ભુજના વિકાસ અને સુચારૂ વ્યવસ્થાપનમાં યુવાનો નાગરિક તરીકેની જવાબદારી સમજ્યા !

ભુજના વિકાસ અને સુચારૂ વ્યવસ્થાપનમાં યુવાનો નાગરિક તરીકેની જવાબદારી સમજ્યા !

યુવાનો એક નાગરિક તરીકે પોતાની મૂળભુત જવાબદારીઓ તેમજ સંવૈધાનિક અધિકારોથી અવગત થાય એ માટે ભુજમાં ચાલતા પ્રકલ્પ હોમ્સ ઇન ધ સીટિદ્વારા ૧૫ દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું હતું, જેમાં શહેરી શાસન વ્યવસ્થા, શહેરી આવાસ, પાણીની વિકેન્દ્રિત વ્યવસ્થા અને તેનો ભૂતકાળ તેમજ વર્તમાન, અસંગઠિત ક્ષેત્રો, જેન્ડર સંદર્ભે પ્રવર્તેલા ભેદભાવ, પર્યાવરણ અને જૈવ વિવિધતા જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.

ભુજ શહેરના વિવિધ મુદ્દાઓના સંદર્ભમાં કાર્યરત ૫ સંસ્થાઓના સંયુક્ત પ્રકલ્પ હોમ્સ ઇન ધ સીટિદ્વારા ૧૮ જાન્યુઆરીથી ૧લી ફેબ્રુઆરી ૨૦૨૧ દરમ્યાન આયોજિત નાગરિક તરીકે આપણા બંધારણીય અધિકારોને સમજીએકાર્યશાળામાં ભુજ શહેરના વિવિધ વિસ્તારોના ૧૫ યુવાનો સહભાગી બન્યા હતા. શહેરના વિકાસ અને સુચારૂ વ્યવસ્થાપનમાં આ યુવાનો કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે એ આશય સાથે આયોજિત આ કાર્યશાળામાં યુવાનોને ક્લાસરૂમ સાથે વિષય સાથે સંલગ્ન વિસ્તારો અને પ્રવૃત્તિઓની મુલાકાત પણ કરાવવામાં આવી હતી જેથી શહેરની વર્તમાન પરિસ્થિતિથી તેઓ વાકેફ થઇ શકે. ફિલ્ડ વીઝિટ દરમ્યાન સહભાગીઓએ હમીરસર કેચમેન્ટ એરિયા, જ્યુબીલિ કોલોનીનું વોટર રિચાર્જ મોડેલ, શેરી ફેરિયાઓના વિસ્તારો, આવાસ યોજનાના મોડેલ તેમજ ભુજ નગરપાલિકાના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી સમજ મેળવી હતી. વિવિધ વિષયો પર કાર્યરત કચ્છ મહિલા વિકાસ સંગઠન, સહજીવન, સેતુ અભિયાન, હુન્નરશાળા તેમજ એરિડ કોમ્યુનિટીસ એન્ડ ટેકનોલોજીના વિષય નિષ્ણાતો તેમજ માઇગ્રન્ટ્સ, માલધારીઓ, શેરી ફેરિયાઓ જેવાં અસંગઠિત ક્ષેત્રોમાં કાર્યરત સભ્યોએ કાર્યશાળા દરમ્યાન યુવાનોને વિવિધ માધ્યમો દ્વારા વિવિધ વિષયોની સમજ પુરી પાડી હતી. એચઆઇસીના ડાયરેક્ટર અસીમ મિશ્રા અને કોઓર્ડિનેટર પ્રાચી પટેલે ખૂબ જ મહેનતથી કાર્યશાળાના વિષયવાર મોડ્યુલ્સ તૈયાર કર્યા હતા તેમજ સમગ્ર કાર્યશાળાનું સંકલન કર્યું હતું. ઇંડિયા ફેલો શેફાલી ગુપ્તાએ સમગ્ર કાર્યશાળનું દસ્તાવેજીકરણ કર્યું હતું.

કાર્યશાળાના અંતિમ દિને ૧લી ફેબ્રુઆરીના રોજ સહભાગીઓએ કાર્યશાળાના નિચોડ સ્વરૂપે લેખિત પ્રશ્નોત્તરીમાં જોડાઇ પોતાની મેળવેલી સમજનો ઉત્તમ ઉપયોગ કર્યો હતો. એચઆઇસીના માર્ગદર્શક સંદીપભાઇ વીરમાણીએ સાથે વિષયાભિમુખ ચર્ચા કરી તેમને જે શીખવા મળ્યું છે તેનો સચોટ ઉપયોગ કરીને શહેરના મુદ્દાઓમાં પોતાનું યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ભુજ નગરપાલિકાના પ્રમુખ અને પ્રકૃતિપ્રેમી લતાબેન સોલંકીની ઉપસ્થિતિમાં સહભાગીઓ વતી તનિષા પઠાણ અને ઉર્મિ પરમારે કાર્યશાળાના અનુભવો શેર કરતાં પર્યાવરણ, જેન્ડર, પાણી, અસંગઠિત ક્ષેત્રો વિશે જાતે શું શું કરવાનું નિર્ધાર્યું છે તેની દ્રઢતા સાથે છણાવટ કરી હતી. યુવાનોના ઉત્સાહને બિરદાવતાં લતાબેન સોલંકીએ ખાસ કરીને એક નાગરિક તરીકે શહેરના વિકાસશીલ મુદ્દાઓ સાથે પર્યાવરણ અને જળસ્રોતોના બચાવ માટે યુવાનોને આહવાન કર્યું હતું અને આ પ્રકારની કાર્યશાળાનું સમયાંતરે આયોજન કરતા રહીને યુવાનોને જવાબદાર બનાવવાનું કાર્ય કરતા રહેવા માટે એચઆઇસીને સુચન કર્યું હતું. યુવાનોએ ભુજના વિસ્તારોમાં સ્પોટ ફિક્સીંગની પ્રવૃત્તિ સાથે વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવાનો કોલ આપ્યો હતો. કાર્યશાળામાં સહભાગીતા બદલ એચઆઇસી તરફથી યુવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યશાળાના સમાપન સમારોહનું સંચાલન ભુજ બોલે છેના જય અંજારિયાએ કર્યું હતું.

બોક્સ: કાર્યશાળાના સહભાગીઓ

) દિવ્યા રાજેશ મહેશ્વરી () પઠાણ તનિષા આરિફખાન () ટ્વિંકલ બુધભટ્ટી, () ઉર્મિ પરમાર

() રીયા ગોસ્વામી () દિપ્સીકા નારણભાઇ મહેશ્વરી () નંદિની અતુલભાઇ મહેશ્વરી

() પૂનમ અશોકભાઇ મહેશ્વરી () શ્રુતિ પ્રવિણભાઇ ગરવા (૧૦) ગીતા ભરતભાઇ પરમાર

(૧૧) શીફા અનવરખાન પઠાણ (૧૨) સમીરા ઉસ્માન જત (૧૩) મયંક જયેશભાઇ ખત્રી

(૧૪) સમીર ઉસ્માન જત (૧૫) રીઝવાન સલીમ જત.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati