ભુજના પ્રમુખસ્વામીનગરમાં આકાર લઇ રહ્યું છે “શાંતિ સુંદર વન” !

ભુજના પ્રમુખસ્વામીનગર ખાતે એક સમયે જ્યાં કચરાનું સામ્રાજ્ય હતું તેમજ ગેરકાયદે દબાણો થયાં હતાં ત્યાં આજે આ વિસ્તારના પર્યાવરણ પ્રેમી નાગરિકો અને સંસ્થાના સંયુક્ત પ્રયાસે આકાર લઇ રહ્યું છે, ‘શાંતિ સુંદર વન’ ! આ કોઇ સરકારી ભંડોળ હેઠળની કામગીરી નથી પરંતુ પર્યાવરણ માટે ચિંતીત ભુજના નાગરિકોની એક અનોખી પહેલ છે.

તાજેતરમાં ભુજના પ્રમુખસ્વામીનગરમાં ભુજની જ સ્વૈચ્છિક સંસ્થામાં પર્યાવરણના સંદર્ભમાં કાર્યરત સંદીપભાઇ સાથે આ સ્થળની મુલાકાત થઇ. થોડા સમય પહેલાં આ વિસ્તાર સંપુર્ણ રીતે કચરા અને ગેરકાયદેસર દબાણથી ઘેરાયેલો હતો. આ વિસ્તાર પર સ્થાનિક નાગરિકો જેમાં એ જ વિસ્તારના એટલે કે વોર્ડ ૧૨ના કાઉન્સીલર અશોકભાઇ પટેલ તેમજ મહેશભાઇ ભાનુશાલી જેવા પ્રકૃતિપ્રેમીઓની નજર પડતાં તેમણે એ વિસ્તારને કચરામુક્ત બનાવવાનું બીડું ઝડપ્યું ! જિલ્લા પંચાયત સાથે સંકલન કરી ગ્રાન્ટ મેળવી એ વિસ્તારની પાકી બાઉન્ડ્રી બનાવી તેમજ તેમાં ચોપગાં પ્રાણીઓ કે વાહનો અંદર પ્રવેશી ન શકે એવો પ્રવેશ બનાવાયો છે. સાથે સાથે ભુજની “સહજિવન” સંસ્થાના સંદીપભાઇ તેમજ સભ્યોએ આ નાગરિકોના પ્રયાસને સહયોગ આપી આ વિસ્તારમાં ૩૦૦થી વધુ વૃક્ષો રોપવાની પ્રવૃત્તિ કરી છે. હાલમાં આ સ્થળે ઉબડખાબડ જમીનનું લેવલીંગ તેમજ સફાઇની કામગીરી ચાલી રહી છે.

આ પ્રકલ્પને સાર્થક કરવા માટે યોગદાન આપી રહેલા અશોકભાઇ તેમજ મહેશભાઇએ જણાવ્યું છે કે, આ ‘શાંતિ સુંદર વન’ એક એવું સ્થળ બની રહેશે જ્યાં વ્યક્તિને સાચી શાંતિ મળે, અનેક પ્રકારના જીવો જેના પર નભતાં હોય તેવાં વૃક્ષો ઉછરશે, કોમ્પ્યુટર યુગમાં ઘરમાં બેસી રહેલાં બાળકો માટીમાં રમશે !” આગામી ટુંક સમયમાં અહિં વૃક્ષારોપણ કરી નાગરિકો માટે જગ્યા ખુલ્લી મુકાશે. ખાસ બાબત એ છે કે આ વિસ્તારને કોઇ પણ પ્રોફેશનલ વપરાશ માટે આપવામાં નહિં આવે અને અહિંની પ્રાકૃતિકતા જળવાઇ રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.

Last updated on: