોરીક્ષા ફેરવીને વિવિધ વિસ્તારોમાં રસીકરણ માટેની જનજાગૃતિનું અભિયાન ચલાવવામાં આવ્યું. આ અભિયાનના પગલે દરેક વોર્ડમાંથી લોકો રસી મુકાવા માટે તૈયાર થયા. વોર્ડ ૧માં રહીમગર, મુસ્લિમ સ્કુલ, વોર્ડ ૨માં ત્રંબકેશ્વર મંદિર, ભાવેશ્વર મંદિર, વોર્ડ ૩માં અંજલીનગર, સંતરોહિદાસનગર, શિવરા મંડપ, વોર્ડ ૮માં પ્રભુનગર, રાવલવાડી અને વોર્ડ ૮ અને ૧૧ની વોર્ડ ઓફિસ ખાતે ૨૦ દિવસમાં સમયાંતરે રસીકરણના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ્લ ૧૪૦૦થી પણ વધારે નાગરિકોએ રસીકરણ કરાવ્યું. આ રસીકરણ કેમ્પમાં લોકોએ રસી તો મુકાવી જ પણ સાથે સાથે કેટલીક માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓમાંથી મુક્તિ પણ મેળવી જે કેમ્પનું સકારાત્મક પરિણામ રહ્યું છે.

ઉપરોક્ત વોર્ડમાં રસીકરણના કેમ્પ સફળતા સાથે આયોજિત થયા બાદ અર્બન સેતુની ઓફિસ ખાતે ૧૬મી ઓગષ્ટના દિવસે એક દિવસના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોવિશીલ્ડ અને કોવેક્સીનનો પહેલો અને બીજો બન્ને ડોઝ આપવામાં આવ્યા હતા. ૩૦૦ જેટલા ભુજના રહેવાસીઓએ સ્થાનિકે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રસી મુકાવી કોરોના સામે પોતાની જાતને રક્ષણ અપાવ્યું હતું. ઉપરોક્ત દરેક કેમ્પ એપીપીઆઇના આર્થિક સહયોગ સાથે આયોજિત કરવામાં આવ્યા હતા જેમાં દરેક વોર્ડના નગરસેવકો, વોર્ડ સમિતીના સભ્યો, મયુર રાઠોડ, વિનોદ પરગડુ, ગીતાબેન મહાબોધી, રૂકિયાબેન જત, આશાબેન મહેશ્વરી સહિત સીટિ ફેલો તેમજ કચ્છ મહિલા વિકાસ મંડળના પ્રતિનિધિઓ અને અર્બન સેતુના ભાવસિંહ ખેર, વિશ્રામ વાઘેલાએ નાગરિકોને સંકલિત કરવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. અર્બન હેલ્થ ડિપાર્ટમેન્ટના સ્ટાફનો પણ સંપુર્ણ સહકાર સાંપડ્યો હતો.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati