ભુજમાં “મતદાતા જાગૃતિ અભિયાન” ચલાવાયું

ભુજમાં “મતદાતા જાગૃતિ અભિયાન” ચલાવાયું

ચુંટણીને લોકશાહીનું સૌથી મોટું પર્વ ગણવામાં આવે છે. કારણકે, લોકો તેમાં તેમનાં પ્રતિનિધિઓને ચુંટીને તેમનું શાસન ચલાવવા મોકલે છે. વિધાન સભા અને લોકસભાની ચુંટણીમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ રાજ્ય અને કેન્દ્ર સ્તરે જાય છે અને ખાસ કરીને રાજ્ય અને કેન્દ્રની નીતિઓ બનાવવામાં ભાગ ભજવે છે, તેથી તેમનાં પ્રચાર પણ તે રીતના જોવા મળતાં હોય છે. મોટી સભાઓ ગજવીને “અમે જીત્યા અને અમારી સરકાર આવી તો ફલાણા પ્રકારનાં કાયદાઓ લાવીશું અથવા ફલાણા પ્રકારનાં કાયદાઓ નાબુદ કરીશું” તેવી જાહેરાતો કરતાં જોવા મળે છે. લોકો માટે આ બધું ફાયદાકારક અને જરૂરી છે તેથી લોકો તેમાં રસ લેતાં જોવા મળે છે.

નગરપાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં તેનાથી અલગ પ્રકારની ગતિવિધિઓ આપણે જોઈએ છીએ. અહી આપણે જે પ્રતિનિધિઓને ચુંટવાના છીએ તે આપણી સાવ નજીકના પાડોશી હોય છે, તે ચુંટાઈને ક્યાંયે દુર નથી જવાના, તે કોઈ મોટા કાયદાઓ બનાવવા કે બદલવાના કામ નથી કરવાના પરતું તેઓએ આપણાં ગટર, પાણી, કચરાની સફાઈ જેવાં રોજબરોજના કામો જોવાના છે. તેથી આ ચુંટણીમાં આપણે વિધાન સભા અને લોકસભાની ચુંટણી કરતાં અલગ પ્રકારની ગતિવિધિઓ જોઈએ છીએ . અહી ઘરેઘર પ્રચાર, શેરી/સોસાયટી સભાઓ વગેરે થતું વધારે જોવા મળે છે. ખાસ કરીને રાત્રે, રજાના દિવસે લોકો હાજર હોય તે રીતે તેમને મળી, ભેગા કરીને તેમના વોર્ડના ઉમેદવારોના નામ જણાવી તેમને મત આપવાનું કહેવામાં આવતું હોય છે.

આ પ્રકિયામાં એક નાગરિક તરીકે સામાન્ય રીતે આપણે શું કરીશું છીએ? જે આવશે તેને સાંભળીએ, ખાસ કઈ વિચારીશું નહીં, ઘરમાંથી કે સોસાયટીમાં જેને મતદાન કરવાનું કહેવામાં આવ્યું હશે તેને મત આપીશું!! આમાં જો કોઈને એમ પૂછીશું કે એક વોર્ડમાંથી કેટલાં નગરસેવકોને ચુંટવાના છે, તો કહેશે એવી અમને ના ખબર પડે અમે તો જઈને એક બટન દબાવી આવીશું!! અરે સાંભળો નગરપાલિકા ચુંટણીમાં એક વોર્ડમાંથી ચાર નગરસેવકોને ચુંટવાના હોય છે. તેથી એક નહીં ચાર બટન દબાવવાના અને પછી પાછું confirm બટન પણ દબાવવાનું!! ત્યારે આપણો મત માન્ય ગણાશે. પણ શું આપણે મતદાન અને યોગ્ય રીતે મત આપવાની ચિંતા કરીએ છીએ!!!

સામાન્ય રીતે આપણે વિચારીએ કે આમાં વળી મને શું મળવાનું છે, દર પાંચ વર્ષે જેમ ચુંટણી આવે તેમ આ વખતે પણ આવી છે અને મત આપવાનું કહેવામાં આવ્યું છે એટલે મત આપી દઉં, બાકી આ બધામાં આપણે વળી શું લેવાદેવા!! ખરુંને! આવું આપણે વિચારીએ છીએને !!! પણ એક જાગૃત મતદાતા તરીકે જો આપણે આવું વિચારતાં હોઈએ તો તે કેટલે અંશે યોગ્ય છે!!! બંધારણના અમલ પછી અને ૧૯૯૩ પહેલાં આપણાં આપણાં દેશમાં નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો અસ્તિત્વમાંતો હતી પરતું તેમને ખાસ સતાઓ નહોતી, નિયમિત તેમની ચુંટણી પણ થતી નહોતી. આવાં સમયે અનેક સમિતિઓની રચના થઇ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને વધારે મજબૂત બનાવવાનાં સૂચનો સરકારમાં થતાં હતા. પરતું બંધારણમાં થયેલ ૭૩મા અને ૭૪મા બંધારણીય સુધારાથી દેશમાં ખરા અર્થમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વધારે મજબૂત બની તેમજ નિયમિત રીતે દર પાંચ વર્ષે તેમની ચુંટણીઓ થવા લાગી. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને તેને પુન: જીવિત કરવામાં અને તેમાં લોકભાગીદારી શા માટે જરૂરી છે તે સમજવા ૭૩મો અને ૭૪મો બંધારણીય સુધારો સંસદમાં પસાર કરવાં, ઓક્ટોબર ૧૯૮૯માં તે સમયનાં વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ આપેલ ભાષણના કેટલાક અંશો અહી જણાવું છું:

  • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવા પાછળનો ઉદ્દેશ અમારાં મનમાં એ જ છે કે – મતદાતા અને તેમનાં પ્રતિનિધિઓ વચ્ચેનું અંતર ઓછું કરવું. આટલાં મોટાં દેશમાં વિધાનસભામાં ૨૦૦ જેટલાં સભ્યો અને સંસદસભાના ૫૦૦ જેટલાં પ્રતિનિધિઓ દેશની ૮૦ લાખ (તે સમયની) આબાદીનું પ્રતિનિધિત્ત્વ કેવી રીતે કરી શકે!

  • તેનો અર્થ એમ પણ છે કે લોકોએ તેમના ગામ કે શહેરની નાનીમોટી સમસ્યાઓ માટે પણ ધારાસભ્ય કે સંસદસભ્યનો જ સંપર્ક કરવો પડે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સશક્ત કરવાથી મતદાતા અને તેમનાં પ્રતિનિધિઓ વચ્ચેનું અંતર તો ઓછું થઇ જ જશે અને સત્તાનું કેન્દ્રબિંદુ ગામ અને શહેરમાં આવી જશે. આ રીતે ધરાસ્તરની સમસ્યાનો ઉકેલ ધરાસ્તર પર જ આવશે;

  • ત્રીજો અને મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે તેમાં મહિલાઓ અને વંચિત વર્ગ માટે અનામત લાવી તેઓને રાજકારણમાં આવવાની તક ઊભી કરી શકાશે;

  • આટલાં વર્ષોમાં આપણે એ શીખ્યું છે કે પિતૃસત્તાત્મક શાસન ક્યારેય જવાબદાર શાસન વ્યવસ્થા ન બની શકે. આપણે એ પણ સમજ્યા કે જો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કોઈ સત્તા આપવામાં નથી આવતી તો તે મીઠા વગરના જમણ જેવું છે; સ્થાનિક સંસ્થાઓને જવાબદાર બનાવી આપણે ભ્રષ્ટાચારને પણ અમુક અંશે નિયંત્રણમાં લાવી શકીએ છીએ;

  • મજબૂત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દરેક ચોરા, ચબુતરા અને શેરીની લોકશાહી વિચારધારામાં બદલાવનું માધ્યમ બની શકે છે, તેનાથી પણ અગત્યનો બદલાવ સત્તાવાદ કાર્યશેલી, નિરકુંશ શાસન, ભ્રષ્ટાચાર, ભાઈભત્રીજાવાદ જેવાં દૂષણોને દુર કરવામાં મદદરૂપ થઇ શકે છે;

  • સરકાર આવશે અને જશે પરતું આ બંધારણીય સુધારણાની અસર હંમેશા માટે રહેશે; આ સુધારાનો કોઈ બનાવટી આશય નથી, આ સુધારાથી અમે લોકશાહીને ધરાસ્તર પર ઓપચારિક અને ફરજિયાત બનાવવા ઈચ્છીએ છીએ, અમે વહીવટી અને નાણાકીય સત્તા સ્થાનિક સ્તર સુધી પહોચાડવા ઈચ્છીએ છીએ. જે દરેક સરકારની ફરજિયાત જવાબદારી બની જશે;

  • આ બંધારણીય સુધારો એ અમારો ઔપચારિક અને લાંબા સમયનો સંક્લ્પ છે, લોકો પ્રત્યેનો અમારો સંકલ્પ છે; તેમાં જે વિધ્નો ઊભા કરશે તે પોતાની જાત સામે ખતરો ઉભો કરશો કારણકે મતદાતાઓ જયારે મતદાન માટે લાઈનમાં ઊભા હશે ત્યારે તેને જ મત આપશે જેમને તેમની સાથે મિત્ર તરીકે હાથ મિલાવ્યા હશે.

૧૯૯૩માં થયેલ આ બંધારણીય સુધારાને ત્રીસ વર્ષ પૂરાં થવા આવ્યા છે. તેમાંથી કેટલાંક બદલાવોના આપણે સાક્ષી રહ્યા છીએ – જેમકે પાંચ વર્ષે નિયમિત ચુંટણી થવા લાગી લાગી છે, મહિલાઓ અને વંચિત સમુદાયો માટે અનામતના કારણે સ્થાનિક સ્વશાસનમાં તેમની ભાગીદારી ખુબ વધી છે, આપણાં ફળિયા, ગામ કે શહેરની સમસ્યાઓ માટે આપણે સીધા આપણાં નગર સેવકો કે પંચાયતોના સભ્યો કે પ્રમુખો પાસે જઈ શકીએ છીએ. જો કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સ્વાયતતા તે હજી પણ મોટો પડકાર છે.

આ ભાષણનો દરેક શબ્દ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સક્ષમ કરવાં આપણામાં જોશ અને આશાનો સંચાર કરે છે. પરતું તેને ખરા અર્થમાં સાર્થક કરવાં મતદાનના દિવસે આળસ છોડી, કોઈનાં પણ પ્રભાવમાં આવ્યાં વગર જેનામાં ખરા અર્થમાં આપણા પ્રતિનિધિ બનવાની ક્ષમતાં છે અને જે આપણાં પ્રશ્નો સાંભળી તેનાં પર કામ કરવાની પૂરી ક્ષમતાં ધરાવે છે તેને મતદાન આપી આપણી ફરજ બજાવીશું ત્યારે આપણે તેનો ખરો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો તેમ ગણાશે.

(મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત આ લેખ સેતુ અભિયાન, કચ્છ મહિલા વિકાસ સંગઠન, માલધારી સંગઠન, શેરી ફેરિયા સંગઠન, નિર્માણ સાથી સંગઠન, વોર્ડ કમિટીના સભ્યો, સીટી ફેલોના સહયોગથી તૈયાર થયેલ છે.)


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati